7 દાયકાથી ત્રણ પેઢી એક સાથે રમે છે પ્રાચીન ગરબા

  • October 21, 2023 12:19 PM 

જામનગર : 7 દાયકાથી ત્રણ પેઢી એક સાથે પ્રાચીન ગરબા રમે છે....

નવરાત્રી પર્વ એટલે માતાજીની આરાધના, પુજાનો પર્વ. નવરાત્રીમાં ઠેર-ઠેર પ્રાચીન ગરબાઓ થતા હોય. ગરબામાં સામાન્ય રીતે નાની બાળાઓ કે મહિલાઓ ગરબા રમતા હોય છે. જામનગરમાં ગુગળી બ્રાહ્મણની મહિલાઓ ત્રણ પેઢી એક સાથે પ્રાચીન ગરબા રમે છે. 
છેલ્લા 70 વર્ષથી આ પરંપરા નવી પેઢીએ જાળવી રાખી છે.

જામનગર શહેરમાં ગુગળી બ્રાહ્મણની મહિલાઓ દ્રારા નવરાત્રી પર્વ પર માતાજીની ભકિત, આરાધના, પુજા કરવામાં આવે છે. જયાં મહિલાઓ પ્રાચીન ગરબા, દોહા, છંદ, સ્તુતિ ગાતા-ગાતા ગરબા રમે છે. નવરાત્રીમાં માતાજીની ભકિત સાથે ભારતીય સાંસ્કૃતિનો વારસો નવી પેઢીને ભેટ  આપવા માટે અહી મોટી ઉમરના વડીલ મહિલાઓ, પોતાની પુત્રવધુ, દિકરી અને પૌત્રી સાથે ગરબા રમે છે. બે વર્ષની નાની બાળા અને 75 વર્ષના દાદીમા એક સાથે ગરબા રમતા હોય છે. 

ત્રિક્રમરાજીના મંદિરે પ્રાચીન ગરબા

શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સ્ત્રી મંડળ જામનગર દ્રારા શહેરના આણંદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિક્રમરાજીના મંદિરે છેલ્લા એક દાયકાથી પ્રાચીન ગરબા રમવામાં આવે છે. જે અગાઉ મહાલક્ષ્મી ચોકમાં આવેલા રણછોડરાયજીના મંદિરે આ પ્રાચીન ગરબા રમાતા. અંદાજે છેલ્લા એક દાયકાથી ત્રિક્રમરાજીના મંદિરના ટ્રસ્ટી ધીરૂભાઈ જોશી દ્રારા સંસ્થાને નવરાત્રી પર્વ માટે જગ્યા અને સંંપુર્ણ સહકાર આપવામાં આવે છે. શ્રી ગુગળી બ્રાહ્મણ સ્ત્રી મંડળ સંસ્થાના પ્રમુખ માધવીબેન ઠાકર અને કારોબારી સભ્યો દ્રારા તૈયારી કરી ત્રિક્રમરાયજીના મંદિરના પટાગણમાં દૈનિક 125થી વધુ બાળાઓ-મહિલાઓ ગરબા રમે છે. જામનગરમાં આશરે 150 પરીવારની 220  જેટલી મહિલાઓ સંસ્થાની સભ્ય છે. સંસ્થાના ઉપપ્રમુખ દક્ષાબેન દવે સહીતના અનેક પરીવારના સભ્યો છેલ્લા 2 દાયકાથી વધુ સંસ્થામાં સેવા બજાવે છે. 

પ્રાચીન ગરબામાં માતાજીના છંદ, દોહા, સ્તુતિ, ગરબા ગુગળી બ્રાહ્મણની મહિલાઓ દ્રારા ગવાતા હોય છે. ગાતા-ગાતા ગરબા રમતા હોય છે. દૈનિક 10થી 15 અલગ-અલગ ગરબા ગાવામાં આવે છે. માતાજીની આરતી, સ્તુતિ, પુજા અને આરાધના નવરાત્રીમાં સાંજે 6 થી 8 દરમિયાન ગુગળી બ્રાહ્મણની મહિલાઓ દ્રારા કરવામાં આવે છે. છઠ્ઠા નોરતે ખાસ ઈશ્વર વિવાહનો છંદ ગાતા-ગાતા ગરબા રમવામાં આવે છે. જે અંદાજે અઢી કલાક સુધી ચાલે છે. જે દિવસે તમામ મહિલાઓ ઘરચોળુ પહેરીને ગરબા રમે છે. 

અલગ-અલગ સ્પર્ધા
શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સ્ત્રી મંડળ સંસ્થા દ્રારા વિવિધ સ્પર્ધા અને હરીફાઈ નવરાત્રીના નવ દિવસ સુધી હોય છે. નવરાત્રીના પર્વ પર દૈનિક દિવસ મુજબ નિયત કલરના વસ્ત્રો પહેરીને મહિલા ગરબા રમે છે.  આરતીની થાળીનો શણગાર, મહેંદી, ગરબા શણગાર, દાંડીયા શણગાર સહીતની સ્પર્ધા હોય  છે. સાથે બાળાઓ અને મહિલાઓ સોળશણગાર સજીને ગરબા રમે છે. દૈનિક સારા ડ્રેસીસ, ગરબા રમનારને સંસ્થા દ્રારા ઈનામ આપવામાં આવે છે. તેમજ સંસ્થાના દરેક સભ્યોને લાણી, સંસ્થા દ્રારા આપવામાં આવે છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application