22 જુલાઈએ કેકેવી બ્રિજનું CM કરશે લોકાર્પણ, મેયરે સતાવાર કરી જાહેરાત

  • July 17, 2023 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવતી અમાસે રાજકોટવાસીઓ માટે લાપસીના આંધણ મુકવા જેવા ખુશખબર છે કે શહેરીજનો અઢી વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે કેકેવી ચોક બ્રિજનું અંતે આગામી તા.૨૨મી જુલાઇને શનિવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સત્તાવાર કન્ફર્મેશન મળ્યા બાદ આજે બપોરે મેયર ડો.પ્રદીપ ડવ દ્વારા લોકાર્પણની સત્તાવાર જાહેરાત પત્રકારો સમક્ષ કરવામાં આવી હતી. આ તકે કેકેવી બ્રિજ સહિત કુલ રૂ.૨૪૧.૬૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાશે તેમ મેયરએ ઉમેર્યું હતું.



વોર્ડ નં.૮માં અમીનમાર્ગના છેડે ૧૫૦ ફૂટ રિંગ રોડ કોર્નર ઉપર આવેલા વિશાળ પ્લોટમાં ભવ્ય ડાયસ ફંક્શન યોજાશે. સંભવત: સવારે ૧૧-૩૦ કે ૧૨-૦૦ કલાકે કાર્યક્રમ યોજાશે પરંતુ કાર્યક્રમનો સમય હજુ સુનિશ્ચિત કરાયો નથી. મુખ્યમંત્રી અમરેલીનો પ્રવાસ પૂર્ણ કરી રાજકોટ આવનાર હોય સમય સુનિશ્ચિત કર્યા પછી જ કાર્યક્રમના સમય અંગેની સત્તાવાર જાહેરાત કરાશે.



વિશેષમાં આ અંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા અને શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ કેકેવી બ્રિજ લોકાર્પણ સમારોહની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, આગામી તા.૨૨-૭-૨૦૨૩ને શનિવારના રૂ.૧૨૯ કરોડના ખર્ચે નિર્મિત કેકેવી ઓવરબ્રિજ તેમજ અન્ય જુદા જુદા વિકાસકામો મળી કુલ રૂ.૨૪૧.૬૫ કરોડના લોકાર્પણ તથા ખાતમુહુર્ત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે દરમિયાન આજે લોકાર્પણ સમારોહના કાર્યક્રમના અનુસંધાને આજે સવારે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળની સાઇટ વિઝીટ કરી ભવ્ય કાર્યક્રમ યોજવા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે.



મુખ્યમંત્રીના હસ્તે જે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે તેમાં (૧) રૂ.૧૨૯ કરોડના ખચે નિર્મિત કેકેવી.ચોક ઓવરબ્રિજનું લોકાર્પણ (૨) ૨૦.૭૫ કરોડના ખર્ચે નિર્મિત કોઠારીયાના ૧૫ એમએલડીની ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ (૩) ૨૯.૭૩ કરોડના ખર્ચે નિર્મિત રૈયાધાર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ (૪) રૂ.૪૧.૭૧ કરોડના ખર્ચે ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી ૧૨૦૦ એમએમ ડાયામીટરની નાખવામાં આવેલ પાણીની પાઈપલાઈનનું લોકાર્પણ (૫)૨.૨૨ કરોડના ખર્ચે મોદી સ્કુલથી સોજીત્રા હેડવર્કસ સુધીની ૫૦૮ એમએમ પાઈલલાઈનનું લોકાર્પણ (૬) ૮.૩૯ કરોડના ખર્ચે વોર્ડ નં.૬માં ગોવિંદબાગ નિર્મિત નવી લાયબ્રેરીનું લોકાર્પણ તેમજ (૭) રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કીટ હેઠળ સદર બજાર વિસ્તારની મેઘાણી સ્કૂલમાં રૂ.૫૦ લાખના ખર્ચે નિર્મિત મેઘાણી સ્મારક ભવનનું લોકાર્પણ (૮) ૧.૧૦ કરોડના ખર્ચે વોર્ડ નં.૭ના વિજય પ્લોટમાં બનાવવામાં આવેલ આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગનું લોકાર્પણ (૯) ૪.૪૯ કરોડના ખર્ચે વોર્ડ નં.૩માં માધાપર જંક્શનથી ઉતર, પૂર્વ ભાગમાં ડ્રેનેજ લાઈન નાખવાનું તથા રોડ રિસ્ટોરેશન કરવાનું કામનું ખાતમુહુર્ત તેમજ (૧૦) ૩.૭૬ કરોડના ખર્ચે વોર્ડ નં.૩માં માધાપર જંક્શનથી દક્ષિણ, પૂર્વ ભાગમાં ડ્રેનેજ લાઈન નાખવાનું તથા રોડ રિસ્ટોરેશન કરવાના કામનું ખાતમુહુર્ત સહિતનો સમાવેશ થાય છે.



ઉપરોક્ત લોકાર્પણ સમારોહનું સંયુક્ત ડાયસ કાર્યક્રમ અમીન માર્ગના છેડે આવેલ મહાનગરપાલિકાના પ્લોટમાં યોજાશે.આજરોજ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, ડેપ્યુટી કમિશ્નર અનિલભાઈ ધામેલીયા, સી.કે.નંદાણી, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા પદાધિકારીઓ, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ તેમજ એડી. સિટી એન્જીનિયર, જુદી જુદી શાખાના અધિકારીઓ, જુદી જુદી એજન્સીઓના પ્રતિનિધિઓ વિગેરે દ્વારા ડાયસ ફંક્શનના સ્થળની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમના અનુસંધાને અધિકારીઓ દ્વારા એજન્સીઓને જરૂરી સુચના આપવામાં આવી હતી.



કે.કે.વી. જંક્શન પર ઓવરબ્રિજનું લોકાર્પણ થતા રાજકોટ થી કાલાવડ અને કાલાવડ થી રાજકોટ અવર જવર કરતા વાહનો માટે ટ્રાફિક સમસ્યા ખુબ જ હળવી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application