વિશ્વ પ્રવાસન દિવસઃ ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી અમદાવાદ, 2022માં 3.50 લાખથી વધુ વિદેશી સહેલાણીઓએ નિહાળ્યો અમદાવાદનો ભવ્ય વારસો

  • September 26, 2023 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામેલું અમદાવાદ શહેર ગુજરાત આવતા વિદેશી સહેલાણીઓની પ્રથમ પસંદગી બન્યું છે. વર્ષ-૨૦૨૨માં ૩.૬૩ લાખ સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો છે. એટલું જ નહીં, વર્ષ-૨૦૨૩માં માત્ર ૮ મહિનામાં જ ૩.૫૩ લાખ પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે.


અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા ૧ લાખને પાર પહોંચી છે, તો સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. કોરોનાના પગલે ઠપ્પ થયેલા પ્રવાસન ઉદ્યોગે બે વર્ષમાં મોટી હરણફાળ ભરી છે. આંકડાઓ મુજબ વર્ષ-૨૦૨૧માં માત્ર ૧૧,૩૧૯ વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા, જેમની સંખ્યા વર્ષ-૨૦૨૨માં ૧૭.૭૭ લાખને આંબી ગઈ હતી. બીજી તરફ વર્ષ-૨૦૨૩ના પ્રથમ ૮ મહીનામાં જ ૧૫.૪૦ લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લઈ ચુક્યા છે. એક અંદાજ મુજબ ડિસેમ્બર-૨૦૨૩ સુધી ગુજરાતની મુલાકાતે આવનાર વિદેશી પ્રવાસીઓનો આંકડો ૨૦ લાખ સુધી પહોંચી શકે છે.


નોંધનીય છે કે, વર્ષ-૨૦૨૨માં ભારત આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૮૫ લાખ ૯૦ હજારથી વધુ હતી, જેમાં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૧૭.૭૭ લાખથી વધુ હતી. એટલે કે, ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો ૨૦.૧૭ ટકા સાથે સૌધી વધુ રહ્યો છે.


મહત્વના સ્થળો તથા સુવિધાઓના પગલે પ્રવાસીઓમાં વધારો

સમગ્ર વિશ્વમાં ૨૭મી સપ્ટેમ્બરના રોજ જ્યારે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થવાની છે, ત્યારે ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન લગભગ ઠપ પડી ગયેલા પ્રવાસન ઉદ્યોગે વર્ષ ૨૦૨૨માં મોટી હરળફાળ ભરી છે. રાજ્યમાં વિદેશી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ પૌરાણિક, ઐતિહાસિક, હેરિટેજ તથા ધાર્મિક-આધ્યાત્મિક, પર્યાવરણીય અને સાહસિક પ્રવાસન સ્થળોમાં થઈ રહેલા વધારા તથા રાજ્ય સરકાર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાઓના પગલે વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ બનીને ઉપસી રહ્યું છે.


ચાલુ વર્ષે પણ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઉછાળો

રાજ્યમાં વિદેશી પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે. વર્ષ ૨૦૨૨માં ૧૨ મહીનામાં ૧૭.૭૭ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતાં કે જેની સરખામણીમાં વર્ષ ૨૦૨૩માં પ્રથમ આઠ મહીના એટલે કે ઑગસ્ટ-૨૦૨૩ સુધી જ આ આંકડો ૧૫.૪૦ લાખ પર પહોંચી ગયો છે. આના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે ડિસેમ્બર સુધી રાજ્યમાં વર્ષ ૨૦૨૩માં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૨૦ લાખ સુધી પહોંચી શકે છે.


રાજ્યના ટૉપ મોસ્ટ પ્રવાસન સ્થળોમાં અમદાવાદ મોખરે

રાજ્યમાં વિદેશી પ્રવાસીઓના મનપસંદ ટૉપ મોસ્ટ પ્રવાસન સ્થળોમાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ટોચના સ્થાને છે. ટીસીજીએલ તરફથી અપાયેલ આંકડા મુજબ વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધી (ઑગસ્ટ-૨૦૨૩) સુધી કુલ ૧૫.૪૦ લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતાં. જેમાં વિદેશી સહેલાણીઓનું હૉટ ફેવરિટ સ્થળ રહ્યું વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ. આ ઉપરાંત અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર તરફ પણ વિદેશી પ્રવાસીઓનો સારો એવો ઝોક રહ્યો.


અમદાવાદનું નજરાણું બન્યું સાબરમતી રિવરફ્રન્ટ

વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધી (ઑગસ્ટ ૨૦૨૩) ગુજરાત આવેલા કુલ ૧૫.૪૦ લાખ વિદેશી પ્રવાસીઓમાં સૌથી વધુ ૩ લાખ ૫૩ હજાર પ્રવાસીઓએ હેરિટેજ શહેર અમદાવાદની મુલાકાત લીધી છે, જ્યાં વર્ષ ૨૦૨૨ના ૩.૬૩ લાખ પ્રવાસીઓ આવ્યા હતાં. આ આંકડા પરથી અંદાજો લગાવી શકાય કે વર્ષ ૨૦૨૩માં ડિસેમ્બર સુધી અમદાવાદ આવનાર વિદેશી પ્રવાસીઓનો આંકડો ગત વર્ષના ૩.૬૩ લાખના આંકડાને આંબી જશે. 

તેવી જ રીતે વર્ષ સાબરમતી રિવરફ્રન્ટ પણ વિદેશી પ્રવાસીઓ માટે અમદાવાદનું નજરાણું બન્યુ છે, કારણ કે ગત વર્ષની સરખામણીમાં અહીં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ ૨૦૨૨માં ૬૭ હજાર વિદેશી પ્રવાસીઓએ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ ૨૦૨૩માં ઑગસ્ટ સુધી આ આંકડો ૧ લાખ ૭ હજાર ૯૬૯ ઉપર પહોંચી ગયો છે. એટલે કે સાબરમતી રિવરફ્રન્ટની વિદેશીઓમાં લોકપ્રિયતામાં બમણો વધારો થયો છે. 




યાત્રાધામો તથા સ્ટૅચ્યૂ ઑફ યુનિટ ખાતે પણ પહોંચ્યા પ્રવાસીઓ

રાજ્યના અન્ય મહત્વના પ્રવાસન સ્થળોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવા પ્રવાસન સ્થળો પણ વિદેશી સહેલાણીઓ માટે પસંદગીના સ્થળો બની રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application