સાધના કોલોનીમાં જે બિલ્ડીંગ ઘસી પડ્યું તે બિલ્ડીંગમાં બે પરિવાર રહેતા હતાં

  • June 24, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એમ-૬૯ નંબરના બિલ્ડીંગમાં ત્રણ માળ સાથેનો હિસ્સો ધરાસાઈ થયો હતો. જેમાં હાલ બે પરિવાર વસવાટ કરતા હતા: રામ રાખે તેને કોણ ચાખે’ દુર્ઘટનામાં એક પરિવારના ત્રણ સભ્યો મૃત્યુ પામ્યા, તેમના ઘરમાંથી સાત પક્ષી જીવિત મળ્યા

જામનગર ના સાધના કોલોની વિસ્તારમાં એમ.૬૯ નંબરના બિલ્ડીંગનો અડધો હિસ્સો ધરાસાઈ થઈ ગયો હતો, જે દુર્ઘટનામાં એક પરિવારની ત્રણ વ્યક્તિ કાળ નો કોળીયો બની ગઈ હતી, પરંતુ ’રામ રાખે તેને કોણ ચાખે’ એ વાક્ય અહીં ખરું સાબિત થયું છે.
સાદીયા પરિવાર કે જે ફ્લેટમાં વસવાટ કરતો હતો, અને ત્રણ વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે, તે પરિવારના ઘરમાંથી પક્ષીના બે પિંજરા સહી સલામત રીતે મળી આવ્યા છે. જેમાં પાંચ બજરીગર અને બે કબૂતર ને રાખવામાં આવ્યા હતા, અને મૃતકોનો પરિવાર તેની સારસંભાળ  કરતો હતો.
ઉપરોક્ત ધસી પડેલા બિલ્ડીંગ નો કાટમાળ ખસેડતી વખતે ફાયર વિભાગ ની ટીમને તેમાંથી પક્ષીના બે પીંજરા મળી આવ્યા હતા, અને બહાર કાઢ્યા હતા.
 જેમાં રહેલા તમામ સાત પક્ષીઓ જીવીત અવસ્થામાં મળ્યા હતા. સાધના કોલોની વિસ્તારના પાડોશીઓએ બન્ને પક્ષી સાથેના પિંજરા ને પોતાના ઘરમાં રાખ્યા હતા, અને પક્ષીઓને મોડી સાંજે ખાવા પીવાની વ્યવસ્થાપન કરી હતી, અને તેને જરૂરી ખોરાક આપ્યો હતો.
**
જે બિલ્ડીંગ ધરાશાયી થયું તેના ગ્રાઉન્ડ ફ્લોરના ભાડુઆત દ્વારા ૨૪ કલાક પહેલાંજ નુકસાનીનો વિડીયો બનાવ્યો
જે બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક વેપારીએ જગ્યા ભાડે રાખી હતી, અને ગઈકાલે ગ્રાઉન્ડ ફ્લોરમાં મકાનનો હિસ્સો ધીરે ધીરે પડી રહ્યો છે, તેવા સંકેત મળતાં પોતાના ફ્લેટની અંદરની તૂટેલી જર્જરિત દિવાલો અને ઊખડી રહેલું પ્લાસ્ટર વગેરેનો પોતે વિડીયો બનાવ્યો હતો. ઉપરાંત બપોર સુધીમાં તેમણે તેમાંથી પોતાનો માલ સામાન પણ સહી સલામત રીતે ફેરવી નાખ્યો હતો. ત્યારબાદ સાંજે દુર્ઘટના સર્જાઇ હતી.
 જામનગરના સાધના કોલોની બ્લોક નંબર એમ ૬૯ કે જે બિલ્ડીંગ માં શુક્રવારે દુર્ઘટના સર્જાઈ હતી, તે બિલ્ડીંગમાં બે ત્રણ દિવસથી નીચેનો ભાગ ધીમે ધીમે ધસી રહ્યો હોવાના સંકેતો સ્થાનિક રહેવાસીઓને મળ્યા હતા. અકસ્માત ગ્રસ્ત બિલ્ડીંગ કે જેના ગ્રાઉન્ડ ફ્લોરનો એક ફ્લેટ જામનગરના એક વેપારી દ્વારા ભાડેથી રખાયો હતો, અને પોતે ફ્રીજ, એ.સી. વગેરે રીપેરીંગ નું કામકાજ કરે છે, અને તેઓએ ગઈકાલે સાંજે પોતાના ફ્લેટમાં દિવાલનો હિસ્સો ધીમે ધીમે ખરી રહ્યો હતો, તેમજ દીવાલમાં અનેક તિરાડો પડવા લાગી હતી, જેનો પોતે વિડિયો બનાવી લીધો હતો, અને મકાન માલિક અથવા વહીવટી તંત્રને બતાવવા માટેના પ્રયાસો કર્યા હતા.
 એટલું જ માત્ર નહીં દુર્ઘટના સર્જાય તેનાથી ત્રણ કલાક પહેલાં જ તેણે ફ્લેટની અંદરથી પોતાનો માલ સામાન બહાર કાઢી લીધો હતો, અને અન્યત્ર ફેરવી લીધો હતો. જેથી કોઈ વ્યક્તિ અંદર હાજર ન હતી, અથવા તો તેનો માલ સામાન પણ બહાર નીકળી ગયો હતો. પરંતુ તેણે બનાવેલો વિડિયો આજે શહેર ભર માં વાયરલ થઈ રહ્યો છે.  તંત્ર દ્વારા આ બિલ્ડીંગ મામલે ગંભીરતા કોઈને ફલેટ ખાલી કરાવી લીધા હોત તો કદાચ જાનહાની પણ નિવારી શકાઇ હોત. આગમ ચેતી ના ભાગરૂપે અન્ય ફ્લેટ ધારકો બહાર નીકળી ગયા હોવાથી તેઓનો બચાવ થયો છે.
**
સાંસદ, મેયર, ધારાસભ્ય, કોર્પોરેટરો સહિતના સ્થળ પર ખડેપગે રહ્યા
સાધના કોલોની વિસ્તારમાં સાંજના સમયે બિલ્ડીંગ પડી જવાની દુર્ઘટના સર્જાયા પછી જામનગરના રાજકીય અગ્રણીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કામગીરીમાં પૂરતી મદદ કરી હતી. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, ઉપરાંત સ્થાનિક વિસ્તારના કોર્પોરેટરો, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, અલ્તાફ ખફી, આનંદ રાઠોડ, કોર્પોરેટર પાર્થ કોટડીયા, વિનોદ ખીમસુરીયા, ગોપાલ સોરઠીયા, ફાયરના વડા કે.કે. બિશ્નોઇ, સી.એસ. પાંડયન, ફાયર અધિકારી રાણા અન્ય આગેવાનો શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલ કગથરા, ભાજપની અન્ય ટીમ વગેરે સ્થળ પર હાજર રહ્યા હતા, અને રેસ્ક્યુ કામગીરી કામગીરીમાં મદદ કરી હતી.
**
મ્યુનિ. કમિશનર, એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો: વિસ્તારને કોર્ડન કર્યો
એક બિલ્ડિંગ ધરાસાયી થયા પછી સમગ્ર વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ પરિસ્થિતિને ધ્યાને લઈને કમિશનર ડી.એન. મોદી  પહોંચી ગયા હતા જેમની સાથે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તથા મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ તેમજ એસ્ટેટ શાખાનો સમગ્ર સ્ટાફ પહોંચી ગયો હતો સાથો સાથ ફાયર બ્રિગેડની મોટી ટીમ પણ હાજર રહી હતી. જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી ડી.ડી.શાહ અને તેમની ટીમ, શહેર વિભાગના મામલતદાર તથા તેમની ટીમ પણ ઘટના પહોંચી ગઈ હતી. જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને જામનગરના ત્રણેય પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સીટી-એના ચાવડા, સીટી-બીના પીઆઇ ઝાલા, સીટી-સી પીઆઇ વાઘેલા અને સમગ્ર સ્ટાફ ઉપરાંત એલસીબી અને એસઓજી શાખાની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી હતી, અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ઉપરાંત વધુ જાનહાની ના થાય તેની સંપૂર્ણપણે તકેદારી રાખી હતી.
**
આપાતકાલીન સ્થિતિમાં સાંસદે  માઇકથી મોરચો સંભાળ્યો
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ હતી, અને  સમીસાંજે એક બિલ્ડીંગ એકાએક ધરાશાઇ થઈ ગયું હતું, જેમાં આઠથી વધુ લોકો દબાયા હતા અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થયું હતું.  જેને ક્ધટ્રોલ કરવા માટે ખુદ સાંસદ પૂનમબેન માડમ માઈક લઈને મદદમાં જોડાયા હતા, અને વ્યવસ્થા વિભાગ સંભાળ્યો હતો. ઉપરાંત લોકોને દૂર ખસી જવા માટેની સૂચના આપીને વિનંતી  કરી હતી. ઉપરાંત આસપાસના વિસ્તારના અન્ય બિલ્ડીંગો આવેલા છે, જે બિલ્ડીંગની અગાશી પર અથવાતો બાલ્કાની સંખ્યાબંધ લોકો ઉભા રહી ગયા હતા. જે તમામને પણ સાંસદેને આગ્રહ ભરી વિનંતી કરીને નીચે ઉતાર્યા હતા.
**
સમગ્ર સાધના કોલોની વિસ્તારનો વીજ પુરવઠો બંધ રાખ્યો : નાગરિકો શોક મગ્ન
સાધના કોલોની વિસ્તારમાં બિલ્ડીંગ પડવાની ગોઝારી દુર્ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. વીજતંત્ર દ્વારા વધુ કોઈ વીજ અકસ્માત ન થાય, તેની તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. જેથી વહીવટી તંત્ર દ્વારા જનરેટર મુકાવીને હેલોજન લાઈટ ચાલુ કરી તેની મદદથી કાટમાળને ખસેડવાની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી. સાધના કોલોની વિસ્તારમાં ગોઝારી દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. સમગ્ર વિસ્તાર શોક મગ્ન બની ગયો હતો, અને સમગ્ર વિસ્તારમાં કોઈના ઘરે ચૂલો પણ પેટયો ન હતો.
**
પરિવારની માહિતી: ગ્રાઉન્ડ ફ્લોર પર
૧.કંચનબેન મનસુખભાઇ જોઈશર, ૨.પારૂલબેન અમિતભાઈ જોઇશર, ૩.અમિતભાઈ જોઇશર, ૪. નિરાલી જોઈશર, ૫. માનવ જોઈશર
બનાવ સમયે કંચનબેન અને પારૂલબેન ઘેર હોય બાકીના સભ્યો બહાર હતા.જે બન્ને મહિલાઓ સારવાર હેઠળ છે.
**
પ્રથમ માળે
૧. જયપાલ રાજુભાઈ સાદિયા, ૨.મિત્તલ જયપાલ સાદીયા, ૩. દેવાંશી જયપાલ સાદિયા, ૪ હિતાંશી જયપાલ સાદિયા, ૫. શિવમ જયપાલ સાદિયા, ૬. રાજુભાઈ ઘેલાભાઈ સાદિયા, ૭. દેવિબેન રાજુભાઈ સાદિયા, ૮. ભાવેશ રાજુભાઈ સાદિયા
જેમાંથી ભાવેશભાઈ અને હીતાંશી ઘેર ન હતા. બાકીના તમામ અસરગ્રસ્ત તરીકે જી. જી. હોસ્પિટલ જામનગર ખાતે સારવારાર્થે લાવવામાં આવ્યા હતા.
**
કમભાગી મૃતકોના નામ
૧. મિત્તલબેન જયપાલ સાદીયા ( ૩૫ વર્ષ), ૨. જયપાલ રાજુભાઈ સાદિયા  (૩૬ વર્ષ), ૩. શિવમ જયપાલ સાદિયા (ઉંમર -૪ વર્ષ),
એમ ૩ વ્યક્તિ ને મૃત્યુ પામેલ જાહેર કરાયા છે, બાકીના તમામ દર્દીઓ સારવારાર્થે જી. જી. સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application