રાજકોટ મહાનગરપાલિકાને મિલ્કતવેરાની આવકના રૂ.૪૧૦ કરોડના ટાર્ગેટ સામે ૪૧૨ કરોડની આવક થઇ છે જેમાં ત્રણેય ઝોનમાં સૌથી વધુ રૂ.૧૭૦ કરોડની વેરા આવક પશ્ચિમ રાજકોટમાંથી થઇ છે. જ્યારે વોર્ડવાઇઝમાં સૌથી વધુ રૂ.૪૮ કરોડની આવક વોર્ડ નં.૭માંથી થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.૭માં સોની બજાર, યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પ્રહલાદ સિનેમા રોડ, પ્રેમીલા રોડ, ભુપેન્દ્ર રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, ટાગોર રોડ સહિતના શહેરના મુખ્ય બજાર વિસ્તારો આવતા હોય આ આ વિસ્તારમાં કોમર્શિયલ પ્રોપર્ટી ની સંખ્યા સૌથી વધુ હોય અહીંથી મિલકત વેરાની સૌથી વધુ આવક થઈ છે.
રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન અને નાયબ કમિશ્નર સી.કે.નંદાણીના સતત સહાયક અભિગમ હેઠળ, વેરા વસુલાત શાખાના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની કર્મનિષ્ઠ કામગીરીથી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે મિલ્કત વેરાના રૂ.૪૧૦ કરોડના લક્ષ્યાંકની સામે તા.૩૧-૩-૨૦૨૫ના રોજ રાત્રે ૧૨ વાગ્યે પુરા થયેલા નાણાકીય વર્ષ દરમ્યાન કુલ રૂ.૪૧૨.૧૦ કરોડની વસૂલાત કરી હતી, જે આજ સુધીની ઓલટાઈમ હાઈ વસૂલાત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત શાખાની કામગીરીના માધ્યમથી મનપાની રાજકોષીય નીતિને વધુ સુદ્રઢ કરવાની સાથોસાથ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં અગ્રિમ હરોળ સ્થાન મેળવવા ભણી આગેકૂચ કરવામાં આવી છે.
વિશેષમાં મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ગત નાણાકિય વર્ષ કરતા ૧૨.૮૪ ટકાની વૃદ્ધિ સાથે ચાલુ નાણાકિય વર્ષમાં કુલ ૪૬.૮૮ કરોડ વધારાની આવક કરવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં કુલ ૪,૧૮,૮૨૯ મિલ્કતોનો વેરો ભરાયેલ છે. આમ ગત વર્ષ ૨૦૨૩-૨૪ ની સાપેક્ષમાં ૨૩,૩૬૯ વધુ મિલકતોમાં વેરાની વસુલાત થવા પામી છે. વેરા વસુલાતની કામગીરી દરમિયાન કુલ ૮,૨૦૪ મિલ્કતોને જપ્તી નોટિસ બજવણી કરવામાં આવેલ તથા કુલ ૧,૪૭૧ મિલકતો સિલિંગ કરેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ની રિકવરી ઝુંબેશ અંતર્ગત તા.૧-૪-૨૦૨૪ થી તા.૩૧-૩-૨૦૨૫ સુધી કુલ ૪,૧૮,૮૨૯ કરદાતાઓ પાસેથી કુલ આવક રૂ.૪૧૨.૧૦ કરોડની વસુલાત થયેલ છે. જેમાં રોકડથી થયેલ આવક રૂ.૧૦૫.૪૫ કરોડ, ચેકથી થયેલ આવક રૂ.૧૦૦.૭૪ કરોડ તથા ઓનલાઈનથી થયેલ આવક રૂ.૨૦૫.૯૧ કરોડ છે. કુલ કરદાતાઓ ૪,૧૮,૮૨૯ પૈકી ૨,૬૮,૦૭૪ કરદાતાઓ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવેલ અને ૧,૫૦,૭૫૫ કરદાતાઓ દ્વારા ઓફલાઇન પેમેન્ટ કરવામાં આવ્યુ હતું.
આ તકે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ટાર્ગેટ પ્લસ એચિવમેન્ટ બદલ ટેક્સ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, આસી.કમિશનર સમીર ધડુક, આસી. કમિશનર દિપેન ડોડિયા, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, એચ.જે.જાડેજા, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી અને ગૌરવ ઠક્કર સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
વ્યવસાય વેરામાં ટાર્ગેટ પ્લસ આવક
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે,અન્ય કર સેલ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૪-૨૫માં નિયત કરવામાં આવેલ વ્યવસાય વેરા વિભાગના રૂ.૩૨ કરોડના ટાર્ગેટ સામે રૂ.૩૨.૦૬ કરોડની વસુલાત થયેલ છે. જે ગત નાણાકિય વર્ષ ૨૦૨૩-૨૪ની રૂ.૨૮.૮૬ કરોડની આવક કરતા રૂ.૩.૨૦ કરોડ જેટલી વધુ છે.
થીયેટર ટેક્ષમાં પણ ટાર્ગેટ પ્લસ
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ ઉમેર્યું હતું કે, અન્ય કર સેલ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૪-૨૫ માં નિયત કરવામાં આવેલ થીયેટર ટેક્ષના રૂ.૧૦.૦૦ લાખના ટાર્ગેટ સામે રૂ.૧૧.૪૪ લાખની વસુલાત થયેલ છે. જે ગત નાણાકિય વર્ષ ૨૦૨૩-૨૪ ની રૂ.૮.૧૫ લાખની આવક કરતા રૂ.૩.૨૯ લાખ જેટલી વધુ છે.
વાહન વેરાનો ટાર્ગેટ અપૂર્ણ રહ્યો
અન્ય કર સેલ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૪-૨૫ માં નિયત કરવામાં આવેલ વાહન વેરાના રૂ.૨૮ કરોડના ટાર્ગેટ સામે રૂ.૨૬.૯૨ કરોડની વસુલાત થયેલ છે. જે ગત નાણાકિય વર્ષ ૨૦૨૩-૨૪માં આ આવક રૂ.૩૦.૧૯ કરોડ થયેલ. વર્ષ ૨૦૨૪-૨૫ માં કુલ ૪૯,૦૮૯ વાહનોની નોંધણી થઇ હતી અને વર્ષ ૨૦૨૩-૨૪ માં ૪૭,૭૩૬ વાહનોની નોંધણી થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech