જામનગરના સુપ્રસિદ્ધ પદ્મ ભૂષણ ક્રિકેટર વિનુ માંકડની આજે ૧૦૬મી જન્મજયંતિ

  • April 12, 2023 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેસ્ટ મેચ ઓપનીગમાં તેમનો પંકજ રોય સાથેનો રેકોર્ડ ૫૨ વર્ષ સુધી રહ્યો હતો અણનમ

જ્યારે વિનુ માંકડનું નામ લેવામાં આવે, ત્યારે ક્રિકેટ રસિકોને રન આઉટ કરવાની પ્રખ્યાત પધ્ધતિ માંકડિંગ’ અચૂક યાદ આવી જાય ૧૯૪૭-૪૮ ના ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન બીજી ટેસ્ટમાં જ્યારે વિનુભાઈએ બોલ ફેકતાં પહેલાં ક્રીઝ છોડી દેતા બિલ બ્રાઉનને એક વાર ચેતવ્યા છતાં તેમણે એ હરકત ચાલુ રાખી ત્યારે વિનુભાઈએ ક્રીઝ છોડી દેનારા બિલ બ્રાઉનને રન આઉટ કર્યો હતો. નિયમ મુજબ એ યોગ્ય જ હતું એમ ખુદ બ્રેડમેનએ કહ્યા છતાં મીડિયા એ આ રીતને આઉટ બાય માકડિંગ તરીકે વર્ણવ્યું અને લગભગ ૭૦ વર્ષ સુધી ચર્ચા- વિવાદનો વિષય રહ્યું હતું.
ગુરૂવાર ૧૨મી એપ્રિલ, ૧૯૧૭એ જામનગરના નાગર કુટુંબમાં જન્મેલા મૂળવંતરાય હિંમતલાલ માંકડ પશ્ચિમ ભારતની લગભગ તમામ રાજયોની રણજી ટ્રોફી ટીમો તરફથી  રણજી ટ્રોફી રમી ચૂકેલા ભારતીય ક્રિકેટ ટીમના ૧૯૫૦ના દાયકાના પ્રસિધ્ધ ઓલરાઉન્ડર હતા . ૧૯૪૬ થી ૧૯૫૯ સુધી તેઓ ટીમ ઈન્ડિયાના નિર્ણાયક ખેલાડી રહ્યા.
ઓપનિંગમાં પંકજ રોય સાથે ૪૧૩ રનનો તેમનો રેકોર્ડ ૫૨ વર્ષ સુધી અતૂટ રહ્યો હતો. ભારતીય ક્રિકેટર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં ૨૩૧ રનનો સ્કોર રેકોર્ડ ૧૯૮૩માં સુનીલ ગાવસ્કરે તોડ્યો ત્યાં સુધી મહત્તમ રનનો રેકોર્ડ હતો.
એક જ ટેસ્ટમાં ૫ વિકેટ લેનાર અને સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય ક્રિકેટર હતા.ભારત સરકારે તેમને ૧૯૭૩માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા અને મુંબઇના એક માર્ગનું નામ પણ તેમના નામ પર રાખવામાં આવ્યું છે. સોમવાર ૨૧ ઓગસ્ટ ,૧૯૭૮એ  મુંબઈ ખાતે અવસાન પામનાર નગરના આ સપૂતના જન્મદિવસે સ્મરણાંજલિ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application