સીએમ હિરાસર જશે; કલેકટર કચેરીમાં રિવ્યુ

  • July 21, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રીના હસ્તે ઝોન–૨ અને ઝોન–૮ની સબ રજિસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ: રેસકોર્સમાં વડાપ્રધાનની જાહેર સભાના સ્થળનું નિરીક્ષણ




વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૨૭ જુલાઇના રોજ રાજકોટના હીરાસર ખાતે નિર્મિત આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટના લોકાર્પણ માટે રાજકોટ આવી રહ્યા હોય તે પૂર્વે વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરવા માટે તેમજ અન્ય અનેકવિધ ખાતમુહર્તેા અને લોકાર્પણ કરવા માટે ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કાલે તા.૨૨ના રોજ બપોરે રાજકોટ આવી રહ્યા છે ત્યારે કલેકટર કચેરીમાં તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. કલેકટર કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી હીરાસર એરપોર્ટનું સ્થળ નિરીક્ષણ કરે તેવી પણ પૂરી સંભાવના હોય તે માટેની તૈયારી  પણ રાખવામાં આવી છે. તદઉપરાંત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે પીએમના કાર્યક્રમ અનુસંધાને રિવ્યુ મિટિંગ યોજાશે.





વિશેષમાં કલેકટર કચેરીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર, અલબત્ત મુખ્યમંત્રી હીરાસર જશે તેવો સત્તાવાર કોઈ કાર્યક્રમ હજુ સુધી જાહેર કરાયો નથી પરંતુ તેવી પુરી સંભાવના હોય તે માટે તમામ તૈયારી કરાઇ છે.





આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અંદાજે બપોરે બે વાગ્યા આજુબાજુ રાજકોટ પહોંચશે અને સાંજે ૭–૩૦ સુધી રાજકોટમાં રોકાશે તે દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આવતીકાલના મુખ્યમંત્રીના રાજકોટના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ બપોરે ૨:૦૦ વાગે મુખ્યમંત્રી ગાંધીનગર થી રાજકોટ આવી પહોંચશે અને ઝોન–૨ તથા ઝોન–૮ની સબ રજિસ્ટ્રાર કચેરીની નવી ઓફિસનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ પૂરો થયા પછી મુખ્યમંત્રી ઝવેરચદં મેઘાણી શાળાની મુલાકાતે જશે અને ત્યારબાદ બપોરે કલેકટર કચેરીમાં વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા અધિકારીઓ સાથે કરશે. મુખ્યમંત્રી સભાના સ્થળની અને હિરાસર એરપોર્ટની પણ મુલાકાત લે તેવી પ્રબળ શકયતા છે. સાંજે હેમુ ગઢવી હોલમાં સ્નેહ સ્પર્શ નામની સંસ્થાના સંચાલકો, ચેક ડેમ નિર્માણમાં સહયોગ આપનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ વગેરેનું સ્વાગત કરશે અને મુખ્યમંત્રીનું પશુપાલક સમાજ વતી સન્માન કરવામાં આવશે. શનિવારે મુખ્યમંત્રીનો છેલ્લો કાર્યક્રમ કણસાગરા મહિલા કોલેજમાં પટેલ સમાજ દ્રારા આયોજિત છે અને તે પૂરો કર્યા પછી મુખ્યમંત્રી ગાંધીનગર જવા નીકળશે.





અત્રે ઉલ્લેખનીય છે કે આગામી તા.૨૭ જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિલ્હીથી ખાસ વિમાનમાં રાજકોટ ખાતેના હિરાસર ગામ નજીક બનાવવામાં આવેલા નવા એરપોર્ટ પહોંચીને તેનું વિધિવત લોકાર્પણ કરશે.વડાપ્રધાન દિલ્હીથી ખાસ વિમાનમાં બપોર બાદ હિરાસર એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીં ટૂંકું રોકાણ કરીને હેલિકોપ્ટર અથવા તો વિમાનમાં રાજકોટના અત્યારના એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યાંથી રોડ શો યોજીને રેસકોર્સ સભાને સંબોધન કરશે.




વડાપ્રધાનનો ડિટેઇલ શિડુલ હજુ આવ્યો નથી પરંતુ બપોરે અઢીથી સાડા ત્રણ વાગ્યાની આસપાસ તે રાજકોટ આવે તેવી શકયતા છે અને કલેકટર તત્રં તે મુજબ તૈયારી કરી રહ્યું હોવાનું કલેકટર કચેરીના સુત્રોમાંથી જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application