આયુષ્યમાન કાર્ડ ધારક પાસેથી સારવારના નાણા માગનાર હોસ્પિટલ સામે કાર્યવાહી કરાશે

  • July 14, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાર્ડ હોય તેમણે એક પણ પૈસો આપવાનો થતો નથી: કાર્ડ ન હોય તો પણ સારવારની ના ન પાડી શકાય:ડીડીઓ દેવ ચૌધરીની પત્રકાર પરિષદ




પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હોય તેમની પાસેથી કે તેમના પરિવારના સભ્યો પાસેથી સારવારના નામે નાણાં માગી શકાતા નથી. જે કોઈ હોસ્પિટલ આવું કરશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ પત્રકાર પરિષદમાં આપી છે.



થોડા સમય પહેલા એક હોસ્પિટલમાં બનેલી આ પ્રકારની ઘટના બાબતે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે આ સમગ્ર કિસ્સાની તપાસ કરી રહ્યા છીએ અને તે પૂરી થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.



પત્રકારોના સવાલના જવાબમાં દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે કાર્ડ ધારકને મફતમાં સારવાર મળે છે પરંતુ તેને હોસ્પિટલમાં લાવનાર વ્યક્તિને પણ ટ્રાન્સપોર્ટેશન પેટે રુ.300 મળે છે. આ યોજના અંતર્ગત કઈ હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ત્યાં કઈ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે તેની વિસ્તૃત માહિતી આ યોજનાની વેબસાઈટ પર છે.



જો કોઈ વ્યક્તિ પાસે આયુષ્યમાન કાર્ડ ન હોય પરંતુ આવું કાર્ડ મેળવવા માટેની પાત્રતા ધરાવતા હોય તો જે તે હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પરથી કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયા કરી દેવાની હોય છે. પરંતુ કાર્ડ નથી એવી વાત આગળ ધરીને સારવાર રોકી નહીં શકાય. લાભાર્થીને કોઈપણ પ્રકારના ફોન કરવામાં આવતા નથી. કાર્ડની ડિટેલ માગવામાં આવતી નથી કે ઓટીપી પણ મોકલાતા નથી તેથી સાયબર ફ્રોડથી પણ સાવધ રહેવું જોઈએ.


જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં 13 લાખ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે અને તે સમગ્ર રાજ્યમાં ત્રીજા સ્થાને છે. સૌથી વધુ કાર્ડ ધારક સાથે સુરત જિલ્લો પ્રથમ અને અમદાવાદ જિલ્લો બીજા ક્રમે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application