ઉનામાં ચકચારી ઘટના, બે શખસે નશામાં મહિલાને ઉપરાછાપરી છરીના 8 ઘા ઝીંક્યા, દીકરી આઘાતમાં

  • December 30, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના તાલુકાના કોબ ગામે મહિલાના ઘરમાં ઘૂસીને બે શખસે દારૂના નશામાં છરીના આઠ ઘા માર્યાની ચકચારી ઘટના સામે આવી છે. મહિલા અને તેમની પુત્રી દીવથી ઘરે પરત ફરી રહ્યાં હતાં, તે દરમિયાન રસ્તામાં આ બન્ને આરોપી બીભત્સ શબ્દો બોલતા મહિલા સાથે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી ઉશ્કેરાઈને બન્ને આરોપીઓ મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને મહિલાની દીકરીની નજર સામે જ હાથાપાઈ કરી હતી. જેમાં એક શખસે છરી કાઢી મહિલાને આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલાથી મહિલા લોહીલુહાણ થઈ જતાં 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. માતા પર થયેલો જીવલેણ હુમલો જોઇ દીકરી આઘાતમાં સરી પડી છે.


બન્ને શખસ દીવથી આવી મહિલાના ઘરમાં ધૂસી ગયા
બંને આરોપી દીવ જઈ દારૂ પીને આવી લસુબેન અને તેમની દીકરી ઘરે એકલાં હતાં તે દરમિયાન અચાનક ઘરમાં ઘૂસી જઈ ઝપાઝપી કરી હતી. જ્યાં એક યુવકે મહિલાને દબોચી રાખી હતી અને બીજાએ પેન્ટના નેફામાંથી છરી કાઢીને આડેધડ પીઠ, ચહેરા અને માથાના ભાગે 8 જેટલા ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના સમયે ઘરમાં રહેલી દીકરીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવતા બન્ને ફરાર થઈ હતા. આ હુમલાથી લોહીલુહાણ થયેલાં લસુબેન ઘરમાંથી ધીમેધીમે બહાર આવ્યા બાદ ઢળી પડ્યાં હતાં. આ હુમલાની સમગ્ર ઘટના લસુબેનની દીકરીએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.




દીકરીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા
હાજર લોકોએ 108ને જાણ કરતાં લોહીલુહાણ હાલતમાં પડેલી મહિલાને તાત્કાલિક ઉનાની ખાનગી સંસ્થાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ નવાબંદર મરીન પોલીસને થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.


ઉપરાછાપરી આડેધડ છરીના ઘા મારવા લાગ્યા
આ બાબતે મહિલાની પુત્રીના જણાવ્યા અનુસાર, ગત રોજ(29 ડિસેમ્બર) સાંજે 4 વાગ્યાના સમય દરમિયાન તે અને તેની માતા લછુબેન રમેશભાઈ બાંભણિયા દીવથી આવતાં હતાં. આ સમયે કોબ ગામનાં બે શખસ તેઓનો પીછો કરીને અપશબ્દો બોલતા હતા અને ઘરે પહોંચતા આ બન્ને યુવાનો ખુલ્લી છરી સાથે લછુબેન રમેશભાઈ બાંભણિયાના ઘરમાં ધૂસીને મહિલાને પકડી ઉપરાછાપરી આડેધડ છરીના ઘા મારવા લાગ્યા હતા.




અગાઉ ફરિયાદ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી
વધુમાં મહિલાની દીકરીએ ઉમેર્યું કે, બન્ને યુવક સાથે ઘણા સમયથી મનદુઃખ ચાલતું હોવાથી આ પહેલાં પણ તેની માતા પર હુમલો કરી લોખંડનાં સળિયા મારી ઈજા કરી હતી. તે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી નહીં થતી હોવાના કારણે આ બન્ને યુવાનો હેરાનગતિ કરીને જીવલેણ હુમલા વારંવાર કરતાં હતા. તથા બન્ને આરોપી દારૂના નશામાં ઘર સુઘી પહોંચી જતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application