લેઉવા પટેલ સમાજમાં જ્ઞાતિ સમુહભોજનની તડામાર તૈયારીઓ

  • January 07, 2023 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવા અગિયાર વિઘા જમીન પર ભવ્ય અને સંખ્યાબંધ મંડપ વ્યવસ્થા : 55-60 હજાર જ્ઞાતિજનોના સમુહ ભોજન માટે અંદાજે 110 થી વધુ રસોડા સ્ટાફ કલાકોથી કાર્યરત : હજારો ટુ-વ્હીલર વાહનો માટે રણજીતનગરમાં પટેલ સમાજની તદ્દન બાજુમાં આવેલા વિશાળ પ્રણામી મેદાનમાં પાર્કિંગની વ્યવસ્થા અને સેંકડો ફોર-વ્હીલર વાહનો માટે પ્રણામી હાઇસ્કૂલ નજીકની વિશાળ વાડીમાં પાર્કિંગ: જુદી જુદી 23 સમિતિઓના અંદાજે 45 થી 50 પ્રભારી, કન્વીનર અને સહ-કન્વીનરની દેખરેખ હેઠળ 400 થી 500 કાર્યકરો અને સ્વયંસેવકો દ્વારા વિવિધ આયોજનની તડામાર તૈયારીઓ


જામનગરમાં શ્રી લેઉવા પટેલ સેવા સમાજ ખાતે આજે સાંજે ભાસ્કર શુક્લનો શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ તથા સાંઇરામ દવેના લોકડાયરાનો ભવ્ય કાર્યક્રમ તથા  આવતીકાલે રવિવારે બપોરે 3-30 કલાકે શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ તેમજ સમાજની અલ્ટ્રામોર્ડન એપ્લીકેશનનું લોન્ચીંગ તથા સાંજે 4-00 વાગ્યે જ્ઞાતિ સમુહભોજનના કાર્યક્રમની તડામાર તૈયારીઓ છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહી છે, આજે સવારથી આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.


જામનગરના રણજીતનગર ખાતે આવેલા લેઉવા પટેલ સેવા સમાજ ખાતે આવતીકાલે રવિવારે સાંજે ચાર વાગ્યે જ્ઞાતિ સમુહભોજનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, અંદાજે સવા અગિયાર વિઘા જમીન પર ઓછામાં ઓછા 55 થી 60 હજાર જ્ઞાતિજનો સમુહ ભોજનનો આનંદ માણશે. આ માટે ભવ્ય અને વિશાળ મંડપ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, આ ઉપરાંત આટલી વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેવાના હોય છેલ્લી 36 કલાકથી ભોજન સામગ્રીઓના નિર્માણ માટે રસોડા વિભાગમાં અંદાજે 110 થી વધુ કારીગરો અને સ્વયંસેવકો ભોજન માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.


આ ભવ્ય સમારોહમાં અડધા લાખથી વધુ જ્ઞાતિજનો ઉપસ્થિત રહેનાર હોય તમામ જ્ઞાતિજનોના વાહનોનો વ્યવસ્થિત રીતે સમાવેશ થઇ શકે અને આજુબાજુના વિસ્તારોને ટ્રાફીકમાં કોઇપણ પ્રકારની અડચણ ન સર્જાય તે ધ્યાનમાં રાખીને પટેલ સમાજની બાજુમાં આવેલા પ્રણામી સંપ્રદાયના વિશાળ મેદાનમાં ટુ-વ્હીલર પાર્કિંગ માટેની વ્યવસ્થા ગઇકાલે શુક્રવારે જ ગોઠવી લેવામાં આવી હતી, આ ઉપરાંત આ સમારોહમાં સેંકડો ફોર વ્હીલર પણ આવવાના હોય આ તમામ વાહનોના સમાવેશ માટે નજીકમાં આવેલી પ્રણામી હાઇસ્કૂલ પાસેની પ્રણામી વાડીની વિશાળ જગ્યામાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
છેલ્લા ઘણાં દિવસોથી લેઉવા પટેલ સેવા સમાજની વિવિધ 23 સમિતિઓના આગેવાનો, પ્રભારી, કન્વીનરો અને સહ-કન્વીનરોના નેજા હેઠળ 400 થી 500 કાર્યકરો અને સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.




ફાળા સમિતિ, સુચના માહિતી સમિતિ, ભોજન-રસોડા સમિતિ, ભોજન કાઉન્ટર સમિતિ, પાણી-વ્યવસ્થા સમિતિ, છાસ વ્યવસ્થા સમિતિ, લાઇટીંગ સમિતિ, વિડીયો રેકોર્ડીંગ સમિતિ, મીડીયા કેબલ જાહેરાત સમિતિ, આરોગ્ય સમિતિ, સુશોભન સમિતિ, વાસણ સમિતિ, સ્વાગત સમિતિ, રીઝર્વ સમિતિ, પાર્કિંગ સમિતિ, સુરક્ષા સમિતિ, સીક્યુરીટી સમિતિ, ગ્રાઉન્ડ વ્યવસ્થા સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ, સ્ટેજ કાર્યક્રમ સમિતિ અને ગ્રામ્ય સમિતિનો સમાવેશ થાય છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application