મરાઠા અનામત આંદોલનના પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, હિંસાને પગલે ગુજરાત-મહારાષ્ટ્ર એસટી બસ સેવા ઠપ્પ

  • November 01, 2023 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમા આંદોલનકારોએ ૧૩ બસોને નુકસાન પહોચાડ્યું, ૩૦ ડેપો કરાયા બંધ, નાસિક, શિરડી અને પુણે જતી એસ.ટી બસોને સાપુતારા બસ સ્ટેન્ડ પર અટકાવી દેવાઈ


મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની અસર હવે ગુજરાતની સરકારી બસો પર પડી રહી છે. મરાઠા અનામત આંદોલનની માંગ સાથે મહારાષ્ટ્રમાં હિંસક તોફાની વધી રહ્યા છે. જેના પગલે જીએસઆરટીસીની આંતરરાજ્ય બસ સેવા ઠપ થઈ ગઈ છે. ગુજરાતથી દરરોજ નાસિક, શિરડી અને પુણે જતી એસ.ટી બસોને સાપુતારાના બસ સ્ટેન્ડ પર અટકાવી દેવામાં આવી છે. એસટી વિભાગના આ નિર્ણયના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ પડ્યા છે.

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં વકરેલી હિંસાને પગલે એસટી બસોને નિશાન બનાવવામાં આવી રહી છે. સરકારી બસોને થતું નુકસાન અટકાવવા માટે ગુજરાત રાજ્યની બસોને મહારાષ્ટ્રમા જતી અટકાવી દેવામાં આવી છે. સુરત ડેપો મેનેજરના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઉગ્ર આંદોલનના કારણે ગુજરાત થી મહારાષ્ટ્રમા જતી બસોને સાપુતારા નજીક અટકાવી દેવામાં આવી છે તો સાથે આગળ આદેશ સુધી બસ આગળ ન ધપાવવા પણ સૂચના આપવામાં આવી છે.


મહારાષ્ટ્રમા મરાઠા આંદોલનની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે. સત્તાવાર આંકડા મુજબ સોમવારે સાંજ સુધીના મહારાષ્ટ્ર રાજ્યમા ૧૩ બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એસટી તંત્રએ વધુ નુકસાન અટકાવવા મહત્વનો નિર્ણય લીધો છે. વિભાગ અનુસાર આંદોલનની સૌથી વધુ અસર જે વિસ્તારોમાં જોવા મળી રહી છે તેવા ૩૦ ડેપો સદંતર બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ગુજરાતની બસો મહારાષ્ટ્રમા જતી અટકાવાની સૂચના આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application