અમેરિકાના ભારત ખાતેના રાજદૂત ઍરિક ગાર્સેટીએ રાજભવનમાં રાજ્યપાલ સાથે કરી મુલાકાત

  • May 15, 2023 09:29 PM 

અમેરિકાના ભારત ખાતેના રાજદૂત શ્રી ઍરિક ગાર્સેટીએ આજે ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી. બંને મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ, શિક્ષણ, મહિલા વિકાસ અને વ્યાપાર વિષયે વિસ્તૃત વાતચીત કરી હતી.


રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતીય મૂલ્યોના જતનથી સમૃદ્ધ એવી ગુજરાતની ભૂમિ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગૃહરાજ્યમાં અમેરિકન રાજદૂતને આવકારતાં કહ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની વિપુલ સંભાવનાઓ છે.


રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના પુસ્તક 'પ્રાકૃતિક ખેતી'ના અંગ્રેજી અનુવાદ 'નેચરલ ફાર્મિંગ' પુસ્તકની નકલ શ્રી ઍરિક ગાર્સેટીને ભેટ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગ્લોબલ વૉર્મિંગ માટે ૨૪% જવાબદાર ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો છે. જો પાણી, ધરતી અને પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવા હશે તો વિશ્વ કક્ષાએ પ્રાકૃતિક કૃષિ અપનાવવી જ પડશે. તેમણે આ માટેના પ્રયત્નોમાં સહભાગી થવા અમેરિકન રાજદૂતને અનુરોધ કર્યો હતો. ભારતમાં ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોની અમેરિકા આયાત કરે એવું પણ તેમણે સૂચન કર્યું હતું.


અમેરિકાના રાજદૂત શ્રી ઍરિક ગાર્સેટી પણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક કૃષિ માટેની પ્રતિબધ્ધતાથી પ્રભાવિત થયા હતા. તેઓ ગિફ્ટ સિટીની મુલાકાતથી પણ અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે ગુજરાતમાં મૂડીરોકાણની સંભાવનાઓ અને શિક્ષણ ક્ષેત્રે જોડાણની સંભાવનાઓ વિશે પણ વિસ્તૃત વાત કરી હતી. આ મુલાકાત વેળાએ મુંબઈ ખાતેના અમેરિકન કોન્સ્યુલેટ જનરલ માઈક હૅન્કી અને ઇકોનોમિક ઓફિસર શ્રી એન્ડ્રુ કરુસો પણ ઉપસ્થિત રહ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application