બાલાજી મંદિર વિવાદ : રાજકોટ જિલ્લા કલેકટરનું નિવેદન, "તપાસ કમિટીએ રિપોર્ટ સોંપી દીધો છે, હવે આગળની કાર્યવાહી કરશું"

  • May 18, 2023 03:01 PM 

કરણસિંહજી હાઇસ્કુલમાં આવેલા બાલાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને ફાળવાયેલી જમીન કરતા વધુ જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે બાંધકામ થઈ રહ્યું છે. તે અંગેનું પ્રકરણ હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ રાજ્યની વડી અદાલતે આ સમગ્ર પ્રકરણ બાબતે કલેક્ટર પાસેથી રિપોર્ટ માગ્યો છે.



હાઇકોર્ટની સૂચના મુજબ કલેકટર તંત્ર તરફથી છેલ્લા કેટલાક સમયથી ચાલતી તપાસની કાર્યવાહી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. કલેક્ટર તંત્રએ આ સંદર્ભે બંને પક્ષકારો પાસેથી લેખિતમાં જવાબ મેળવી લીધા છે અને હવે રિપોર્ટ તૈયાર થયા પછી તે હાઇકોર્ટમાં મોકલવામાં આવશે.



તપાસમાં શું ફલિત થાય છે? રિપોર્ટમાં શું દર્શાવવામાં આવ્યું છે? તે બાબતે કલેકટર તંત્રના સત્તાવાળાઓ મોં બંધ કરીને બેસી ગયા છે પરંતુ જે પક્ષકારોને સાંભળવામાં આવ્યા છે અને અલગ અલગ વિભાગોમાં આ સંદર્ભે કામગીરી થઈ રહી છે તે સંકલિત કરતા એક એવું તારણ ઊભું થઈ રહ્યું છે કે આ સમગ્ર પ્રકરણમાં 'અમારે કાંઈ લાગતું વળગતું નથી' તેવી મતલબનો રિપોર્ટ કલેક્ટર તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવે તો નવાઈ નહીં.



આ સમગ્ર પ્રકરણમાં કલેકટર તંત્ર ઉપરાંત મહાનગરપાલિકા, શિક્ષણ, પીડબ્લ્યુડી, ડીઆઇએલઆર, સીટી સર્વે સહિત અનેક વિભાગો સંકળાયેલા છે. અત્યાર સુધી અલગ અલગ ઓફિસોમાંથી જે માહિતી એકત્ર કરવામાં આવી છે તે પરથી એવું તારણ ઉપસી રહ્યું છે કે સીટી સર્વેમાં આ જમીનની માલિક શિક્ષણ વિભાગની હોવાનું પ્રોપર્ટી કાર્ડ બોલે છે. શિક્ષણ વિભાગે બાલાજી મંદિર ટ્રસ્ટને મંદિર માટે 54 ચોરસ મીટર જગ્યા ફાળવી છે. બાકીની જગ્યામાં જો દબાણ થયું હોય તો તે પરત્વે કાર્યવાહી કરવાની પ્રાથમિક જવાબદારી શિક્ષણ તંત્રની બની જાય છે. જો મંજૂરી વગર બાંધકામ થયું હોય તો તેનું ડિમોલિશન મહાનગરપાલિકાને કરવાનું હોય છે. અહીં મોટા પ્રમાણમાં વૃક્ષ છેદન થયું હોવાની ફરિયાદો ઉઠી છે તો તે બાબતે પણ મહાનગરપાલિકાની ગાર્ડન શાખાએ કાર્યવાહી કરવાની થાય છે.



આ પ્રકારના માહોલ પછી હાઇકોર્ટમાં જો તેવો જ રિપોર્ટ રજૂ કરવામાં આવે તો આગળની કાર્યવાહી માટે મહાનગરપાલિકા, શિક્ષણ વિભાગ, પીડબ્લ્યુડીને આદેશ મળશે કે કેમ ? તેવા સવાલો પૂછાઇ રહ્યા છે.



રિપોર્ટ ગોપનીય છે, પક્ષકારોને નોટિસ આપી સાંભળવામાં આવશે: કલેક્ટર

બાલાજી મંદિર પ્રકરણમાં તપાસ પૂર્ણતાના આરે છે અને રિપોર્ટ તૈયાર થઈ ગયો છે તો તે બાબતે તમારું શું કહેવું છે? તેવા સવાલના જવાબમાં કલેક્ટરે જણાવ્યું હતું કે રિપોર્ટ ગોપનીય છે. બંને પક્ષકારોને નોટિસ આપી દેવામાં આવી છે અને આગામી સપ્તાહે રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application