રાજકોટમાં વેપારીએ પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી ૫૦૦ના દરની નકલી ૨૯ નોટો

  • June 02, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેન્કે ફરિયાદમાં એવો આરોપ મુકયો કે ખાતેદાર જાણતા હતા કે નકલીનોટ છે છતાં જમા કરાવી, એસઓજીએ હાથ ધરી તપાસ




કાલાવાડ રોડ પરની એકસીસ બેન્કમાં ૫૦૦ના દરની નકલી નોટો જમા કરાવવાનું ભૂત હજી ઘૂણે છે. ત્યાં ફરી કેવડાવાડી રોડ પરની નાગરિક સહકારી બેન્કમાં ખાતેદારે પોતાના ખાતામાં ૫૦૦ના દરની ૨૯ નકલી ચલણી નોટો જમા કરાવ્યાની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જો કે, આ ફરિયાદમાં સીધો ખાતેદારે જ બેન્કમાં નોયો જમા કરાવી હોવાનો આરોપ મુકાયો હોવાથી તપાસનીસ એજન્સી એસઓજીએ કયાંક કાંઈ કાચૂ ન કપાય તે માટે ફરિયાદી ઉપરાંત ખાતેદાર, નાણા જમા કરાવવા આવનાર સહિતનાની પૂછતાછ આરંભી છે. નાગરિક બેન્કની કેવડાવાડી બ્રાંચમાં ખાતુ ધરાવતા કારખાનેદાર નિલેષ મનસુખભાઈ ભાલાળાના એકાઉન્ટમાં ગત તા.૩૧–૫ના રોજ પાંચ લાખ બે હજાર રૂપિયા જમા થયા હતા. જે રકમ દેવાંગ કામલિયા નામનો તેમનો માણસ આવીને ભરી ગયો હતો. આ ભરણામાં ૫૦૦ના દરની નોટમાંથી ૨૯ નોટ નકલી નીકળી હતી. નકલી નોટ સંદર્ભે બેન્કના બ્રાંચ મેનેજર નિરજ હરકિશનભાઈ વૈઠાએ ખાતેદાર નિલેષ ભાલાળા સામે જ ગઈકાલે મોડી સાંજે ભકિતનગર પોલીસ મથકમાં નકલી નોટો અંગેની આઈપીસી ૪૮૯(ખ) મુજબ ગુનો નોંધાવ્યો હતો. તપાસ એસઓજીને સોંપાઈ હતી.





ડાયરેકટર ખાતેદારને આરોપી દર્શાવીને ગુનો નોંધાવાતા હવે તપાસનીસ એજન્સી એસઓજી પણ વિસામણમાં મુકાઈ છે કે નિલેષ જાણી જોઈને જાણતો હતો છતાં નકલી નોટો જમા કરાવી હતી? કે નોટો જમા કરાવવા આવનાર વ્યકિતઓ નોટો ચેંજ કરી નાખી હતી કે પછી જયાંથી પેમેન્ટ આવ્યું ત્યાંથી જ નકલી નોટો આવી હશે તે મુદે તપાસ થયા બાદ જ સાચો આરોપી કોણ તે સ્પષ્ટ્ર થઈ શકે. પીઆઈ જે.ડી.ઝાલાના જણાવ્યા મુજબ હજી તપાસ ચાલુ કરાઈ છે. આરોપી તરીકે ભલે નામ દર્શાવાયુ હોય પરંતુ ફેક કરન્સીનો બનાવ હોવાથી પુરતા પુરાવા અને તપાસ બાદ આરોપી સંદર્ભે કાર્યવાહી કરાશે. હાલ ખાતેદાર, પેમેન્ટ જમા કરાવવા આવનાર વ્યકિત સહિતનાની પૂછતાછ ચાલુ છે. પેમેન્ટ ભરણપોષણની કોઈ રકમ સંદર્ભેનું આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.



ઘટના એક સરખી પરંતુ ફરિયાદમાં વિસંગતતા, જવાબદારોએ જવાબ ટાળ્યો!
એકસીસ બેન્કમાં કાર લોનની રકમ જમા કરાવનાર કારધારકે આપેલા પેમેન્ટમાં ૫૦૦ની ૨૬ નોટ નકલી નીકળી હતી. એકસીસ બેન્ક દ્રારા યુનિવર્સિટી પોલીસમાં આ સંદર્ભે ગુનો નોંધાવાયો પરંતુ અજાણ્યા વ્યકિત સામે જો કે, યુનિ.પોલીસે કારધારક અને તેના મિત્ર બન્નેને રકમ કયાંથી આવી તે બાબતે પૂછતાછ કરતા પગેરૂ આંગડિયા પેઢી સુધી પહોંચ્યું હતું. આંગડિયામાંથી કારધારકે પેમેન્ટ લીધું હતું. જેથી આંગડિયામાં પોલીસે તપાસ કરી અને ત્યાં જે કોઈ પેમેન્ટ આપી ગયા તે વ્યકિતની પૂછતાછ કરાઈ રહી છે આમ સીધા કોઈને આરોપી નથી દર્શાવાયા જયારે ગઈકાલે નાગરિક બેન્કમાં જમા થયેલી ૫૦૦ની નકલી ૨૯ નોટોમાં સીધા ખાતેદાર સામે જ ફરિયાદ નોંધાવાઈ છે. આમ એક જ સરખી બે ઘટનામાં ફરિયાદમાં વિસંગતતા દેખાઈ છે, નાગરિક બેન્કના અધિકારીનો ફરિયાદમાં સત્ય શું તે જાણવા સંપર્ક સાધતા તેમરે હું કામમાં છું પછી કહું કહ્યા બાદ ફોન સતત નોરિપ્લાય રહ્યો હતો. તપાસનીસ સૂત્રોના કહેવા મુજબ અમારા માટે પણ હવે તપાસનો એ વિષય બન્યો છે કે નિલેષને પેમેન્ટ આવ્યું એમા પણ બહાર નકલી નોટો હતી કે નિલેષે પોતે જાણવા છતાં જમા કરાવી. બીજી તરફ એવું જાણવા મળ્યું છે કે, નાગરિક બેન્ક દ્રારા ખાતેદાર નિલેષને તમે જમા કરાવેલી રકમમાં ૨૯ નોટ નકલી આવી ગઈ હોવાનું અને પરત લઈ લેવા કહેવાયું હતું. જો કે, ખાતેદારે વાત ન સ્વીકારી બેન્કના ફોર્મમાં સહી પણ કરી આપી હતીની પણ વાત છે જો કે, સત્ય શું એ જાણવા ફરિયાદી બ્રાંચ મેનેજરને પૂછતા તેમણે તેમના કોઈ સાહેબનો નંબર આપ્યો પરંતુ તેઓએ કામમાં છું કહી ઉત્તી આપ્યો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application