દારુ કાંડમાં કેજરીવાલને CBIનું તેડુ, મનીષ સિસોદિયા બાદ દિલ્હીના CMની પણ પૂછપરછ

  • April 14, 2023 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

CBI દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર, કેન્દ્રીય એજન્સીએ તેમને 16 એપ્રિલના રોજ બોલાવ્યા છે. નવી લિકર પોલિસી કેસમાં CBI તેમની પૂછપરછ કરવા માંગે છે. નોંધનીય છે કે આ મામલે હાલ મનીષ સિસોદિયા જેલમાં છે. 


કેજરીવાલ સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂના વેચાણ, લાઇસન્સ જારી કરવા અને કોન્ટ્રાક્ટ બારના સંચાલન માટે નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ પોલિસી દ્વારા દિલ્હી સરકાર દારૂ ખરીદવાના અનુભવને બદલવા માંગતી હતી અને નવી પોલિસીમાં દિલ્હીને 32 ઝોનમાં વહેંચીને લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ નીતિના કારણે દિલ્હી સરકાર પર મોટા ઉદ્યોગપતિઓને ફાયદો થવાનો આરોપ હતો, જ્યારે નાના વેપારીઓને નુકસાન થયું હોવાનું કહેવાય છે.
​​​​​​​


નવી દારૂની નીતિમાં, હોટલોને બાર, ક્લબ અને રેસ્ટોરન્ટને સવારના 3 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. તેમને ટેરેસ, ગેલેરી, આઉટડોર સ્પેસ સહિત કોઈપણ જગ્યાએ દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી હતી. જ્યારે જૂની પોલીસીમાં ખુલ્લામાં દારૂ પીરસવા પર પ્રતિબંધ હતો. આટલું જ નહીં, બાર કાઉન્ટર પર ખોલવામાં આવેલી બોટલોની શેલ્ફ લાઇફ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. નવી દારૂની નીતિ સામે વાંધો ઉઠાવ્યા બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે નવી નીતિ હેઠળ, ટેન્ડર પ્રક્રિયામાં ઇરાદાપૂર્વક છટકબારીઓ કરવામાં આવી હતી જેથી લાયસન્સધારકોને ખોટી રીતે ફાયદો થઈ શકે. રાજધાનીને 32 ઝોનમાં વહેંચવામાં આવી હતી અને તેના માટે 849 લાઇસન્સ ફાળવવામાં આવ્યા હતા. તેમાંથી 650 જેટલી દુકાનો ખુલી છે. મતલબ દરેક ઝોનમાં 25 થી 26 દુકાનો. એક ઝોન હેઠળ 8-9 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં દરેક વોર્ડમાં 3 દારૂની દુકાનો આવેલી છે. જેના દ્વારા દરેક વિસ્તારમાં દારૂ સરળતાથી મળી રહ્યો છે અને દારૂનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application