1 લાખની બીડ ભર્યા બાદ પણ એક વર્ષથી 'ગોલ્ડન' નંબર સીરિઝ માટે રાહ જોવડાવતું RTO

  • April 26, 2023 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પસંદગીના 0111 નંબર માટે ₹1 લાખ ચૂકવ્યા, એક વર્ષથી નંબર ન ફાળવતા RTO પર દાવો માંડ્યો

કારના નંબર માટે વકીલે રુપિયા 1.03 લાખની બોલી લગાવી હતી : ૨જી મેં એ થશે સુનાવણી


પ્રેક્ટિસ કરી રહેલાં વકીલ ભૂપેન્દ્ર ચાવડાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે, કારણ કે હરાજી દરમિયાન તેઓએ પોતાની લક્ઝરી સેડાન કારની નંબર પ્લેટ માટે બોલી લગાવી હતી અને સફળતાપૂર્વક જીત્યા પણ હતા. તેમ છતાં પણ એક વર્ષ સુધી આરટીઓ દ્વારા તેમને પસંદગીનો નંબર ફાળવવામાં આવ્યો નહોતો. અમદાવાદમાં રહેતા ભૂપેન્દ્ર ચાવડાએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કાર ખરીદી હતી. કાર ખરીદ્યા બાદ તેઓએ પોતાની પસંદગીનો નંબર મેળવવા માટે આરટીઓને વિનંતી કરી હતી. તેઓ પોતાની કાર માટે 0111 પસંદગીનો નંબર મેળવવા માગતા હતા. પરંતુ તેમને નંબર ન ફાળવાતા આખરે તેઓએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.


આરટીઓએ હાથ ધરેલી હરાજીમાં એક વ્યક્તિએ એ જ નંબર માટે બોલી લગાવી હતી. ચાવડાએ પણ હરાજી દરમિયાન રુપિયા 1.03 લાખની બોલી લગાવી હતી અને આ પસંદગીનો નંબર જીત્યો હતો. એ પછી તેઓએ રુપિયા 40 હજાર જમા કરાવ્યા હતા. સફળ બિડર જાહેર થયા બાદ તેઓએ બાકીના રુપિયા 63,000 પણ ચૂકવી દીધા હતા. આ હરાજી મે 2022માં થઈ હતી. ભૂપેન્દ્ર ચાવડાના વકીલ ધવલ કંસારાના જણાવ્યા મુજબ, આ નંબર પ્લેટ મેળવવા માટે ભૂપેન્દ્ર ચાવડાએ આરટીઓના કોલની રાહ જોઈ હતી, પરંતુ ફોન ક્યારેય આવ્યો નહીં. જે બાદ તેઓએ વારંવાર પૂછપરછ કરતા એવું જણાવવામાં આવ્યું હતું કે, બોલી લગાવનારા અન્ય એક શખસે વાંધો ઉઠાવ્યો હોવાથી હરાજી રદ્દ કરવામાં આવી હતી. પોતાને નંબર ન ફાળવવાના અને હરાજી રદ્દ કરવાના આરટીઓના નિર્ણય સામે હાઈકોર્ટમાં ગયા હતા.


જ્યારે ભૂપેન્દ્ર ચાવડાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો એના એક દિવસ પહેલાં આરટીઓએ તેમને સૂચના આપી કે, એ નંબર માટે નવી હરાજી હાથ ધરાશે. ત્યારે ભૂપેન્દ્ર ચાવડાએ આરટીઓની બિડ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ઓક્ટોબર 2022માં હાઈકોર્ટે આરટીઓની બીજી હરાજી કરવા અને અન્ય કોઈ વાહન માલિકને નંબર ફાળવવા પર રોક લગાવી હતી. જ્યારે આ કેસ સોમવારે સુનાવણી માટે હાથ ધરાયો ત્યારે અરજદારના વકીલે આ મામલે ઝડપથી કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી.
​​​​​​​

ન્યાયાધીશ વૈભવી નાણાવટીએ પ્રશ્ન કર્યો કે આ કેસમાં આટલી ઉતાવળ કેમ કે જ્યારે હાઈકોર્ટના સ્ટે ઓર્ડર બાદ આ નંબર કોઈને ફાળવવામાં આવ્યો નથી. ત્યારે વકીલે કહ્યું કે, એક વર્ષ પહેલાં આ નંબર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેની રાહ જોઈ રહ્યા છીએ. અમને આ કેસમાં ઉતાવળ એટલા માટે છે, કારણ કે વગર રજીસ્ટ્રેશન નંબર પ્લેટવાળી કાર ચલાવવાના મુદ્દે પોલીસકર્મીઓ દ્વારા દંડ કરવામાં આવે છે. મારા ક્લાયન્ટે રુપિયા 50 લાખની કાર એક વર્ષ સુધી ગેરેજમાં રાખવા માટે ખરીદી નહોતી. આ દલીલો બાદ કોર્ટે આગામી 2 મેના રોજ સુનાવણી હાથ ધરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application