થોરાળામાંથી ઝડપાયું ગેસ રિ-ફિલિંગનું મોટું કૌભાંડ

  • March 24, 2023 09:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોરાળા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધમધમતું ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. પુરવઠા વિભાગના અધિકારીઓ ઇન્સ્પેક્ટરો, તલાટીઓ વગેરેની ટીમે ગઈકાલે સાંજે થોરાળાના ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારમાં માનવ જિંદગી જોખમાય તે રીતે ચાલતું ગેસ રીફીલિંગનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.502 બાટલા, ગેસ રિફિલિંગ કરવા માટેની છ ઈલેક્ટ્રીક મોટર, વજન કાંટા, રીક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ગેસ રીફ્લિંગનું કૌભાંડ જે ડેલામાં ચાલતું હતું તેની બરાબર બાજુમાં મસ્જિદ આવેલી છે. ભંગારના ડેલા આવ્યા છે. અકસ્માતે જો બ્લાસ્ટ થાય તો મોટી જાનહાનિની પણ ભીતિ હતી.
દૂધની ડેરી રોડ પર હાઇવે નજીક થોરાળાના માજોઠીનગરમાં ગેસ રીફીલિંગનું મોટું કૌભાંડ ચાલતું હોવાની માહિતી રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુને મળતા તેમણે ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી સુરજ સુથારને દરોડા પાડવા માટે સૂચના આપી હતી. પુરવઠા ઇન્સ્પેક્ટર કિરીટસિંહ ઝાલા, અમિત પરમાર, પૂર્વ ઝોન મામલતદાર રુદ્ર ગઢવી અને તલાટીઓની ટીમ સાંજે 5:30 વાગ્યાની આસપાસ આ સ્થળે પહોંચી હતી અને રાત્રિના 9:30 વાગ્યા સુધી તપાસની કામગીરી ચાલુ રહી હતી. સલીમ પીપર નામનો શખ્સ આ કૌભાંડ ચલાવી રહ્યો હોવાનું પ્રાથમિક પૂછતાછમાં ખુલવા પામ્યું છે. સલીમ અને ચાર મજૂરો મોટા સિલિન્ડરમાંથી ઈલેક્ટ્રીક મોટર વડે નાના પોર્ટેબલ બાટલામાં ભરીને વેચવાની પેરવી કરતા હતા. છેલ્લા એક મહિનાથી દિલ્હીથી ઓર્ડર આપીને મીની ગેસ સિલિન્ડર મગાવી તેમાંથી નાના બાટલામાં ગેસ ભરીને રેકડીવાળાઓ અને માઈગ્રેટેડ મજૂરોને તે વેચતો હોવાનું બહાર આવ્યું છે. બજારમાં આ પ્રકારના બાટલા 430 ના ભાવે મળે છે પરંતુ આ શખ્સ તે 450 માં વેચતો હોવાનું જાણવા મળે છે. છેલ્લા એક મહિનાથી નહીં પરંતુ ત્રણ-ચાર મહિનાથી આ કૌભાંડ ચાલતું હોવાનું પુરવઠા વિભાગનું માનવું છે.
મોડી રાત્રી સુધી પુરવઠા વિભાગની કામગીરી ચાલુ હતી. આજે સવાર સુધી આ સંદર્ભે પોલીસ ફરિયાદ થઈ નથી. પરંતુ તપાસની કામગીરી પૂરી થયા પછી પોલીસ એફઆઈઆર પણ થશે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે.

કુલ રૂ .831532 નો મુદ્દામાલ કબજે: સુથાર
ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી એસ.એન.સુથારે જણાવ્યું હતું કે આ ઘટનામાં કુલ રૂપિયા 8,31,532 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રવાહી પેટ્રોલિયમ, ગેસ પુરવઠા અને વિતરણ નિયમ 2009, ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 અને 2004 ની જુદી જુદી કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. આ બનાવનો રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને મંગળવારે કલેકટર આવે ત્યારે તેની સમક્ષ રજૂ કરવામાં આવશે.

રાશન કાર્ડ પર કેરોસીન બંધ કરાતા આવા ગેસના મજૂરો મોટા ગ્રાહક
સ્મોક ફ્રી સ્ટેટ બનાવવાના અભરખાના ભાગરૂપે સરકારે રાશનકાર્ડ પર અપાતું કેરોસીન સાવ બંધ કરી દીધું છે. અન્ય રાજ્યોમાંથી રોજીરોટી માટે આવતા અને ફૂટપાથ પર અથવા તો બાંધકામ સાઈટ પર પડ્યા પાથયર્િ રહેતા મજૂરો માટે આ પ્રકારના ગેસ ખરીદવાનું અનિવાર્ય બની ગયું છે અને આવા મજૂરો મોટા ગ્રાહકો બની ગયા છે.

આઈઓસીના 26 અને ગો ગેસના 90 બાટલા કઈ એજન્સીએ ફાળવ્યા? તપાસનો મુખ્ય મુદ્દો
આ સમગ્ર ઘટનામાં કૌભાંડ જેટલી જ મહત્વની બાબત એ છે કે ડેલામાંથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના 26 અને ઓ ગેસના 92 સિલિન્ડર મળી આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં આ શખ્સને કઈ એજન્સીએ સિલિન્ડર ફાળવ્યા છે ?તે તપાસ પુરવઠા વિભાગ માટે ઘણી મહત્વની બની રહે છે. અમુક એજન્સીના સંચાલકો પણ આમાં ભાગીદાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે.

ભરેલા સિલેન્ડર ગેસ એજન્સીમાં અને ખાલી પુરવઠા નિગમના ગોડાઉનમાં રખાયા
ડેલામાંથી કુલ 502 ગેસ સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે. તેમાંથી ભરાયેલા ગેસ સિલિન્ડર દીપક ગેસ એજન્સીમાં રાખવામાં આવ્યા છે જ્યારે બાકીના ખાલી ગેસ સિલિન્ડર પુરવઠા નિગમના ગોડાઉનમાં રાખવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application