લોકપ્રશ્ર્નો માટે ૬૪ નગરસેવકોનું હતાશાજનક પ્રદર્શન

  • June 19, 2023 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરના વિકાસ માટે અને પ્રાણ પ્રશ્ર્નોની ચર્ચા કરવા તેમજ લોકો અને વિસ્તારના પ્રશ્ર્નો ઝડપથી ઉકેલાય તે માટે પાંચ-પાંચ વર્ષ સુધી લોકો પોતાના વોર્ડમાંથી ખોબલે-ખોબલે મત આપીને ચૂંટી કાઢે છે, ૬૪ નગરસેવકો ૧૦-૧૦ હજારનું મહેનતાણું પણ લે છે, પરંતુ જનરલ બોર્ડ આવે ત્યારે ૬૦ દિવસ પછી મળતા હોવા છતાં પણ લોકોના પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં જાણે કે તેઓને શરમ આવતી હોય તેવું લાગે છે, કંઇને કંઇક ગોઠવણ હોય તેવા આક્ષેપો થઇ રહ્યા છે, વિપક્ષના નગરસેવકો પણ જનરલ બોર્ડમાં બે હાથ ઉંચા કરીને ફોટા પડાવીને ઝડપથી પ્રશ્ર્નો આટોપી લે છે, પ્રજાના પ્રશ્ર્નોની વાચા આપવામાં આ ખંધા નગરસેવકો ઉણા ઉતર્યા છે, હવે લોકોએ હિસાબ માંગવાની જ‚ર છે, હાલમાં જયારે વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં પણ શહેરના મુખ્ય પ્રશ્ર્નોની ચર્ચા કર્યા વિના બોર્ડની શ‚આતમાં જ વિપક્ષી સભ્યોએ કારણ વગરની હોંહા કરતા ‘વૈદને જોતું તું અને લોકોને ભાવતું મળ્યું’ તેમ કહીને માત્ર ૧૨ જ મીનીટમાં મહત્વનું જનરલ બોર્ડ મેયરે આટોપી લેતા ચારે તરફ શાસક અને વિપક્ષના નગરસેવકોની ઘોર ટીકા થઇ રહી છે. 
લગભગ સવા બે વર્ષ પહેલા જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડમાંથી ૪-૪ થઇને કુલ ૬૪ નગરસેવકોને લોકોએ ચૂંટયા છે, જેમાં ભાજપના ૫૦, કોંગ્રેસના ૧૧ અને બસપાના ૩ નગરસેવકો ચૂંટાઇને આવ્યા છે, પહેલાના જમાનામાં જયારે બોર્ડ મળતું ત્યારે વિપક્ષના સભ્યોનું પણ માન રખાતું હતું અને તેમની કરાયેલી રજૂઆતો અને સુચનો પણ ઘ્યાનમાં લેવામાં આવતા હતાં, એક તો થોડા સમયથી જનરલ બોર્ડ હવે ૩૦ દિવસને બદલે ૬૦ દિવસે મળવાનો નિયમ ઠોકી બેસાડવામાં આવ્યો છે, બીજી તરફ બે-બે મહીના બોર્ડ મળતું હોવા છતાં પણ લોકોના પ્રશ્ર્નો ઉકેલવા માટે જે ધારદાર રજૂઆત કરવી જોઇએ તેમાં વિપક્ષી સભ્યો સંદતર નિષ્ફળ ગયા હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે. 
છેલ્લા બે-ત્રણ બોર્ડથી પણ એવું થાય છે કે, માંડ-માંડ અડધાથી પોણા કલાક બોર્ડ ચાલે છે, અરે એટલું જ નહીં પહેલા તો બજેટના બોર્ડ બે-બે દિવસ ચાલતા હતાં હવે એ વાત તો દુર રહી એક કલાકમાં લોકો કંટાળી જાય છે, બજેટનો અભ્યાસ પણ નગરસેવકો કરતા નથી કાં તેઓને ખબર પડતી નથી, થોડી કાગારોળ થાય, શાસક પક્ષના સભ્યો બજેટનું સા‚-સા‚ બોલે અને વિપક્ષના સભ્યો ટીકા કરે એટલે મહત્વનું ગણાતું બજેટનું બોર્ડ પણ એક કલાકમાં પુ‚ થઇ જાય છે. 
વિપક્ષી સભ્યોમાં પણ જાણે કે સંકલનનો અભાવ છે તેમ જણાય છે, કોઇ રણનિતી ઘડવામાં આવતી નથી, જેને મન થાય તે રીતે પોતે રજૂઆત કરીને નિકળી જાય છે, કેટલાક સભ્યો તો બોર્ડમાં પણ મોડા આવે છે આમા તેઓ પોતાના વિસ્તારની સમસ્યા કેવી રીતે રજૂ કરે ? કયારેક તો શ‚આતમાં જ સાવ નાના મુદા ઉપર ભારે દેકારો કરવામાં આવે છે અને શાસક પક્ષને તો એટલું જ જોઇએ છે કે જલ્દી દેકારો થાય અને બોર્ડ પુ‚ થઇ જાય. આ સીલસીલો કયાં સુધી ચાલશે ? હવે લોકો પણ નગરસેવકોને માફ કરવાના મુડમાં નથી.
કોરોનાનો રોગચાળો હતો ત્યારે પણ આ જ રીતે જનરલ બોર્ડ ચાલતા હતાં અને અત્યારે ભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ હતી ત્યારે જામનગર શહેરમાં કેટલી નુકશાની થઇ ?  એ બધુ ચર્ચા કરવા લાયક હતું પરંતુ ચર્ચા કરવી કોને ગમે છે ? બસ ન્યુઝ પેપરમાં ફોટા આવી જાય અને નામ નોંધાય જાય એટલે વાર્તા પુરી થઇ જાય. શનિવારનું જનરલ બોર્ડ માત્ર ૧૨ મીનીટમાં આટોપી લેવાયું, મેયરે ચેતવણી આપી અને ખેલ ખતમ. જનરલ બોર્ડ એ બહાનું પુ‚ કરી દેવામાં આવ્યું, હવે બે મહીના બાદ જનરલ બોર્ડ મળશે ત્યારે શું થશે ? તેનો પ્રશ્ર્ન પણ આજે વિચારવા જેવો છે. 
શાસક પક્ષના લોકોએ મન ભરીને મત આપ્યા છે અને ગયા વર્ષ કરતા ૨૫ ટકા બેઠકનો વધારો થયો છે ૫૦ ટકા બેઠકો ભાજપને મળી છે ત્યારે અભીમાનમાં આવીને અમા‚ કોઇ કાંઇ કરી શકે તેમ નથી તેમ માનીને જનરલ બોર્ડમાં માથાકુટ થાય એટલે બોર્ડને વિખેરી નાખવાનું કાવત‚ ઘડી નાખવામાં આવે છે, એટલું જ નહીં બોર્ડમાં સામેની સીટમાં બેઠેલા અમુક લોકો મેયરને દબાણ કરે કે હવે માથાકુટ થઇ છે બોર્ડ વિખેરો. બસ આટલું થયું ત્યાં જ જનરલ બોર્ડ પુ‚ કરી દેવામાં આવે છે. 
જો શાસક પક્ષના સભ્યો જ આવું કરશે તો લોકોના પ્રશ્ર્નો તેમજ શહેરના વિકાસના પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા કયારે કરવામાં આવશે ? અન્ય મહાનગરોમાં બે થી ત્રણ કલાક સુધી જનરલ બોર્ડમાં ચર્ચા કરવામાં આવે છે, રાજકોટની જ વાત લઇએ તો માત્ર ૩ જેટલા નગરસેવકો વિરોધ પક્ષના હોવા છતાં બોર્ડ દોઢ થી બે કલાક ચાલે છે જયારે જામનગર મહાપાલિકાના સતાધીશો વિરોધ પક્ષની કે કોઇ લોકોની બોર્ડમાં વાત સાંભળવા પણ તૈયાર નથી, ચર્ચાની વાત તો એકબાજુ રહી જો તંદુરસ્ત ચર્ચા નહીં થાય તો શહેરની મોટી સમસ્યા કયારે ઉકેલાશે ? 
શહેરમાં અનેક વિજ થાંભલાઓ પડી ગયા છે, ૨૫૦થી વધુ વૃક્ષોનો સોથ વળી ગયો છે, ૮૫૦૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું આ બધી વેદના વચ્ચે જામનગર મહાપાલિકાના શાસકો શા માટે ચર્ચાથી દુર ભાગે છે તે લોકોને પણ સમજાતું નથી. લોકો હવે ચૂંટણીમાં તેમના પ્રશ્ર્નો ઉકેલવા માટે ચૂંટીને મોકલ્યા હતાં, ત્યારે સામેપક્ષે પણ ૧૪ નગરસેવકો કયારેક કયારેક વિરોધ નોંધાવે છે પરંતુ આ વિરોધ ૫ણ હવે વામણો પુરવાર થઇ રહ્યો છે.
જનરલ બોર્ડ ન ચાલવા દેવા માટે શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંનેના સભ્યોનો વાંક ગણી શકાય, શાસક પક્ષના સભ્યો એમ કહે છે કે, મોટાભાગના કામો થઇ જાય છે એટલે જનરલ બોર્ડમાં બહુ પ્રશ્ર્નોની ચર્ચા કરવાની જ‚ર નથી, જયારે વિપક્ષના કેટલાક જુના નગરસેવકોના કામો પણ થઇ જતાં હોય તેઓ બહુ ચર્ચા પણ પડતા નથી અને કયારેક-કયારેક બોર્ડ આટોપી લેવાય ત્યારે થોડુઘણુ આંદોલન કરીને સંતોષ માની છે. 
ખેર, શાસક અને વિપક્ષના સભ્યોને લોકહિત ઘ્યાનમાં નથી રહ્યું એ વાત હવે ધીરે-ધીરે સ્પષ્ટ થઇ ચૂકી છે, જામનગરનો વધુ વિકાસ કરવો હશે તો જનરલ બોર્ડમાં બંને પક્ષના સભ્યોએ દીલ દઇને તંદુરસ્ત ચર્ચા કરવી પડશે નહીંતર મતદારો આવા નગરસેવકોેને કયારે ઠોકર મારી દેશે તે દિવસો દુર નથી. ખરેખર બંને પક્ષના નગરસેવકોએ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવીને વાદ-વિવાદ કર્યા વિના અને બોર્ડમાં સામસામા આવ્યા વિના લોકોના કામો ઝડપથી થાય તેવા નિર્ણયો કરવા પડશે, હાલ તો જામનગરવાસીઓમાં બંને પક્ષના નગરસેવકોની આકરી ટીકા થઇ રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application