DRIએ સુરત એરપોર્ટ પર અધધ આટલા કરોડનું 48 કિલો સોનાની પેસ્ટ ઝડપી, 3 મુસાફરો સહીત 1 અધિકારીની ધરપકડ

  • July 10, 2023 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત અધિકારીઓની મદદથી ભારતમાં દાણચોરી કરવા માટેના ટોઇલેટમાં સોનું છુપાવવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા સ્ક્રિનિંગ અને સ્ક્રુટિની ટાળવા માટે ઇમિગ્રેશન ચેકપોઇન્ટ પહેલાં સ્થિત ટોઇલેટમાં સોનાની આપ-લે કરવાની યોજના હતી.


ગુજરાતના સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓને મોટી સફળતા મળી છે. અહીં DRI અધિકારીઓએ ત્રણ સોનાના દાણચોરો અને એક અધિકારીની ધરપકડ કરી છે. તેમની પાસેથી 48.2 કિલો સોનાની પેસ્ટ પણ મળી આવી છે. તેની અંદાજિત કિંમત 25 કરોડ રૂપિયા છે. ડિરેક્ટોરેટે આ કાર્યવાહી અંગે એક રીલીઝ પણ બહાર પાડી છે.


આમાં DRIએ કહ્યું કે તેણે ચાર લોકોની ધરપકડ કરીને દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડિરેક્ટોરેટે કહ્યું કે બાતમીના આધારે DRના અધિકારીઓએ 7 જુલાઈના રોજ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે ડિરેક્ટોરેટને માહિતી મળી હતી કે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર IX172 પર શારજાહથી ત્રણ મુસાફરો સોનાની દાણચોરી કરવા જઈ રહ્યા છે.


જ્યારે તેને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યો હતો અને DRI દ્વારા તેના સામાનની તપાસ કરવામાં આવી હતી. ત્યારે અધિકારીઓને પાંચ બ્લેક બેલ્ટમાં છુપાયેલા 20 સફેદ રંગના પેકેટમાં પેસ્ટના રૂપમાં 43.5 કિલો સોનું મળ્યું હતું. બાદમાં જ્યારે તસ્કરોની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી મળેલી માહિતીના આધારે ઇમિગ્રેશન ચેકપોસ્ટ પાસેના પુરુષોના શૌચાલયમાંથી પેસ્ટ સ્વરૂપે 4.67 કિલો સોનું મળી આવ્યું હતું.


DRIએ નિવેદનમાં એવી પણ માહિતી આપી હતી કે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત અધિકારીઓની મદદથી ભારતમાં દાણચોરી કરવા માટે ટોઈલેટમાં સોનું છુપાવવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા સ્ક્રિનિંગ અને સ્ક્રુટિની ટાળવા માટે ઇમિગ્રેશન ચેકપોઇન્ટ પહેલાં સ્થિત ટોઇલેટમાં સોનાની આપ-લે કરવાની યોજના હતી.


DRIએ જણાવ્યું હતું કે દાણચોરો પાસેથી મળી આવેલ 48.20 કિલોગ્રામ સોનાની પેસ્ટની કુલ કિંમત આશરે 25.26 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. DRIએ કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ ત્રણેય મુસાફરોના નિવેદન નોંધ્યા છે. આ સાથે તેની અને એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. જોકે ડીઆરઆઈએ ચારેય વિશે વિસ્તૃત માહિતી આપી નથી. ડિરેક્ટોરેટનું એમ પણ કહેવું છે કે આ રેકેટના ખુલાસા પરથી એવું લાગે છે કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરોની ટોળકી કામ કરી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application