યુએસ માર્કેટના કારણે ભારતીય શેરબજાર ઓપનીંગથી જ અપટ્રેન્ડમાં, IT સેક્ટરમાં પણ જબરદસ્ત વૃદ્ધિ

  • December 14, 2023 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માર્કેટની દમદાર શરૂઆત, સેન્સેક્સ ૭૦,૧૪૬ પોઈન્ટ્સ સાથે ઓલટાઇમ હાઈ


નિફ્ટી ૨૧,૧૧.૪૦ પર થયું ઓપન, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર સ્થિર રાખવાના નિર્ણયને કારણે ભારતીય શેરબજારો પર દેખાઈ અસર




ભારતીય શેરબજારએ આજે રેકોર્ડ બ્રેકીંગ ઓપનીંગ કર્યું છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર સ્થિર રાખવાના નિર્ણયને કારણે ગઈકાલે યુએસ માર્કેટમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. તેની અસર ભારતીય શેરબજારો પર પણ જોવા મળી રહી છે. બજારમાં અપટ્રેન્ડના લીલા સંકેતો જોવા મળી રહ્યા છે અને સેન્સેક્સ-નિફ્ટીની સાથે બેન્ક નિફ્ટી અને મિડકેપ પોઈન્ટ્સ પણ ઐતિહાસિક રીતે ઊંચા સ્તરે ખુલ્યા છે.


સ્થાનિક બજારની શરૂઆતની સાથે જ બીએસઈ સેન્સેક્સ ૫૬૧.૪૯ પોઈન્ટ અથવા ૦.૮૧%ના વધારા સાથે ૭૦,૧૪૬ પર ખુલ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી ૧૮૪.૫ પોઈન્ટ અથવા ૦.૮૮%ના પ્રભાવશાળી વધારા સાથે ૨૧,૧૧.૪૦ પર ખુલ્યો હતો. બજાર ખૂલ્યા બાદ બેન્ક નિફ્ટી ૪૭,૭૧૮ના સ્તરે પહોંચી ગયો હતો, જે ૬૨૬.૩૦ પોઈન્ટ અથવા ૧.૩૩%ની નવી ઊંચી સપાટીએ છે. બેન્ક નિફ્ટીના તમામ ૧૨ શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને તેમાંથી બંધન બેન્ક ટોપ ગેનર લિસ્ટમાં ટોપ પર છે.


બજાર ખુલ્યા બાદ તરત જ નિફ્ટીના ૫૦માંથી ૫૦ શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ટોપ ગેઇનર્સમાં એચસીએલ ટેક ૨.૪૭% અને ટેક મહિન્દ્રા ૨.૪૫%ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્ફોસિસમાં ૧.૯૩%નો વધારો જોવા મળી રહ્યો છે અને વિપ્રો ૧.૮૯%ની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.


આઈટી સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે અને આજે ૩% સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. બજાર ખુલતાની સાથે જ આઈટી ઈન્ડેક્સ ૨% વધીને ૩૩૭૧૩ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.



પ્રી-ઓપનમાં પણ માર્કેટ રેકોર્ડ હાઈ પર

બજારના પ્રી-ઓપનિંગમાં બેન્ચમાર્ક સૂચકાંકો રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા. મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત ૪૫,૦૦૦ને પાર કરી ગયો છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૪૦૫ પોઈન્ટ અથવા ૦.૯૦%ના અદભૂત ઉછાળાના સ્તરે પહોંચી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application