જામનગરના કલેકટર-ડીડીઓ, દ્વારકાના કલેકટરની બદલી

  • April 01, 2023 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ચૂંટણીને હજુ વાર છે, પરંતુ સરકાર દ્વારા ગઇકાલે સાંજે ૧૦૯ આઇએએસની સાગમટે બદલી કરી નાખવામાં આવી છે, જામનગરના કલેકટર ડો.સૌરભ પારધીની જગ્યાએ પોરબંદરથી એ.એમ.શર્માને મુકવામાં આવ્યા છે, જયારે ડીડીઓ મીહીર પટેલની જગ્યાએ હેલ્થ વિભાગમાંથી વિકલ્પ ભારદ્વાજની વરણી થઇ છે, જયારે દેવભુમિ દ્વારકાના કલેકટર મુકેશ પંડયાને બઢતી આપીને સેટલમેન્ટ કમિશ્નર લેન્ડ વિભાગમાં મુકવામાં આવ્યા છે, પરંતુ જામનગરના મ્યુ.કમિશ્નરની ખુરશી હજુ ખાલી છે અને આ જગ્યા ઉપર શા માટે કોઇને મુકવામાં આવ્યા નથી તે અંગે ચર્ચાઓ શરૂ થઇ છે. 


જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીને ટુરીઝમ કોર્પોરેશનમાં એમ.ડી. બનાવાયા છે, જયારે ડીડીઓ મિહીર પટેલને અર્બન ડીપાર્ટમેન્ટ ઓફ હાઉસીંગ ડિપાર્ટમેન્ટમાં ડે.મ્યુ.કમિશ્નર અમદાવાદ તરીકે મુકી દેવામાં આવ્યા છે જયારે પોરબંદરથી કલેકટર એ.એમ.શાહને જામનગર બદલી કરવામાં આવી છે અને જામનગરના નવા ડીડીઓ તરીકે હેલ્થ વિભાગના ડે.સેક્રેટરી વિકલ્પ ભારદ્વાજની નિમણુંક થઇ છે. અગાઉ જામનગરમાં ફરજ બજાવી ચૂકેલા કેતન ઠકકરને પોરબંદરના ડીડીઓ બનાવાયા છે જયારે ડીડીઓ જાડેજાને મોરબી ડીડીઓ તરીકે મુકવામાં આવ્યા છે. 


જામનગરના મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીની બદલી થયા બાદ હજુ સુધી કોઇની નિમણુંક થઇ નથી, ડીએમસી વસ્તાણીને અમરેલી મુકાયાને પણ સારો સમય થઇ ગયો છે, એએમસી ભાર્ગવ ડાંગરની પણ છ મહીના પહેલા બદલી થઇ છે, આ તમામ જગ્યાઓ ઉપર હજુ સુધી કોઇની નિમણુંક ન કરાતા લોકોને પણ આશ્ર્ચર્ય થયું છે. 


દ્વારકાનો અહેવાલ
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા ૨૦૦૭ ની બેચના આઈએએસ અધિકારી એમ.એ. પંડ્યાની બદલી ગાંધીનગર ખાતે થઈ છે તેમના સ્થાને પોરબંદરના જિલ્લા કલેકટર અશોક શર્માને મૂકવામાં આવ્યા છે.


ગાંધીનગરના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા ગઈકાલે સમગ્ર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ ૧૦૯ જેટલા આઈ.એ.એસ. અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જૂન ૨૦૨૧ થી કલેકટર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર પંડ્યાની બદલી પ્રમોશન સાથે સેટલમેન્ટ કમિશનર એન્ડ જોઈન્ટ ડાયરેક્ટર લેન્ડ રેકોર્ડ-ગાંધીનગર ખાતે કરવામાં આવી છે તેમના સ્થાને પોરબંદરના જિલ્લા કલેકટર એવા ૨૦૦૮ની બેચના આઈ.એ.એસ. અધિકારી અશોક શર્માની મૂકવામાં આવ્યા છે.


અત્રે ઉલ્લેખની છે કે છેલ્લા આશરે પોણા બે વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા સમાહર્તા તરીકે ફરજ પર રહેલા મુકેશ પંડ્યા દ્વારા તાજેતરમાં જિલ્લામાં કરવામાં આવેલા અનઅધિકૃત દબાણ હટાવ ઝુંબેશના ઐતિહાસિક પગલાં ઉપરાંત મહત્વના એવા વાડીનાર - કુરંગા નેશનલ હાઈવે માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. મૃદુભાષી એવા અહીંના જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના વિકાસ તથા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટેની મહત્વની કામગીરી કરાઈ હતી. ખંભાળિયાના તત્કાલીન જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાની બદલી અરવલ્લીથી ગાંધીનગર ખાતે જીઆઇડીસીના જોઈન્ટ એમ.ડી. તરીકે કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application