લુખ્ખાગીરી: રોડ બ્લોક કરી બર્થ–ડે ઉજવતા હતા, ના પાડી તો પીએસઆઈ સાથે ધમાલ

  • February 13, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મારામારી, હથિયાર, મર્ડર સહિતના ગુનામાં આવી ચૂકેલા કુખ્યાત શખસની સાગરિતો સાથે સરાજાહેર હાથાપાઈ

પાંચ કાર ગોઠવી કુખ્યાતબંધુ સહિતના કેક કાપતા હતા: પોલીસે કાર સાઈડમાં લેવાનું કહેતા પીએસઆઈનો કાંઠલો પકડી યુનિફોર્મ ફાડયો, પાંચ કાર, બે મહિલા સહિત પાંચ પકડાયા; કુખ્યાતબંધુ સહિતનાની શોધ




રાજકોટ શહેરમાં પોલીસની વિસરેલી ધાક કે પછી લુખ્ખાઓ, ટપોરીઓ, માથાભારે ઈસમોએ ઉંચકેલા માથાને લઈને પોલીસ સાથે સમયાંતરે ઘર્ષણ કે આવા બનાવો બને છે. ગોંડલ રોડ માલવિયા કોલેજ પાછળ કૃષ્ણનગર ચોકમાં શનિવારે રાત્રે રોડ બ્લોક કરીને બર્થ–ડે સેલિબ્રેટ કરી રહેલા હત્યાના પ્રયાસ, આમ્ર્સ એકટ, હત્યા સહિતના ગુનાના કુખ્યાત આરોપી સહિતના શખસો દ્રારા પીએસઆઈનો કાંઠલો પકડી તેની સાથે રહેલા સ્ટાફ સાથે પણ હાથાપાઈ કરી સરાજાહેર ધમાલ મચાવ્યાની ઘટનાથી પોલીસબેડામાં ભારે રોષ પ્રવત્ર્યેા છે. પોલીસે તાત્કાલીક ધોરણે સ્થળ પરથી જ બે શખસો, બે મહિલાઓ સહિત પાંચને પકડી કુખ્યાતબંધુ સહિતના ચાર શખસોની શોધખોળ હાથ ધરી છે.





કૃષ્ણનગર મેઈન રોડ પર જાહેર માર્ગ બ્લોક કરીને શનિવારે રાત્રે બર્થ–ડેની ઉજવણી થઈ રહી હતી. કન્ટ્રોલરૂમને જાણ થતાં માલવિયાનગર પોલીસને દોડાવાઈ હતી. પીએસઆઈ પી.એલ. ધામા, ટ્રાફિક વોર્ડન સુભાષ કાવા, પોલીસ વેન ચાલક રફિક ખોખર દોડી ગયા હતા. રસ્તા પર નંબર પ્લેટ વિનાની બે વર્ના કાર, એક ક્રુઝ, ક્રેટા કાર તથા થાર પડી હતી. થારના બોનેટ પર કેક રખાયેલી હતી. પોલીસે વાહનો સાઈડમાં રાખવા કહેતા એક શખસ ધસી આવ્યો, તમે મને ઓળખતા નથી હું ઈશાન જોશી આજે મારા ભાઈ વિશાલનો જન્મદિવસ છે, હમણા જ કેક કપાઈ જશે કહેતા પીએસઆઈ ધામાએ વાહનો સાઈડમાં રાખી બર્થ–ડે ઉજવવા કહ્યું હતું.





કુખ્યાતબંધુ વિશાલ તથા ઈશાન બન્નેએ પીએસઆઈ ધામા સાથે માથાકૂટ કરી રોકીને ઝપાઝપી કરી હતી. વોર્ડન વચ્ચે પડતા તેની સામે પણ માથાકૂટ કરી હતી. બે મહિલાઓ પણ ધસી આવી અને પોલીસ સાથે તુકારાની ભાષામાં ઉંચા અવાજે ગેરવર્તણૂક કરવા લાગી હતી. બૂમાબૂમ કરીને પીએસઆઈ ધામાના હાથમાં રહેલી લાઠી પકડીને રાડો પાડી કહેવા લાગી કે મારા પુત્ર વિશાલનો જન્મદિવસ છે, તમે પાછા જતા રહો. પોલીસે વિખેરાઈ જવા દૂર કવા કહ્યું પણ એટલીવારમાં ટોળાંએ મળીને પીએસઆઈ ધામાનો કાંઠલો પકડી લઈ, નંબર પ્લેટ તથા યુનિફોર્મના શર્ટનું બટન તોડી નાખ્યું, ધકકા મારીને ઝપાઝપી કરી હતી. પરિસ્થિતિ વણસતા તાત્કાલીક વધુ પોલીસ કુમક બોલાવાઈ હતી. પોલીસનો કાફલો આવતા અન્ય શખસો નાસી છૂટયા હતા.





સ્થળ પરથી પોલીસે દર્શન નિલેશભાઈ ભટ્ટ, કિરીટ ઉર્ફે કીરો મનસુખભાઈ પીઠડિયા તેમજ નયનાબેન ભીખાભાઈ જોશી, મિતાલીબેન ભીખાભાઈ જોશીને ઝડપી લીધા હતા. યારે નાસી છૂટેલા ઈશાંત, વિશાલ તેની સાથે રહેલા વિનય ભટ્ટ, ગોપાલ બાલાભાઈ બોળિયા, સતિષ માલમ, સામે ગુનો નોંધ્યો હતો જે પૈકી ગોપાલ બોળિયાની પણ ધરપકડ કરાઈ હતી. સ્થળ પરથી નંબર પ્લેટ વગરની મળેલી પાંચ કાર હો કરીને લઈ જઈ ડિટેઈન કરવામાં આવી હતી. ઈશાંત અગાઉ આમ્ર્સ એકટ, હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓમાં સંડોવાઈ ચૂકયો છે. અગાઉ પણ આવી જ રીતે બર્થ–ડે ઉજવવા મામલે અંદરો અંદર ઝઘડયા હતા અને હત્યાના પ્રયાસ સુધી મામલો પહોંચ્યો હતો.



ભાજપના જ એક પદાધિકારીએ આરોપીની ભલામણ કર્યાની ચર્ચા, પોલીસમાં નારાજી
કાયદો–વ્યવસ્થા શહેરીજનોની સુરક્ષા–સલામતી જળવાય રહે તે માટે પોલીસની સાથે સત્તાધારી કે રાજકીય પક્ષના હોદ્દેદારો, પદાધિકારીઓ પણ એટલા જ નૈતિકરૂપે જવાબદાર ગણી શકાય. પોલીસને ગુનેગારો સામે લાલઆખં કરવાનો છૂટ્ટોદોર આપવો જોઈએ કે કાયદો–વ્યવસ્થાની જાળવણીમાં કોઈ ચંચૂપાત ન કરવો જોઈએ ઉલ્ટાના જો પોલીસ ગુનેગારોને છાવરતી હોય તો તેમનો કાન મરડવો જોઈએ. અહીં તો કાયદાના રખેવાલ પોલીસ પર જ સરાજાહેર હુમલો થાય, કાંઠલા પકડાય છતાં સત્તાધારી પક્ષના સ્થાનિક પદાધિકારી આરોપીને બચાવવા કે છાવરવા ભલામણ કરે એ કેટલીહદે યોગ્ય કહેવાય ? ચર્ચાતી કે વહેતી થયેલી વાત મુજબ એક આરોપીને રજૂ કરાવવા કે હેરાન ન કરવા ભાજપના જ મહાપાલિકાના એક પદાધિકારીએ પોલીસ પર દબાવ કે ભલામણ કરી હતી. પોલીસ આમ તો સત્તાધારીઓ કે રાજકીય વ્યકિતઓનું ભલામણ કે બીજી રીતે રાખતી જ હોય છે પરંતુ યારે પોલીસ પર એસોર્ટ થાય છતાંય સત્તાધારીઓ અચકાયા વિના આરોપી તરફે ભલામણ કરે ત્યારે હાથના કર્યા હૈયે વાગ્યા જેવું પોલીસને પણ લાગતું હશે. ભલામણને લઈને પોલીસ સ્ટાફમાં પણ નારાજી પ્રવર્તી હતી. જો કે હાલ આ વાત એક અફવા–ચર્ચારૂપ જ છે કારણ કે પોલીસ મોં ખોલવા તૈયાર નથી.



બનાવ સ્થળે બે શખસોને લઈ જઈ પોલીસે આત્મસંતોષ દાખવ્યો

જે સ્થળે સરાજાહેર પોલીસની આબરૂ પર હાથ નખાયો હતો ત્યાં ગઈકાલે બે આરોપીને લઈ જવાયા હતા. ફોટેસેશન થયું હતું ને પોલીસે જાણે આત્મસંતોષ વ્યકત કરી લીધો હતો. એક સમય હતો કે પોલીસની એવી ધાક હતી કે પોલીસની ગીરેબાનમાં હાથ નાખવાની વાત તો જોજનો દૂર હતી પરંતુ જો કોઈ સામાન્ય જન, નાગરિકોને પણ કોઈ આવારાતત્વો કે ઈસમો રંઝાડે, લુખ્ખાગીરી કરે તો પણ પોલીસ 'ખો' ભૂલાવી દેતી હતી. હવે પોલીસને પણ એકલ–દોકલમાં જતા હોય તો પોતાની સલામતી માટે પણ મૂંઝવણ કે છૂપો ડર હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application