જામનગર જિલ્લાના ખેડૂતો માટે મગફળીના પાકમાં સફેદ ઘૈણનો ઉપદ્રવ અટકાવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

  • August 28, 2023 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તા.૨૮ ઓગસ્ટ, જામનગર જિલ્લામાં ચાલુ ખરીફ સીઝન એટલે કે ચોમાસાની સિઝનમાં તેમજ મોટા ભાગે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અગત્યનો ખેતી પાક ગણાતા મગફળીમાં ધૈણ નામની જીવાત/ઈયળનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળતો હોય છે. આ ધૈણની ઇયળો પહેલા તંતુમુળ અને ત્યારબાદ મુખ્ય મુળને કાપીને ઘણું નુકશાન કરે છે. તેનું નુકશાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાઈ જાય છે. તેથી ખેતરમાં મોટા ખાલા પડે છે, અને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે. જો ધૈણનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે, તો સંકલિત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર અત્રે જણાવેલા પગલાં લેવા માટે જિલ્લાના તમામ ખેડુતોને સુચિત કરવામાં આવે છે. 

                                          
(૧) ચોમાસાનો સારો વરસાદ થયા ૫છી જમીનમાં પડી રહેલા સુષુપ્ત ઢાલિયા સાંજના સમયે જમીનમાંથી બહાર નીકળીને ખેતરના શેઢા-પાળા ૫ર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવે છે. ત્યારે તે ઢાલિયાને ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખીને તેનો નાશ કરવો.

(૨) ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના બધા પાન પર સારી રીતે છંટાય તે પ્રમાણે ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો જોઈએ.

(૩) દીવેલીનો ખોળ ૫૦૦ કિ.ગા./હેક્ટર પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ઘૈણ ઉપરાંત મગફળીના પાકમાં ડોડવાને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી શકાય છે.

(૪) ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો.

(૫) બ્યુવેરિયા બેસિયાના અને મેટારિઝિયમ એનિસોપ્લિયા નામની ફુગનો પાઉડર ૨૫ ગ્રામ ૧ કિગ્રા બીજને માવજત આપી વાવેતર કરવું. ઉગવાના ૩૦ દિવસ પછી આ ફુગ ૧ કિગ્રા ૩૦૦ કિગ્રા દીવેલી ખોળ સાથે તેને ભેળવીને છોડની હરોળમાં આપવી. 

(૬) સામુહિક ઉપાયોની સાથે-સાથે વ્યક્તિગત ધોરણે ૫ણ પોતાનો પાક બચાવવા દરેક ખેડૂતે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૫ મિ.લિ. અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા ક્લોથીયાનિડીન ૫૦ ડબલ્યુડીજી ૨ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ ૬.૫ મિ.લિ. પ્રતિ કિગ્રા બીજ પ્રમાણે બીજ માવજત વાવતા ૫હેલા 3 કલાકે આપીને છાંયડામાં સુકવીને તેનો વાવેતર તરીકે ઉ૫યોગ કરવો જોઈએ.

(૭) મીથોક્સી બેન્ઝીન નામનું રસાયણ આ જીવાતના એગ્રીગેશન એટલે કે, બધા પુખ્ત જીવડા એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે ૫ x ૫ સે.મી. ના વાદળી/સ્પોંજના ટૂકડા કરવા, જેને ૪૫-૫૦ સે.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડેથી વચ્ચેથી દાખલ કરીને તારની આંટી મારવી. તેના બીજા છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળીને ઝાડની ડાળી પર લટકી શકે તેવી ગોઠવણ કરવી. વાદળી/સ્પોંજના ટૂકડા પર ટપકણીયામાંથી ૩ મિ.લિ. જેટલું મીથોક્સી બેન્ઝીન ટીપું- ટીપું કરીને રેડવું.

(૮) ઉભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી પ્રતિ હેક્ટર ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપું-ટીપું આપી શકાય. જો પિયત આપવાનું થતું ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો, કીટનાશક છાંટવાના પંપમાં આ દ્રાવણ ભરીને તેની નોઝલ કાઢી લઈને ચાસમાં પુરતા પ્રમાણમાં છાંટવી જોઈએ.

(૯) આ કીટનાશકને રેતી સાથે ભેળવીને વરસાદ પહેલા ચાસની બાજુમાં રેડવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે.

આ અંગે, વધુ જાણકારી મેળવવા માટે ખેડૂતોએ સંબંધિત વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કે.વી.કે., ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ) તેમજ કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર– ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧નો સંપર્ક સાધી શકાશે. તેમ, મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), તાલીમ અને પેટા યોજના, પેટા વિભાગ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.....




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application