કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ AIIMSની મુલાકાતે : 64 ટકા કામ પૂર્ણ

  • June 11, 2023 07:27 PM 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રાજકોટ ખાતેની એઇમ્સ હોસ્પિટલની કામગીરીની સમીક્ષાર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવીયા રાજકોટ એઇમ્સની મુલાકાતે પધાર્યા હતાં. આ તકે મંત્રી સમક્ષ એઈમ્સની પ્રવર્તમાન સ્થિતિનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ચિત્ર રજુ કરાયું હતું. માંડવીયાએ આ તકે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક રાજ્યમાં ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ હોઈ તેઓના વડાપ્રધાન બન્યા બાદ ૨૦૧૪ થી નવી ૧૬ એઈમ્સને મજૂરી આપવામાં આવી છે. જે તમામ હાલ નિર્માણાધીન છે. 


રાજકોટની એઇમ્સમાં હાલ ઓ.પી.ડી. કાર્યરત છે. શિક્ષણ કાર્યની સાથોસાથ નિર્માણાધીન હોસ્પીટલમાં ઓગસ્ટ માસમાં ૧૫૦ બેડ અને સપ્ટેમ્બર માસમાં ૨૫૦ બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે, ત્યારે ગુજરાતના લોકોને સારવાર માટે અન્ય રાજ્યમાં જવું નહીં પડે તેમ મંત્રીએ  જણાવ્યું  હતું.


સમગ્ર ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટ ખાતે નિર્માણ થઈ રહી છે, ત્યારે હોસ્પીટલની કામગીરી નિયત સમયમાં કોઈપણ કચાશ વગર પૂર્ણ થાય તે જોવા કેન્દ્રીય મંત્રીશ્રી માંડવીયાએ આ તકે કાર્યરત એજન્સીઓ તેમજ એઇમ્સના જવાબદાર અધિકારીઓને તાકીદ કરી હતી.


આ તકે મંત્રીએ વિવિધ બ્લોકની કામગીરી નિહાળી  હતી. મંત્રી માંડવીયાએ હોસ્પિટલને ગ્રીન ઝોન બનાવવા માટે વિદ્યાર્થીઓ, સ્ટાફ સહિત તમામ લોકો દ્વારા એક વૃક્ષ ઉછેરવા સૂચન કર્યું હતું.


રાજકોટ એઇમ્સ ખાતેના ડેપ્યુટી ડિરેક્ટર  પુનિત અરોરાએ પ્રેઝન્ટેશન આપી જણાવ્યું હતું કે, હાલ હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. બિલ્ડીંગ, જન ઔષધી કેન્દ્ર, અમૃત ફાર્મસી, કેન્ટીન, એ.ટી.એમ. આયુષ બ્લોક પૂર્ણતઃ કાર્યરત છે. જ્યારે એકેડેમી બ્લોક, ઇન્ડોર હોસ્પિટલની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે ગેસ્ટ રૂમ, ડિરેક્ટર બંગલો, હાઉસિંગ બ્લોક ટાઈપ 3 વગેરે પૂર્ણ થઈ ચૂક્યા છે. નર્સિંગ હોસ્ટેલની કામગીરી પ્રગતિ હેઠળ છે. ચીલર પ્લાન્ટ સ્થપાઈ ચુક્યો છે. જેમાંથી હોસ્પિટલ, એકેડેમી બ્લોક સેન્ટ્રલી એ.સી. કરાશે. ૬૬ કે.વી. નું ટ્રાન્સફોર્મર મુકાઈ ચૂક્યું છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 

હાલ હોસ્પિટલ ખાતે છ ઈ-રીક્ષાઓ પણ કાર્યરત છે. ટેલી મેડિસિન કામગીરી હેઠળ રોજના ૧૪૦ જેટલા મેડિસિનના કોલ અટેન્ડ કરવામાં આવે છે. જ્યારે ફિઝિકલી પ્રતિ માસ ૫૦૦૦ જેટલા ઓ.પી.ડી.
કેસ હેન્ડલ કરવામાં આવે છે. હાલ એઇમ્સ ખાતે ૧૫૦ જેટલા સ્ટુડન્ટ શિક્ષણ મેળવી રહ્યા છે જેમાંથી ૧૪૨ સ્ટુડન્ટ હોસ્ટેલ ખાતે રહે છે તેમ માહિતી આપતા અરોરાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application