આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર: નાગપંચમી

  • September 04, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રુદ્રાભિષેક, દુગ્ધધારા, ૧૦૮ બિલ્વપત્ર અર્પણ, દિપમાળા, મહાઆરતી, બટુકભોજન, વિશિષ્ટ શણગાર સહિતના કાર્યક્રમો યોજાયા: દ્વારકાના નાગેશ્ર્વર, બાદનપરના કનકેશ્ર્વર, જામનગરના સિઘ્ધનાથ, ભીડભંજન, કાશી વિશ્ર્વનાથ, નાગેશ્ર્વર સહિતના મંદિરોમાં સવારથી જ શિવભકતો ઉમટી પડયા

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે આજે વહેલી સવારથી જ જામનગર સહિત હાલારના શિવમંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી છે, શિવાલયોને શણગારવામાં આવ્યા છે, લોકો ઉપવાસ, એકટાણા કરીને અનુષ્ઠાન કરી રહ્યા છે, રુદ્રાભિષેક, દુગ્ધધારા, ૧૦૮ બિલ્વપત્ર અર્પણ, દિપમાળા, મહાઆરતી, બટુકભોજન, વિશિષ્ટ શણગાર સહિતના કાર્યક્રમો યોજાયા છે, દ્વારકાના નાગેશ્ર્વર, બાદનપરના કનકેશ્ર્વર, જામનગરના સિઘ્ધનાથ, ભીડભંજન, કાશી વિશ્ર્વનાથ, નાગેશ્ર્વર સહિતના મંદિરોમાં સવારથી જ શિવભકતો ઉમટી પડયા છે, આજે નાગ પાંચમનો દિવસ હોય નાગેશ્ર્વર મંદિર પાસે બહેનોની ભારે ભીડ જોવા મળી હતી અને નાગ દેવતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસના ત્રીજા સોમવારે તથા નાગપાંચમના પવિત્ર દિવસે જામનગરના મુખ્ય શિવાલયોમાં સિઘ્ધનાથ, નાગેશ્ર્વર, ભીડભંજન સહિતના શિવાલયોમાં ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો છે, સાથે સાથે ખંભાળીયાના રામનાથ, ખામનાથ, દ્વારકાના નાગેશ્ર્વર, બાદનપરના કન્કેશ્ર્વર તેમજ અન્ય શિવાલયોમાં સવારથી જ ભોલેનાથને રીઝવવા માટે લોકોની મોટી ભીડ જોવા મળી હતી, ઠેર ઠેર બીલીપત્ર અર્પણ, રુદ્રીપાઠ, લઘુરુદ્ર યજ્ઞ, મહાઆરતી, વિશિષ્ટ આરતી, દિપ માળા, દેવાધિદેવ મહાદેવની ઉપાસના સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના અન્ય શિવાલયો હજારેશ્ર્વર, નર્મદેશ્ર્વર, જંગલેશ્ર્વર, કુબેર ભંડારી, પ્રતાપેશ્ર્વર, રામેશ્ર્વર સહિતના શિવમંદિરોમાં દેવાધિદેવ મહાદેવનો નાદ સંભળાયો હતો, આજે કેટલાક મંદિરોમાં વિશિષ્ટ મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા, શિવભક્તો ભગવાન શિવનું તપ કરી રહ્યા છે.
હાલારમાં જેટલા શિવમંદિરો છે એટલા ગુજરાતમાં કયાંય શિવ મંદિરો નથી અને ગુજરાતભરમાંથી દ્વારકાના નાગેશ્ર્વર અને જામનગરના શિવાલયોમાં દર્શન કરવા માટે શિવભકતો ઉમટી પડે છે. દર વખતે શ્રાવણ મહિનામાં હાલારના શિવ મંદિરોને અનેરો ઑપ આપવામાં આવે છે અને એક કહેવાત છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેટલાં શિવ મંદિરો છે એટલાં શિવ મંદિરો અન્ય જિલ્લામાં નથી. ચાર ધામ પૈકીના દ્વારકામાં ૧ર જ્યોતિર્લિંગ પૈકી નાગેશ્ર્વર મહાદેવ જ્યોતિર્લિંગ આવેલું છે અને દરિયાકાંઠે ભડકેશ્ર્વર મહાદેવ પણ બિરાજમાન છે. ખંભાળિયામાં રામનાથ અને ખામનાથ, કાલાવડમાં કલ્યાણેશ્ર્વર, કુંભનાથ અને ઢીંગેશ્ર્વર, સોયલમાં સોયલેશ્ર્વર, બાદનપરમાં કનકેશ્ર્વર, ખીમરાણામાં ભવનાથ અને ખિમેશ્ર્વર, પડાણામાં પ્રગટેશ્ર્વર, લાલપુર નજીક ભોળેશ્ર્વર, ભાણવડ નજીક ઈન્દ્રેશ્ર્વર, કિલેશ્ર્વર અને બિલેશ્ર્વર, ભૂતનાથ, સુખનાથ જેવા મંદિરો આવેલા છે.
આ ઉપરાંત ૧૦૮ બિલીપત્ર અર્પણ, રુદ્રાભિષેક, કથા, લઘુરુદ્રી, મહાઆરતી, મંડળ, મંદિરને શણગાર સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દર સોમવારે ભગવાન શિવનો અનેરો શણગાર કરવામાં આવશે. વિવિધ શણગારથી ભગવાનના અલૌકિક રુપના દર્શન થશે. જામનગર અને હાલારના કેટલાંક શિવ મંદિરોનો મહિમા પણ અલગ-અલગ છે. શિવની આરાધના કરવી એ ખૂબ જ મહત્વનું ગણાય છે. આ માસમાં કેટલાંક ઉપવાસ-એકટાણાં કરે છે, અમુક શિવભકતો આખો મહિનો માત્ર દૂધ પી ને ભગવાનની આરાધના કરે છે. કેટલાંક મંદિરોમાં અલગ-અલગ પ્રકારની વિવિધ આરતીઓથી ભગવાનના દર્શન પણ કરાવાય છે.
ગઇકાલે બોળચોથના દિવસે જામનગરમાં અનેક મંદિરોમાં તેમજ ખીમરાણાના ભવનાથ મંદિરમાં લગભગ ૩ હજાર જેટલી બહેનોએ ગાય માતાનું પૂજન કર્યુ હતું અને તેની સાથે વાછરડાને પણ ચાંદલા કર્યા હતાં, બહેનોએ ગીત ગાઇને ભગવાનને યાદ કર્યા હતાં, શહેરમાં ચોથના દિવસે બહેનોએ વ્રત રાખીને ગાય-વાછરડાને યાદ કર્યા હતાં.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના તમામ મંદિરોના આસપાસના વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષાના ભાગરૂપે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ એવી રહે અને ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે પોલીસ-હોમગાર્ડ અને સિક્યુરિટીના જવાનો બંદોબસ્ત માં મૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application