હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લામાં બે લાખ જેટલા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે: કલેકટર

  • August 10, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લાના સૌ નાગરિકોને મેરી માટી મેરા દેશ તથા હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થવા જિલ્લા કલેક્ટરની  અપીલ

કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ.શાહે મેરી માટે મેરા દેશ તથા હર ઘર તિરંગા અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સમગ્ર કાર્યક્રમ વિશેની ઝીણવટ ભરી માહિતી આપી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે વડાપ્રધાનના આહવાનને  અનુલક્ષીને આગામી સ્વાતંત્ર્ય પર્વના રાષ્ટ્રીય પર્વ અંતર્ગત મેરી માટી મેરા દેશ તથા ઘર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવનાર છે.
જેમાં મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત ગામ દીઠ પાંચ ભાગમાં વિવિધ કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે.જેમાં શીલાફલકમ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદના, વિરોને વંદન તથા ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન સહિતના આયોજનો હાથ ધરવામાં આવનાર છે.
જામનગર જિલ્લામાં પણ તા. ૯ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોમાં ઉપરોક્ત કાર્યક્રમો યોજાશે. સાથોસાથ ગામોમાં આવેલ શાળાઓ ખાતે પણ રાષ્ટ્રભક્તિની થીમ પર નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમમાં યોજાશે.તા.૧૭ ઓગસ્ટના રોજ દરેક ગ્રામ પંચાયતમાંથી એકત્ર કરેલ માટી તાલુકા ખાતે લાવવામાં આવશે અને ઉપર મુજબના કાર્યક્રમો તાલુકા સ્તરે યોજાશે.
હર ઘર તિરંગા કાર્યક્રમનું પણ સમગ્ર જિલ્લામાં આયોજન થનાર છે જેના મુખ્ય કાર્યક્રમનું જામનગર મહાનગરપાલિકા ખાતે આયોજન થશે જેમાં દરેક ઘર, સરકારી ઇમારતો વગેરે પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે તેમ જણાવી જામનગર જિલ્લાના નાગરિકોને ઉપરોક્ત બંને કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભગી થઈ રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવવા કલેક્ટરે આહવાન કર્યું હતું.
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેરમાં ૧.૨૫ લાખ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે.જ્યારે તાલુકા તથા ગ્રામ પંચાયતોમાં ૪૭,૫૦૦ તથા નગરપાલિકા વિસ્તાર માટે નગરપાલિકા દીઠ ૫,૦૦૦ મળી અંદાજિત બે લાખ જેટલા રાષ્ટ્રધ્વજનું સમગ્ર જિલ્લામાં ૨૫ રૂપિયાના નજીવા દરે વિતરણ કરવામાં આવશે તેમ કલેક્ટરે ઉમેર્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળના મુખ્ય કારોબારી અધિકારી જીજ્ઞાસા ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંગત મંડોત, નાયબ મ્યુનિસિપલ કમિશનર ભાવેશ જાની સહિત પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application