અનાથને મળ્યો વિદેશી પરિવાર : રાજકોટના ચાર વર્ષના શારીરિક અને માનસિક અસક્ષમ બાળકને અમેરિકાના દંપતિએ દતક લીધો

  • June 05, 2023 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કહેવાય છે કે સલામતી અને હૂંફનું સરનામું એટલે પરિવાર. પિતાનો પ્રેમ પર્વતથી ઊંચો અને માતાનો પ્રેમ દરિયાથી ઊંડો હોય છે. પ્રેમાળ પરિવાર દરેક બાળકની જરૂરીયાત હોય છે. આવા જ પ્રેમની અનુભૂતિ કરવા જઈ રહ્યું છે રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમમાં આશ્રિત બાળક. ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અનાથ બાળકોની પુન:સ્થાપના કરવા માટે કટિબદ્ધ છે. ત્યારે રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમમાં રહેતા બાળકને વિદેશી યુગલને દત્તક આપવામાં આવ્યું છે અને પારીવારીક પુન:સ્થાપના કરવામાં આવી છે.




રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે અનાથ બાળકને નવા માતા-પિતા સાથે મેળાપનો લાગણીસભર અવસર સર્જાયો હતો. ભારત સરકારના એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ મુજબ જિલ્લાકક્ષાએ દતક અધિગ્રહણનાં કેસો ચલાવવા માટેની સતા જિલ્લા મેજીસ્ટ્રેટને આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન મુજબ પ્રાંત અધીકારી વિવેક ટાંક અને સંદીપ વર્માના હસ્તે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના હોનોલુલુ શહેર ખાતે રહેતા દંપતીને સ્પેશિયલ ચાઈલ્ડ દત્તક આપવામાં આવ્યું હતું.




મહત્વનું છે કે, વિદેશી યુગલ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે લગાવ ધરાવે છે. આથી, ભૂતકાળમાં શારીરિક ઉણપ ધરાવતી દીકરીને દત્તક લીધી હતી. ત્યારબાદ આજરોજ શારીરિક અને માનસિક અસક્ષમ એવા લગભગ ચાર વર્ષના દીકરાને દત્તક લીધો છે. વિદેશી યુગલ બાળકનો ઈલાજ કરાવી તેને પારિવારિક વાતાવરણ પૂરું પાડવા માંગે છે. અનાથ બાળકનો કબ્જો સોંપતી વખતે ઉપસ્થિત અધિકારીઓએ માતા-પિતાને સગા સંતાનની જેમ બાળકને ઉછેરવા, તેની સારવાર કરાવી, તેના ભવિષ્યને ઉજળું બનાવવા સૂચન આપ્યું હતું.




આ તકે પ્રાંત અધીકારી વિવેક ટાંકએ જણાવ્યું હતું કે, જીવનમાં આવા બહુ ઓછા કિસ્સામાં સહભાગી બનવાનું થતું હોય છે. ત્યારે આ ક્ષણો મારા માટે વિશેષ અને યાદગાર બની રહેશે.




પ્રાંત અધીકારી સંદીપ વર્માએ કહ્યું હતું કે, વહીવટી તંત્રની કામગીરીના ભાગરૂપે લાગણીસભર ઘટનાઓ ઓછી જોવા મળતી હોય છે એટલે આ અવસરે ફરજ નિભાવ્યાનો સંતોષ પ્રાપ્ત થયો છે.



ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રક્ષાબેન બોળીયા જણાવે છે કે, હું સદ્દભાગી છું કે આવા અનેક પ્રસંગોમાં ભાગીદાર બનવાની તક મળી છે. બાળક દત્તક આપવાની પ્રક્રિયામાં રાજ્ય સરકારનો પૂરતો સહયોગ મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application