જામનગરમાં લાંબા બ્રેક બાદ શ્રાવણના પ્રથમ સોમવારે પધાર્યા મેઘરાજા

  • August 21, 2023 11:10 AM 

જામનગર સહિત સમગ્ર હાલારમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરુ થઇ ચૂકયો છે, સવારના છ વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરુ થયો છે, ખીમરાણા, ખીજડીયા, ધુંવાવમાં એક-એક ઇંચ અને જામનગર શહેરમાં સવારે ૬ થી ૯માં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે, ઓચીંતો વરસાદ આવવાના કારણે પ્રથમ સોમવારે મહાદેવના મંદિરે દર્શન કરવા જનારા શિવભકતો પલળી ગયા હતાં, કેટલાક ગામડાઓમાં આ લખાય છે ત્યારે ધીમી ધારે વરસાદ શરુ થયો છે. 


આજે સવારના ૬ વાગ્યાથી ગુલાબનગરથી ખીજડીયા સુધીની પટ્ટીમાં બે કલાક સુધી સતત વરસાદ ચાલું રહ્યો હતો જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી, ઉપરાંત હાઇવે ઉપર અંધારા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું, જામનગર શહેરની વાત લઇએ તો શહેરમાં સાડા છ વાગ્યા બાદ ધીમી ધારે ઝાપટા શરુ થયા હતાં અને ૯ વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. ધીમી ધારે વરસાદના કારણે રાજમાર્ગો પલળી ગયા હતાં અને સ્કુલે જનાર બાળકો અને ઓફીસે જનારા કર્મચારીઓ પણ વરસાદમાં પલળી ગયા હતાં. 


લાંબા સમય બાદ પ્રથમ સોમવારે મેઘરાજાએ ધીમી ધારે આગમન કર્યુ છે અને આજે જે રીતે ડોળ છે તે જોતા બે દિવસની આગાહી મુજબ ગામડાઓમાં પણ વરસાદ પડે તેવી પુરી શકયતા છે. કેટલાક ગામડાઓમાં આજ સવારે જોરદાર ઝાપટા પણ પડયા છે અને કયાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જો કે ૯ વાગ્યા સુધી કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમમાં ગામડાના વરસાદના કોઇ સમાચાર જાણવા મળ્યા નથી. 


કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, રાવલ, ભાટીયા, મીઠાપુર, ફલ્લા સહિતના વિસ્તારોમાં ઝાપટા પડયા છે અને સાંજ સુધીમાં વધુ વરસાદ પડે તેવી શકયતા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application