મનપાનો અડધો સ્ટાફ વેકેશન ટુરમાં ! કચેરી ખાલી

  • May 18, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસામાં હેડ ક્વાર્ટર નહીં છોડવા હુકમ થાય તે પૂર્વે ફરવા રવાના, અમુકને એલટીસીનો લાભ તો અમુક સ્વખર્ચે..

અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ સહ પરિવાર પ્રવાસે: બીજીબાજુ કાળઝાળ ગરમીના કારણે અરજદારો-કાર્યકરોની પણ પાંખી હાજરી: રજુઆતો માટે આવતા ટોળા ગાયબ : સેન્ટ્રલ ઝોનની મુખ્ય કચેરી સુમસામ, ઝોનલ ઓફિસો, સિવિક સેન્ટરોથી લઇને વોર્ડ ઓફિસોમાં પણ ઉડે ઉડે




રાજકોટ મહાનગરપાલિકાના મોટાભાગના અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ હાલમાં એલટીસી લીવ ઉપર જતા રહેતા કચેરી ખાલીખમ જોવા મળી રહી છે. તા.૧૫ જુનથી શરૂ થતાં ચોમાસામાં હેડ ક્વાર્ટર નહીં છોડવાનો હુકમ આવે તે પૂર્વે હાલ શાળાઓમાં ઉનાળુ વેકેશનનો લાભ લઇ સૌ સહપરિવાર ફરવા ઉપડી ગયા છે.



રાજકોટ મહાપાલિકાના મોટા ભાગના અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ સહ પરિવાર પ્રવાસે જતા કચેરી ખાલી ખમ જોવા મળી રહી છે. બીજીબાજુ કાળઝાળ ગરમીના કારણે અરજદારો અને રાજકીય કાર્યકરોની પણ પાંખી હાજરી જોવા મળી રહી છે. રજુઆતો માટે આવતા ટોળાઓ હાલ લગભગ ગાયબ થઇ ગયા છે જેના લીધે સેન્ટ્રલ ઝોનની મુખ્ય કચેરી સુમસામ જોવા મળી રહી છે તેમજ ઝોનલ ઓફિસો, સિવિક સેન્ટરોથી લઇને વોર્ડ ઓફિસોમાં પણ ઉડે ઉડે જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.



જન્મ-મરણ નોંધણી, આધાર કાર્ડ અને ટેક્સ બ્રાન્ચ સિવાય ક્યાંય અરજદારો હોતા નથી

સામાન્ય દિવસોમાં દરરોજ મહાપાલિકા કચેરીમાં સવારે ૧૦થી સાંજે છ સુધીમાં અંદાજે એકાદ હજારથી વધુ અરજદારોની અવરજવર રહેતી હોય છે પરંતુ હાલમાં કુલ ૪૦ શાખાઓમાંથી ફક્ત જન્મ મરણ નોંધણી શાખા, આધાર કાર્ડ કેન્દ્ર અને ટેક્સ બ્રાન્ચ સિવાય અન્ય કોઇ શાખામાં અરજદારોનો ટ્રાફિક જોવા મળતો નથી.



અમુક મ્યુનિ.અધિકારીઓ-ઇજનેરોની પાસે પોતાના કામ ઉપરાંત બબ્બે ત્રણ-ત્રણ ચાર્જ

રાજકોટ મહાનગરપાલિકાનો મોટા ભાગનો સ્ટાફ હાલમાં શાળાઓમાં વેકેશનનો લાભ લઇ સહ પરિવાર એલટીસી ટુરમાં ઉપડ્યો છે ત્યારે જે હાજર છે તેમની હાલત માઠી થઈ છે તેમની પાસે બબ્બે કે ત્રણ ત્રણ ચાર્જ હોય છે જેના લીધે તેઓ પોતાનું મૂળભૂત કામ પણ ન કરી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.



જો હાજરીનું સરપ્રાઇઝ ચેકિંગ કરાય તો હાજર સ્ટાફમાંથી ૫૦ ટકા ગેરહાજર મળે

રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા એકાદ વર્ષથી હાજરીનું ચેકિંગ કરવાનું લગભગ બંધ થઈ ગયું છે, દરમિયાન જો હાલમાં મુખ્ય કચેરી સહિતની તમામ કચેરીઓમાં હાજરીનું સરપ્રાઇઝ ચેકિંગ કરાય તો હાલમાં ઓન ડ્યુટી હોય તેવા સ્ટાફમાંથી પણ ૫૦ ટકા ઘેર હાજર મળે તે નિશ્ચિત છે !



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application