સહારામાં ફસાયેલા પૈસા પરત મેળવવા અમિત શાહે શરૂ કરી પોર્ટલ, 45 દિવસમાં હજારો રૂપિયા આવશે પરત

  • July 18, 2023 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારે સહારાના રોકાણકારોને ખાતરી આપી હતી કે તેમના નાણાં પાછા મળવાનું શરૂ થશે. આ માટે અમિત શાહે CRCS-સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું છે.જેના દ્વારા 45 દિવસમાં 10 હજાર રૂપિયા પરત આવશે.


સહારા ઈન્ડિયામાં રોકાણકારોને ફસાયેલા નાણાં ક્યારે પાછા મળશે, તે એક મોટો પ્રશ્ન બનીને ઉભરી આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે સહારાના રોકાણકારોને મોટી રાહત આપી છે. તેમણે રોકાણકારો માટે 10,000 રૂપિયા સુધીનું ત્વરિત રિફંડ મેળવવા માટે સહારા રિફંડ પોર્ટલ શરૂ કર્યું છે. શાહે CRCS-સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલની મદદથી સહારા ગ્રુપની કો-ઓપરેટિવમાં જમા કરાયેલા રોકાણકારોના કરોડો રૂપિયા 45 દિવસમાં પરત કરવામાં આવશે.


સહારાની સહકારી મંડળીઓમાં જે રોકાણકારોએ નાણાં રોક્યા હતા. તેમના નાણાં ઘણા વર્ષોથી ડૂબી ગયા હતા. પરંતુ અમિત શાહ દ્વારા સહારા રિફંડ પોર્ટલની શરૂઆત સાથે જ રિફંડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શરૂઆતમા, સહારાના રોકાણકારોને 10,000 રૂપિયા સુધીનું રિફંડ મળશે. સહારા રિફંડ પોર્ટલનું ઉદ્ઘાટન કરતા અમિત શાહે તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે આવા કિસ્સામાં થાપણદારોને તેમના પૈસા પાછા મળી રહ્યા છે. સહકારી મંત્રીએ થાપણદારોને ખાતરી આપી હતી કે હવે કોઈ તેમના નાણાં રોકી શકશે નહીં અને તેઓને પોર્ટલ પર નોંધણી કરાવ્યાના 45 દિવસમાં તેમના નાણાં પાછા મળી જશે.


સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સહારા-સેબીના રિફંડ ખાતામાંથી સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS)ને રૂ. 5,000 કરોડ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ સરકારે ચાર સહકારી મંડળીઓના 10 કરોડ રોકાણકારોના પૈસા 9 મહિનામાં પરત કરવામાં આવશે.


થાપણદારોને સહારા પોર્ટલ પર નોંધણી કર્યા પછી 10,000 રૂપિયા સુધીનું રિફંડ આપવામાં આવશે. અને જેમણે આનાથી વધુ રોકાણ કર્યું છે, તેમના રિફંડની રકમમાં વધારો કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે 5,000 કરોડ રૂપિયા માટે 1.7 કરોડ થાપણદારો તેમના પૈસા પાછા મેળવી શકશે.


સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિ., સહારાયન યુનિવર્સલ મલ્ટિપર્પઝ સોસાયટી લિ., હમારા ઇન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિ.માં આશરે 2.5 કરોડ લોકો પાસે 30,000 રૂપિયા સુધીની થાપણો છે.


અમિત શાહે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં થાપણદારોને રૂ. 5,000 કરોડ પરત કર્યા બાદ સરકાર વધુ ભંડોળ બહાર પાડવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. જેથી આવા રોકાણકારો કે જેમણે વધુ રકમ જમા કરાવી છે તેમને તેમના સમગ્ર નાણાં પરત કરી શકાય. અમિત શાહે કહ્યું કે પોર્ટલ પર ઓનલાઈન નોંધણી માટે સેવા કેન્દ્રો હશે જે થાપણદારોને મદદ કરશે.


રિફંડ કેવી રીતે મેળવવું?


સહારાના થાપણદારોએ તેમના રિફંડ મેળવવા માટે https://cooperation.gov.in પર ક્લિક કરીને સહારા રિફંડ પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.


રોકાણકારે સૌપ્રથમ સહારા રિફંડ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે.


IFCIની પેટાકંપનીએ આ સહકારી મંડળીઓમાં નાણાં જમા કરાવવાનો દાવો કરતા થાપણદારોની સાચી ઓળખ સુનિશ્ચિત કરવા માટે પોર્ટલ વિકસાવ્યું છે.


સહારા રિફંડ પોર્ટલ પર નોંધણી માટે અને રિફંડ પાછું મેળવવા માટે, રોકાણકાર પાસે મોબાઈલ ફોન નંબર અને આધાર હોવો આવશ્યક છે.


બેંક ખાતું હોવું પણ જરૂરી છે જે આધાર સાથે જોડાયેલું હોય.


આ બેંક એકાઉન્ટમાં વેરિફિકેશન કર્યા બાદ રોકાણકારોને પૈસા પરત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application