"તે ચિંતામાં છે...", સુનીલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયાના કેપ્ટનને આપી બ્રેક લેવાની સલાહ, તો કોણ સંભાળશે MIનું સુકાની પદ ?

  • April 26, 2023 06:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને તેના સમયના અનુભવી ઓપનર સુનીલ ગાવસ્કરે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને બ્રેક લેવાની સલાહ આપી છે. IPL 2023માં રોહિત શર્માનું પર્ફોમન્સ હમણાથી શાંત છે. તે સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. રોહિતે આ સિઝનની સાત મેચમાં તેણે માત્ર 181 રન બનાવ્યા છે.


ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનાર સૌપ્રથમ સુનીલ ગાવસ્કરે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ચાલી રહેલી આઈપીએલમાંથી થોડી મેચો માટે બ્રેક લેવો જોઈએ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રોહિતનું હમણાનું છેલ્લું પર્ફોમન્સ જોઈએ તો, ગુજરાત ટાઇટન્સ સામે આઠ બોલમાં બે રન બનાવીને આઉટ થયો હતો તે ગણી શકાય.


મુંબઈના સુકાનીને આ સિઝનમાં બેટથી વધુ સફળતા મળી નથી. તેણે અત્યાર સુધી સાત મેચમાં 25.86ની એવરેજ અને 135.07ની સ્ટ્રાઈક રેટથી માત્ર 181 રન બનાવ્યા છે. તે ચાર વખત 20થી 45ની વચ્ચે આઉટ થયો છે.


મેચ પછી, સ્ટાર સ્પોર્ટ્સ પર સુનીલ ગાવસ્કરે રોહિતને IPLમાં થોડી મેચો માટે વિરામ લેવા અને WTC ફાઈનલ માટે ટુર્નામેન્ટના પછીના તબક્કામાં પાછા આવવાનું સૂચન કર્યું.


ગાવસ્કરે કહ્યું, હું મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ ક્રમમાં કેટલાક ફેરફાર જોવા ઈચ્છું છું. સાચું કહું તો હું એમ પણ કહીશ કે રોહિતે પણ થોડો સમય બ્રેક લેવો જોઈએ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પોતાને ફિટ રાખવો જોઈએ.


તેણે વધુમાં કહ્યું કે, તે થોડો ચિંતિત દેખાઈ રહ્યો છે. કદાચ તે WTC ફાઇનલ વિશે વિચારી રહ્યો છે. તેણે ત્રણ કે ચાર મેચનો વિરામ લેવો જોઈએ. જો કે આ અંગે રોહિત શર્માનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. પણ જો ટીમ ઇન્ડિયાના કેપ્ટન આ અંગે વિચારણા કરે તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમે નવા કેપ્ટન નીમવાની ફરજ પડશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application