કોંગ્રેસ બન્યું કંગાળ, ડોનેટ ફોર દેશથી જમા કરશે ફંડ, જાણો દાન માટે '૧૩૮'નો આંકડો કેમ કરાયો નક્કી ?

  • December 16, 2023 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દાન તરીકે રૂ. ૧૩૮, ૧,૩૮૦, ૧૩,૮૦૦ કે તેથી વધુ દાન કરવાની અપીલ, આ અભિયાન ‘તિલક સ્વરાજ કોશ’ દ્વારા પ્રેરિત પહેલ :  કેસી વેણુગોપાલ


કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલા ઓનલાઈન ફંડ એકત્ર કરવા માટે 'ડોનેટ ફોર દેશ' નામનું અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ૧૮ ડિસેમ્બરે આ અભિયાનની શરૂઆત કરશે.


૨૮ ડિસેમ્બરે તેના ૧૩૮મા સ્થાપના દિવસ પહેલા, દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી લોકોને આ અભિયાન દ્વારા દાન તરીકે રૂ. ૧૩૮, રૂ. ૧,૩૮૦, રૂ. ૧૩,૮૦૦ અથવા ૧૦ ગણી રકમ દાનમાં આપવા અપીલ કરશે.


વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, 'કોંગ્રેસ તેના ઓનલાઈન ભંડોળ એકત્રીકરણ અભિયાન 'ડોનેટ ફોર દેશ'ની શરૂઆતની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આ પહેલ ૧૯૨૦-૨૧માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક 'તિલક સ્વરાજ ફંડ'થી પ્રેરિત છે અને તેનો ઉદ્દેશ્ય સંસાધનો અને તકોના સમાન વિતરણ સાથે સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા પક્ષને સશક્ત કરવાનો છે.


વેણુગોપાલના જણાવ્યા અનુસાર, પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સોશિયલ મીડિયા દ્વારા આ અભિયાન અંગે જાગૃતિ વધારવામાં આવશે. તેમણે કહ્યું, 'આ અભિયાન મુખ્યત્વે પાર્ટીના સ્થાપના દિવસ, ૨૮ ડિસેમ્બર સુધી ઓનલાઈન રહેશે, ત્યારબાદ અમે ગ્રાઉન્ડ કેમ્પેન શરૂ કરીશું. આ અંતર્ગત પાર્ટી સાથે જોડાયેલા સ્વયંસેવકો ઘરે ઘરે જઈને દરેક બૂથમાં ઓછામાં ઓછા ૧૦ ઘરોને લક્ષ્ય બનાવશે અને દરેક ઘરમાંથી ઓછામાં ઓછા ૧૩૮ રૂપિયાનું યોગદાન સુનિશ્ચિત કરશે.


વેણુગોપાલે વધુમાં કહ્યું હતું કે, 'અભિયાનની અસરકારકતા માટે, તમામ પ્રદેશ પ્રમુખોએ પાર્ટીના શુભેચ્છકો અને પદાધિકારીઓમાંથી સંભવિત દાતાઓની ઓળખ કરવી જોઈએ, જેનું લક્ષ્ય ૧૩૮૦ રૂપિયા અથવા ૧૩,૮૦૦ રૂપિયાનું યોગદાન આપવાનું છે. આ વ્યૂહાત્મક અભિગમ બહેતર ભારત માટેના અમારા વિઝનની સફળતાને સુનિશ્ચિત કરશે.


વેણુગોપાલે એમ પણ કહ્યું કે પાર્ટી 28 ડિસેમ્બરે તેના સ્થાપના દિવસ પર નાગપુરમાં એક વિશાળ રેલી યોજવા જઈ રહી છે. તેમણે કહ્યું, “આવતીકાલે નાગપુરમાં અમારી એક વિગતવાર બેઠક છે અને ઓછામાં ઓછા 10 લાખ કાર્યકરો આ મેગા ઈવેન્ટમાં ભાગ લેશે. આ રેલીમાં ભારતભરમાંથી આગેવાનો ભાગ લેશે.


દરમિયાન, કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને કહ્યું કે જેઓ દાન આપવા માંગે છે તેઓ ભારતીય નાગરિક અને 18 વર્ષથી વધુ ઉંમરના હોવા જોઈએ. માકને જણાવ્યું હતું કે દાતાઓને ડોનેશન સર્ટિફિકેટ પણ મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application