શિક્ષણ વિભાગને સૌથી વધુ 43651 કરોડ ફાળવાયા પણ ડીઇઓની 67 માંથી 34 જગ્યા ખાલી

  • February 25, 2023 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમલવારી કોણ કરશે ? તે મોટો પ્રશ્ન: મોરબી, નવસારી, અમરેલી, ડાંગ, જામનગર, છોટાઉદેપુર, ગીર સોમનાથમાં માત્ર એક શિક્ષણ નિરીક્ષણ અને તેની પાસે ડીઈઓનો પણ ચાર્જ




નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે ત્રણ લાખ કરોડથી વધુ રકમનું બજેટ ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું છે. તેમાં સૌથી વધુ ફાળવણી શિક્ષણ વિભાગને 43651 કરોડની કરવામાં આવી છે. શિક્ષણ વિભાગને ફાળવવામાં આવેલ બજેટની અમલવારી જિલ્લા શિક્ષણ અધિકારીના માધ્યમથી થતી હોય છે. પરંતુ ગુજરાતમાં વરવી વાસ્તવિકતા એ છે કે ડીઈઓ અને ડીપીઈઓની 67 માંથી 34 જગ્યાઓ ખાલી છે. આ પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગનું બજેટ મોટા ભાગે કાગળ પર જ રહી જાય તેવી પરિસ્થિતિ છે.



જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ટોચના વર્તુળોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિ છેલ્લા બે વર્ષથી છે. બજેટમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વર્લ્ડ બેંકની દસ હજાર કરોડની લોનના આધારે સ્કૂલ ઓફ એક્સલન્સ, જ્ઞાન શક્તિ, જ્ઞાનસેતુ, રક્ષા શક્તિ, સંસ્કૃત શક્તિ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર એવા મોટા મોટા નામ આપીને જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ આ તમામ પ્રોજેક્ટની ગ્રાઉન્ડ લેવલે અમલવારી કરનાર 67 માંથી ૩૪ અધિકારીઓની જગ્યા ખાલી છે.મોટાભાગના કિસ્સાઓમાં એક જિલ્લા શિક્ષણ અધિકારી કે ડી.પી.ઈ.ઓ પાસે બે થી ત્રણ જિલ્લાનો ચાર્જ હોય છે અને આવા જિલ્લાઓ ભૌગોલિક દ્રષ્ટિએ એકબીજાથી 100 કિલોમીટર કે તેનાથી વધુ દૂર હોય છે. આ પરિસ્થિતિમાં શિક્ષણનું મોનિટરિંગ કરનાર ઘણા નિરીક્ષકો અને નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસે પણ ડીઈઓનો ચાર્જ છે. આ બધા મોટાભાગે વહીવટી કામગીરીમાં જ રચ્યા પચ્યા રહેતા હોવાથી શાળાના મોનિટરિંગની વાત કદી થતી જ નથી.



શિક્ષણ જગતના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી નવસારી અમરેલી ડાંગ જામનગર છોટા ઉદેપુર ગીર સોમનાથ વગેરે જિલ્લાઓમાં તો એક એક શિક્ષણ નિરીક્ષક છે અને તેમની પાસે જિલ્લા શિક્ષણ અધિકારીનો પણ ચાર્જ હોય છે. શિક્ષણ નિરીક્ષક નું મુખ્ય કામ શિક્ષણની ગુણવત્તાનું મોનિટરિંગ અને ઇન્સ્પેક્શન કરવાનું હોય છે પરંતુ તેમની પાસે ડીઇઓ અને ડીપીઈઓ નો વધારાનો ચાર્જ હોવાના કારણે તે સતત વહીવટી કામગીરીમાં વ્યસ્ત હોય છે.


શિક્ષણ વિભાગને ફાળવેલા બજેટનો ખરો ઉપયોગ કરવો હોય અને પરિણામ લાવવું હોય તો સૌપ્રથમ તો સરકારે જિલ્લા શિક્ષણ અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ ભરવી જોઈએ અને શિક્ષણ નિરીક્ષકને પોતાનું શાળાઓના ઇન્સ્પેક્શન અને મોનિટરિંગનું મૂળ કામ કરવા દેવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application