અલીગઢનું નામ પણ બદલાશે, બોર્ડની બેઠકમાં આ નવા નામ માટેના પ્રસ્તાવને મળી સંમતી

  • November 07, 2023 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૧ કલાક સુધી ચાલી કોર્પોરેશન બોર્ડની બેઠક, હવે યોગી સરકારને કરવામાં આવશે ભલામણ




ઉત્તર પ્રદેશના અલીગઢનું નામ બદલવામાં આવશે. અલીગઢ હવે હરિહરગઢ તરીકે ઓળખાશે. અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડે નવા નામના પ્રસ્તાવને મંજૂરી આપી છે. બોર્ડની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર સંજય પંડિતે અલીગઢનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રસ્તાવમાં તેમણે અલીગઢનું નામ બદલીને હરિહરગઢ કરવાની માંગ કરી હતી. સભામાં દરખાસ્ત આવતા જ વિપક્ષી કાઉન્સિલરોએ હોબાળો શરૂ કરી દીધો હતો. ભાજપના નામ બદલવાના એજન્ડાને લઈને ભારે હોબાળો થયો હતો. જોકે, ભાજપના કાઉન્સિલરોની બહુમતી ધરાવતા મ્યુનિસિપલ બોર્ડે દરખાસ્તને મંજૂરી આપી હતી. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ દ્વારા પસાર કરાયેલી દરખાસ્ત સરકારને મોકલવામાં આવશે. સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ અલીગઢ શહેર અને જિલ્લો નવા નામથી ઓળખાશે. હવે લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા અલીગઢનું નામ બદલવાનો પ્રસ્તાવ પસાર થવાને લઈને રાજકીય ચર્ચા પણ ગરમ થવાની ધારણા છે.


અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડની પ્રથમ બેઠક લગભગ ૧૧ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ભારે હોબાળો થયો હતો. મહાનગરપાલિકાની કામગીરીથી નારાજ કાઉન્સિલરોએ હોબાળો મચાવ્યો હતો. કાઉન્સિલરોના પ્રશ્નોના જવાબ અધિકારીઓ આપી શક્યા ન હતા. પાણી પુરવઠા, જાહેરાત, રોડ લાઇટ, આરોગ્ય, બાંધકામ અને બાગાયત વિભાગમાં ગેરરીતિઓ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડની પહેલી જ બેઠક દરમિયાન ભાજપના કાઉન્સિલર સંજય પંડિત દ્વારા અલીગઢનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ભાજપના કાઉન્સિલરોએ તુરંત જ આ પ્રસ્તાવને આવકાર્યો હતો. બેઠકમાં ભાજપના કાઉન્સિલરોએ દરખાસ્ત પર સહમતિ દર્શાવી હતી. આ પછી તેને પાસ કરવામાં આવ્યો હતો. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ તરફથી દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવશે. પૂરી સંભાવના છે યોગી આદિત્યનાથ સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવને લાગુ કરીને અલીગઢનું નામ બદલીને હરિહરગઢ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application