અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ બનાવવાનું કહી દંપતીએ ડોક્ટર સહિત 5 લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા

  • July 19, 2023 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતી ફિલ્મ બનાવવાનું કહી દંપતીએ પાંચ લોકો સહીત ડોક્ટર પાસેથી રૂપિયા 3.91 કરોડ પડાવ્યા છે. અમદાવાદના ચાંદખેડાના ડોકટરને લાલચ આપીને 75 લાખનું રોકાણ કરાવ્યું હતું તથા પૈસા પરત ન આપવા પડે તે માટે પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી દંપતી ફરાર થઇ ગયુ હતુ.


વસ્ત્રાપુરમાં રહેતા દંપતીએ ચાંદખેડાના ડોક્ટરને ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે 75 લાખનું રોકાણ કરાવ્યું હતું. દંપતીએ અન્ય 5 શખ્સો પાસેથી 3.41 કરોડ પણ રોકાણના નામે પડાવ્યા હતા. બાદમાં પૈસા ન આપવા પડે તે માટે દંપતીએ કારસો રચીને પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ ફરાર થઇ ગયા હતા. ડોકટરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દંપતિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.


ચાંદખેડામાં રહેતા ધવલ રમેશભાઇ પટેલ એપોલો હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર તરીકે નોકરી કરે છે. દોઢેક વર્ષ પહેલા જૈમિન પટેલ સાથે એક સ્વામીજી દ્વારા ધવલ સાથે મુલાકાત થઈ હતી. બાદમાં ધવલ અને જૈમિન બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જૈમીન અને તેની પત્ની અંકિતા અવારનવાર ધવલને મળતા આવતા હતા. ઓક્ટોબર 2022માં જૈમીન અને અંકિતા બંનેએ ધવલને મળવા માટે ઓફિસે બોલાવ્યો હતો. આથી ધવલ ત્યાં જતા બંનેએ તેને કહ્યું કે, તેઓ અર્બન ગુજરાતી અને અન્ય શોર્ટ ફિલ્મ બનાવવાનું કામ કરે છે અને પ્રોપરાયટર ફર્મમાં ફિલ્મને પ્રોડયુસ કરવા તેમજ પૂરી ફિલ્મ બનાવવા માટે ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે તો તમે પાર્ટનર બનશો તેમ કહીને લોભામણી સ્કીમો આપી હતી.


દંપતીએ કહ્યું કે, તમે ઇન્વેસ્ટ કરી પાર્ટનર બનવા માગતા હોવ તો પણ બની શકો છો અને ઇન્વેસ્ટ કરશો તો તમને ફિલ્મના રેવન્યુમાં 10%નો ભાગ આપવામાં આવશે. પાર્ટનરશીપ પણ કરાર આધારિત થશે. આથી ડૉ.ધવલ પટેલે દંપતીના કહ્યા મુજબ ફિલ્મમાં 75 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. લાંબો સમય થવા છતાં દંપતી હિસાબ આપતું ન હોવાથી ડૉ.ધવલે ઉઘરાણી શરૂ કરતા બન્નેએ 24.90 લાખ રૂપિયા પરત કર્યા હતા. બાકીના 50.10 લાખ આપ્યા ન હતા. ત્યારે આ ફરિયાદ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application