શું ઓડિશા ટ્રેન દુર્ઘટના માનવીય ભૂલને કારણે સર્જાઈ હતી? રેલવેના રિપોર્ટમાં થયો મહત્વનો ખુલાસો

  • July 03, 2023 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના એક મહિના બાદ કમિશનર ઑફ રેલવે સેફ્ટી એ અકસ્માત માટે માનવીય ભૂલને જવાબદાર ગણાવી છે. આ સાથે CRSએ કોઈપણ પ્રકારની તોડફોડ કે ટેકનિકલ ખામી હોવાની વાતને ફગાવી દીધી છે. આ અકસ્માતમાં 293 લોકોના મોત થયા હતા જ્યારે 1,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા.



ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન પહેલાથી જ આ દુર્ઘટનામાં ગુનાઈત ષડયંત્રની કોઈ શક્યતાની તપાસ કરી રહી છે. જાણકારોના મતે તપાસમાં કેટલાક અધિકારીઓની બેદરકારી સામે આવી છે. અધિકારીઓએ નિરીક્ષણ દરમિયાન પૂરતી સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કર્યું ન હતું. ખાસ કરીને ત્રણ વર્ષ પહેલાં જ્યારે સુરક્ષાની ચિંતાઓને કારણે ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓએ યોગ્ય પરીક્ષણ કર્યું ન હતું.



અધિકારીઓએ કહ્યું છે કે માત્ર સિગ્નલિંગ વિભાગના લોકોએ જ સલામતી ધોરણોની અવગણના કરી ન  હતી પરંતુ અન્ય લોકોએ પણ તેના પર ધ્યાન આપ્યું નહોતું. રેલ્વે મંત્રાલય આ અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે. એક અધિકારીએ જણાવ્યું કે પહેલા કેન્દ્રીય ટીમ ભૂલને પકડવામાં નિષ્ફળ રહી અને બાદમાં વાર્ષિક તપાસમાં પણ તેને પકડી શકાઈ નહીં. તેથી એક વ્યક્તિની ભૂલનું પરિણામ નથી, ઓછામાં ઓછા 5 લોકોએ ભૂલ કરી છે.



અધિકારીએ કહ્યું કે રેલ્વે સીબીઆઈ તપાસમાં કોઈ દખલ ન થાય તેની ખાતરી કરવા માટે સીઆરએસ રિપોર્ટને સાર્વજનિક નહીં કરે. CRS રિપોર્ટના તારણો અને ત્યારબાદ CBI રિપોર્ટ ભારતીય રેલવેને તેની સુરક્ષા પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રેલ્વે સ્ટીલ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ ટેકનોલોજી અને સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાતી રેલ્વે સુરક્ષા પ્રણાલીઓ પર વિચાર કરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application