જામનગર આઈસીડીએસ શાખા દ્વારા સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઇ 

  • August 11, 2023 06:10 PM 

જિલ્લાની ૮૮૮ આંગણવાડીના બહેનો દ્વારા સગર્ભા તથા ધાત્રી માતાઓમાં જાગૃતિ લાવવા રેલીનું આયોજન, સ્તનપાનનું મહત્વ અને સ્તનપાન સમયે રાખવાની કાળજી અંગે માર્ગદર્શન, આરોગ્યની તપાસની સહિતની પ્રવૃતિઓ કરવામાં આવી
જામનગર તા.૧૧ ઓગસ્ટ, દર વર્ષે ૧ ઓગસ્ટથી એક સપ્તાહ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ (World Breastfeeding Week)ની ઊજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં શિશુઓના સ્વાથ્યમાં સુધારો લાવવા માટે અને સ્તનપાનને પ્રોત્સાહન મળે તે હેતુથી વિશ્વ સ્તનપાન સપ્તાહ ઊજવવામાં આવે છે.

આ સપ્તાહની ઉજવણી જામનગર જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા વિવિધ સ્તરે કરવામાં આવેલ. જામનગર જીલ્લાનાં જામનગર ગ્રામ્ય ૧-૨ , ધ્રોલ , જોડિયા,  કાલાવડ, લાલપુર તેમજ જામજોધપુર એમ ૭ ઘટક તથા સેજા કક્ષાએ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત  ૮૮૮  આંગણવાડીનાં વર્કર તથા હેલ્પર બહેનો દ્વારા સગર્ભા તથા ધાત્રી માતાઓમાં જાગૃતિ લાવવા માટે ગામડાઓમાં રેલી તથા પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્તનપાનને સમર્થન આપવા માટે ગ્રામજનોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.  

વિશ્વ સ્તનપાન સપ્તાહ દરમ્યાન ૮૮૮ આંગણવાડીઓમાં સુપોષણ સંવાદ દિવસની ઉજવણી કરી હાજર સગર્ભા ધાત્રી માતાઓને સ્તનપાનનું મહત્વ અને સ્તનપાન સમયે રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા સ્તનપાનનાં ફાયદા વિશે સમજ આપવામાં આવી હતી અને THR (ટેક હોમ રાશન) વિશે માહિતગાર કરી તેમાંથી બનતી વિવિધ વાનગી અંગે આપી સોશિયલ મીડિયાનાં માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

આ સપ્તાહની ઉજવણી દરમ્યાન પોષણ પંચાયતના આયોજન અતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા તથા આંગણવાડી વર્કર/હેલ્પર બહેનો  દ્વારા ડીલેવરી સ્થળની મુલાકાત કરી ધાત્રી માતાનું કાઉન્સેલિંગ અને ગૃહ મુલાકાત કરી તેમને સ્તનપાનની સાચી રીત શીખવાડવામાં આવી હતી. અને ૬ માસ સુધી ફક્ત સ્તનપાનથી બાળકને શું ફાયદા થાય છે તે અંગે સમજ આપી પ્રસુતિ અધિકારો અને અન્ય સહાયક પગલાં વિશે માહિતગાર કર્યા હતા.આ સપ્તાહની ઉજવણી દરમ્યાન ઘટક કક્ષાએ પૂર્ણા વર્કશોપનું આયોજન કરી કિશોરીઓ દ્વારા મિલેટ્સ વાનગી નિર્દશન કરવામાં આવ્યું હતું. અને સગર્ભા ધાત્રી માતાઓને મિલેટ્સમાંથી મળતા પોષક તત્વો વિશે સમજ આપવામાં આવી હતી. 

આરોગ્ય શાખા સાથે સંકલનમાં રહી સગર્ભા તથા ધાત્રી માતાઓના આરોગ્યની તપાસની અને સેજા કક્ષાએ માતૃ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમ્યાન તેમને પ્રસુતિ પછી તરત જ પહેલા કલાકમાં બાળકને સ્તનપાન કરાવવું જેથી બાળકને વિટામીન- એ અને રોગપ્રતિકારક તત્વોથી ભરપુર કોલોસ્ટ્રમ મળે છે. ઓછા વજનવાળા બાળકોને રોગોથી રક્ષણ મળે છે. તેમજ સ્તનપાન એક સાર્વત્રિક ઉકેલ છે કે જેનાથી બાળકનાં જીવનમાં સ્વસ્થ જીવનનો પાયો નંખાય છે તેમજ બાળકોનાં સ્વાસ્થ્ય, સુખાકારી અને જીવનની ગુણવતામાં સુધારો કરે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application