લોધીકા તાલુકામાં ૩૫૦૦ સહિત રાજકોટ જિલ્લામાં ૫૦૦૦ કિસ્સામાં જમીન માપણીમાં ભૂલ

  • January 09, 2023 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડી આઇ એલ આર કચેરી દ્રારા થોડા સમય પહેલા કરવામાં આવેલી જમીનની માપણીમાં મોટા પ્રમાણમાં ભૂલ છે અને આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ નિરાકરણ છેલ્લા પાંચ વર્ષથી આવતું નથી તેવી ચોકાવનારી ફરિયાદ રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય અલ્પાબેન મુકેશભાઈ તોગડીયાએ રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલને કરી છે.





અલ્પાબેન મુકેશભાઈ તોગડીયાએ કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલને એવી રજૂઆત કરી છે કે રાજકોટ જિલ્લામાં આવી ૫,૦૦૦ જેટલી અરજીઓ પેન્ડિંગ છે અને તેમાં સૌથી વધુ ૩૫૦૦ જેટલી અરજી એકમાત્ર લોધિકા તાલુકાની છે.
આ બાબતે છેલ્લા પાંચ વર્ષથી ડીઆઈએલઆર, કલેકટર, ડેપ્યુટી કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. લોધીકા તાલુકામાં ઔધોગિક વિકાસ ઘણો વધારે થયો છે પરંતુ ખેડૂતોને જમીન વેચવી હોય કે બિનખેતી કરાવવી હોય તો તેવા કામ થઈ શકતા નથી. ખેડૂતો ભારે હેરાન પરેશાન છે અને આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા માગણી કરી રહ્યા છે.




વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ પ્રશ્ને તાલુકા અને જિલ્લા ભાજપના સંગઠન માળખાએ અને પંચાયતના પદાધિકારીઓએ રજૂઆત કરી હતી. ચૂંટણી પૂરી થયા પછી પ્રશ્નનું નિરાકરણ આવશે તેવી ખાતરીએ આપી હતી. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને લોધિકા તાલુકામાં ભાજપને ભૂતકાળમાં કદી ન મળી હોય તેવી લીડ મળી છે. ત્યારે નૈતિક જવાબદારી સમજી આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ. લોધીકા તાલુકાના જે ૩૫ ગામમાં આ સમસ્યા છે તેની વિગત ફરિયાદની સંખ્યા સાથે પ્રભારી મંત્રીને આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application