ફરજ પર હોવા છતાં ફાર્માસિસ્ટોનો પગાર રોકવાનો અન્યાયી નિર્ણય

  • September 26, 2023 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફાર્માસિસ્ટો દ્વારા વિરોધ


દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટોએ 2011 થી સોંપવામાં આવેલી વધારાની વેક્સિન કોલ્ડ ચેઇન હેન્ડલર તરીકેની કામગીરીનું ઈન્સેન્ટીવ રૂ. 10,000 ચૂકવવા સરકારમાં રજુઆત કરીને ક્રમશઃ વેક્સિનની વધારાની કામગીરીનો રાજ્ય એસોસિએશનના નેજા હેઠળ રાજ્ય વ્યાપી બહિષ્કારનું એલાન જાહેર કર્યું છે.


કોવીડ પરિસ્થિતિમાં વેક્સિનેશનના પ્રારંભે આ માટેની કામગીરીનું ભારણ એટલું ન હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં અનેક ફ્રી વેક્સિન બાળકને મળી રહે તે માટે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમા ઉમેર્યો છે. જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ દ્વારા અંદાજીત એક કરોડથી પણ વધુની કિંમતની વેક્સિનનું મેનેજમેન્ટ વર્ષ દરમ્યાન કરવામાં આવે છે.


જે ફાર્માસિસ્ટની વિવિધ રૂટિન કામગીરી ઉપરાંત ઓનલાઇન એન્ટ્રી દ્વારા પણ બધું મેનેજ કરવું, ફિલ્ડમાં જરૂરી દવા સપ્લાય કરવી વિગેરે કરતા પણ વધી જતી હોય, ફાર્માસિસ્ટો દ્વારા ઇન્સેન્ટિવની માંગણી કરવામાં આવી છે. તે અન્વયે ગાંધીનગરથી નિયામક દ્વારા ફક્ત વેકસીનની કામગીરી નહીં કરનારા ફાર્માસિસ્ટો સામે "નો-વર્ક નો-પે" (No-Work , No- Pay) મુજબ કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય અધિકારીઓને લેખિત આદેશ આપવામાં આવ્યા છે. જેના કારણે અગામી દિવસોમાં આ મામલે વધુ ઉગ્ર બનવાની સંભાવના જોવા મળી રહી છે.


છેલ્લા બે મહિનાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટોની વર્ષો જૂની પડતર માંગણીઓ ન સંતોષાતા આંદોલન પર ઉતર્યા છે. જે બહિષ્કારમાં સમગ્ર ગુજરાતના અંદાજિત 1400 ફાર્માસિસ્ટ અને દ્વારકા જિલ્લાના 18 થી વધુ ફાર્માસિસ્ટોએ પણ એસોસિએશનના સમર્થનમાં વેક્સિનની કામગીરી બંધ કરતા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ઓનલાઈન ઓફલાઈન કામગીરી ખોરંભે પડી છે.


તારીખ 30-9-2023 સુધી કામગીરી પૂર્ણ ન થાય તો ફાર્માસિસ્ટો સામે નો-વર્ક, નો-પે ના સિદ્ધાંત મુજબ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે . કર્મચારીઓ પાસે વધારાની કામગીરી કરાવવા છતાં માસિક ભથ્થુ આપવામાં આવતું નથી અને રૂટીન કામ ચાલુ જ હોવા છતાં કર્મચારીઓને આ પત્રથી પગાર રોકવાનો આદેશ કરતા કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application