પાકિસ્તાની ડોન સલિમ સાથે મળીને LTTEને ફરી જીવંત કરવાનો દાઉદ ઈબ્રાહીમનો કારસો

  • June 26, 2023 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્રીય ડોન દાઉદ ઈબ્રાહીમ અને પાકિસ્તાની ડોન હાજી સલિમ સાથે મળીને શ્રીલંકાના ઉગ્રવાદી જૂથ LTTEને ફરી જીવંત કરવાનો કારસો ઘડી રહ્યા હોવાનું બહાર આવતા ભારતની એજન્સીઓ ચોંકી ઉઠી છે.


ભારતીય એજન્સીઓ દ્વારા જણાવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના કરાચી સ્થિત ગેંગસ્ટર હાજી સલીમ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલો છે અને મોટા પાયે ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી દ્વારા શ્રીલંકા અને ભારતમાં લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE)ની પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગેંગસ્ટર હાજી સલીમ ઘણીવાર કરાચીમાં દાઉદના આવાસ પર જોવા મળ્યો છે.


ભારતીય એજન્સીઓને જાણવા મળ્યું છે કે પાકિસ્તાનના કરાચીમાં રહેતો ગેંગસ્ટર હાજી સલીમ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ મળેલા છે. તેઓ બન્ને મળીને શ્રીલંકા અને ભારતમાં મોટા પાયે ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી કરીને લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) આતંકવાદી જૂથને ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.સલીમ પાકિસ્તાનની ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે કામ કરે છે અને ભારત, માલદીવ્સ, શ્રીલંકા અને મધ્ય-પૂર્વના કેટલાક દેશોમાં દાણચોરી પર પણ દેખરેખ રાખે છે.


ભારતમાં દરિયાઈ માર્ગે ઘણીવાર ડ્રગ્સ પકડાય છે.આથી એવું અનુમાન છે કે ભારતમાં કુલ ડ્રગ્સની હેરાફેરીમાં 70% હેરાફેરી દરિયાઈ માર્ગેથી થાય છે. મોટા ભાગના માલની હેરાફેરી પાછળ સલીમનો હાથ હોય છે.સલીમ ઘણીવાર કરાચીમાં દાઉદના ક્લિફ્ટન રોડ સ્થિત આવાસ પર જોવા મળ્યો છે. એવી આશંકા છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે મળીને ડ્રગ્સ અને હથિયારની હેરાફેરી માટે એકબીજાના સંસાધનોનો ઉપયોગ કરે છે.


નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ એન્ડ ઇન્ટેલિજન્સ (DRI) સહિતની એજન્સીઓ સમગ્ર ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સલીમ તેમજ દાઉદ ઇબ્રાહિમની ડી-કંપનીના ભારતીય સંપર્કોને ઓળખવા પર કામ કરી રહી છે.


થોડા દિવસ પહેલા ભારતમાં LTTEના પુનઃજીવિત કરવાના મામલામાં 13 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરતી વખતે NIAએ જણાવ્યું હતું કે શ્રીલંકાના ડ્રગ માફિયાના સભ્યો સલીમ પાસેથી ડ્રગ્સ મેળવતા હતા.ગયા વર્ષે ડીસેમ્બરમાં અલ-સોહૈલી નામની બોટનો ઉપયોગ કરીને 40 કિલો હેરોઈન અને પિસ્તોલની દાણચોરી વિરુદ્ધ દાખલ કરેલ ચાર્ટશીટમાં પાકિસ્તાનના ડ્રગ માફિયા સલીમનું નામ પણ સામેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application