જામનગરમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા 'દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર' યોજાઈ

  • April 03, 2023 02:34 PM 

અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક- અધિકારો વિષે માહિતગાર કરવા માટે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર દ્વારા 'દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર- 2023' ગત તા. 02 એપ્રિલના રોજ યોજાઈ હતી. 


આ નિઃશુલ્ક શિબિરમાં જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ સત્તારભાઈએ દિવ્યાંગ સમુદાયોને મળતા હક્ક- અધિકારો વિષે માહિતી આપી હતી. PWD-2016 ની કલમ- 23 ની જોગવાઈ અંગે દિવ્યાંગ લાભાર્થીઓને સરળ ભાષામાં સમજણ પુરી પાડી હતી. જિલ્લામાં જે- તે કચેરીઓમાં દિવ્યાંગ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણુંક કરવાની થતી હોય, દિવ્યાંગતાના પ્રમાણપત્ર અને તબીબી અધિક્ષક દ્વારા પ્રસિદ્ધ કરાયેલા પ્રસારપત્ર, જિલ્લા વિકલાંગ પુનર્વસન કેન્દ્રની જાહેરાત અને માનવ કલ્યાણ યોજના- 2023- 24 વિષે સમજણ પુરી પડાઈ હતી. 


ગત તા. 16 થી 20 માર્ચ દરમિયાન પુના, મહારાષ્ટ્રમાં '21 મી નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ- 2022- 23' યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લાને ગૌરવ અપાવનાર ઊંચી કૂદના સિલ્વર મેડલ વિજેતા દિવ્યાંગ ખેલાડી ચંદ્રેશ એમ. બગડાનું સમિતિના સદસ્યો દ્વારા શાલ- કેપ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં ચેલા ગ્રામ ઉપ સરપંચ કિરણસિંહ સોલંકી, દિગ્વિજય ગ્રામ પંચાયત સદસ્ય રમીલા રાઠોડ, સામાજિક કાર્યકર શનિભાઈ સત્રોટિયા તેમજ 45 જેટલા દિવ્યાંગ બાળકોના વાલીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે દિવ્યાંગ બાળકોને આઈસ્ક્રીમનું વિતરણ કરાયું હતું.


ઉપરોક્ત શિબિરને સફળ બનાવવા માટે દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના અધ્યક્ષ પ્રફુલાબેન મઁગે, દિવ્યાંગ કાર્યકર રિયાબેન ચિતારા, વિજય વોરા, બિપીન અમૃતિયા, દીપક સંચાણીયા, હિરેન મેહતા, જલ્પાબેન મચ્છર અને પુષ્પાબેન વોરાએ જહેમત ઉઠાવી હતી. તેમ જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ સત્તારભાઈ એમ. દરદાજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application