જેતપુરનાં બહુચર્ચિત વનરાજ ધાંધલની હત્યા કેસમાં નિખીલ દોંગા સહિત ૪નો નિર્દોષ છૂટકારો

  • May 16, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરનો બહુ ચર્ચિત નિખિલ દોંગાને સંડોવતા વનરાજ ધાંધલની હત્યાનો કેસ જેતપુરની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે હત્યામાં નિખિલ સહિત ચાર આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યાં હતાં. જ્યારે હત્યામાં સામેલ પાંચમો આરોપી હજુ ફરાર હોવાથી તેને આ ચુકાદાથી અલગ રાખ્યો હતો.


૧૧ નવેમ્બર ૨૦૧૩ના રોજ ગોંડલ શહેરની એક સોસાયટીના પાર્કિંગમાં રાખેલ એક કારમાંથી જેતપુરના વનરાજ ધાંધલની માથામાં ગોળી ધરબી હત્યા થયેલ લાશ મળી આવી હતી. જેમાં ગોંડલ પોલીસે નિખિલ દોંગા, મહેશ કોલડીયા, જીતેશ વૈષ્ણવ, ચિરાગ ધાનાણી અને નિકુંજ રૈયાણી સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હત્યા પીઠડિયા ટોલનાકા પાસે થઈ હોવાનું અને હત્યા બાદ ગોંડલ શહેરના હદ વિસ્તારમાં મોટર કારમાં લાશ મૂકી દીધાનું ખુલતાં, આ તપાસ વીરપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ હતી. 


તત્કાલીન સમયે હત્યાનો બનાવ સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ ચગ્યો હતો. હત્યાનો ભોગ બનનાર વનરાજ ધાંધલના હત્યારાઓને કડક સજા મળે તે માટે કાઠી સમાજ દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી. આ હત્યામાં પાંચેય આરોપી સમયાંતરે જામીન પર છુટેલ જેમાંથી નિકુંજ રૈયાણી કોર્ટની તારીખમાં પણ આવતો ન હોય તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. આ ચકચાર ભર્યા કેસ જેતપુરની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જ્જ આર.આર. ચૌધરીએ ૧૬૧ પેઈજનો ચુકાદો આપીને નિખિલ સહિત ચાર આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા હતાં. જ્યારે નિકુંજ રૈયાણીને ફરાર જાહેર કરી તેને આ ચુકાદામાંથી મુક્ત રાખી તે હાજર થયે તેના પર કેસ ચાલવાનો ચુકાદો આપ્યો હતો.અસંખ્ય કેસમાં જેલવાસ ભોગવતો નિખિલ દોંગાને હત્યા જેવા કેસમાં કોર્ટે નિર્દોષ છોડતા તેને આ ચુકાદાથી મોટી રાહત મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application