કાલાવડના મોટા પાંચદેવડામાં સાંબેલાધારે સવા ત્રણ ઇંચ વરસાદ

  • July 11, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાગર છલોછલ: અદભુત નજારો....
જામનગરમાં ૧૯૩૫થી ૧૯૩૯ દરમ્યાન શહેરની વસ્તીને ઘ્યાનમાં લઇને રાજવી પરિવાર દ્વારા રણજીતસાગર ડેમનું બાંધકામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જામનગર માટે આ ડેમ જીવાદોરી સમાન રહ્યો છે, કુદરતે પ્રથમ વરસાદમાં જ રણજીતસાગરને છલોછલ ભરી દઇને શહેરની પીવાના પાણીની સમસ્યા એક જ ઝાંટકે દુર કરી દીધી છે, અમારા તસવીરકાર મીતેષ દાઉદીયાએ ગઇકાલે રણજીતસાગર ડેમ ઓવરફલો થયાની ડ્રોનથી મનમોહક તસવીર લીધી છે, લોકો સાગર પર જઇને કુદરતી સોંદર્ય પણ માણે છે, ઉપરવાસ વરસાદને કારણે રણજીતસાગર ઉપરના તમામ ચેકડેમ છલકાઇ ગયા છે. કુદરતનો આ નજારો તસવીરમાં જોવા મળે છે.

**
જિલ્લાના ૧૦ ડેમો ફરી ઓવરફલો: કાલાવડને પીવાનું પાણી પુરુ પાડતા બાલંભડી ડેમ છલકાતા એક વર્ષ ચાલે તેટલું પાણી આવ્યું: ખંભાળીયાના સિંહણ અને ઘી ડેમમાં પાણીની જોરદાર આવક: ૧૭ ડેમોમાં નવા નીરના વધામણા: ઢાંઢર નદી બેકાબુ બની

મેઘરાજાએ બે દિવસ ગામડાઓમાં સટાસટી બોલાવ્યા બાદ છેલ્લા બે દિવસથી ગામડામાં ભારે વરસાદ થઇ રહ્યો છે જેને કારણે કેટલાક ગામોમાં ગઇકાલે નહીવત વરસાદ હોવા છતાં પણ ડેમમાં પાણીની આવક જોરદાર રહી છે, ઢાંઢર નદીમાં ઘોડાપુર આવ્યું હતું, જિલ્લાના ૧૦ ડેમો ફરીથી છલકાયા છે, કાલાવડને પીવાનું પાણી પુરુ પાડતા બાલંભડી ડેમ છલકાઇ જતાં એક વર્ષ ચાલે તેટલું પાણી આવી ગયું છે, એવી જ રીતે ખંભાળીયાના સિંહણ અને ઘી ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે, ૧૭ ડેમમાં કુદરતે નવા નીરની આવક કરીને વધામણા કર્યા છે જયારે ગઇકાલે કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડામાં મેઘરાજાએ ટવેન્ટી-ટવેન્ટી રમીને સવા ત્રણ ઇંચ વરસાદ વરસાવ્યો છે જયારે ધ્રાફામાં ધોધમાર અઢી ઇંચ અને નવાગામમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલે મોટા પાંચદેવડામાં મેઘરાજાએ વિજળીના કડાકા-ભડાકા સાથે સવા ત્રણ ઇંચ વરસાદ વરસાવતા ગામના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં, મોટા પાંચદેવડામાં અત્યાર સુધીમાં ૪૦૫ મીમી વરસાદ થઇ ચૂકયો છે, ઉપરવાસ ભારે વરસાદના કારણે નદી, નાળા પણ છલકાઇ ગયા છે, જયારે ભકિતના ધામ એવા ઘુનડામાં ગઇકાલે દોઢ ઇંચ વરસાદ થયો છે, ધ્રાફામાં મેઘરાજા કેળો મુકતો નથી અને અઢી ઇંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૬૫૭ મીમી વરસાદ થઇ ચૂકયો છે.
ડેમની વાત લઇએ તો ગઇકાલે સતસાગર, બાલંભડી, રુપારેલ, રણજીતસાગર, ફુલઝર-૧, સપડા, ડાયમીણસર, વોડીશાંગ, સસોઇ-૨, રુપારેલ સહિતના ડેમો છલકાઇ ગયા છે જયારે વાગડીયા પણ ફરીથી ઓવરફલો થયો છે, સસોઇમાં ૨૦ મીમી, ફોફળ-૨માં ૨૫ ઉંડ-૩માં ૩૫, આજી-૪માં ૨૦, રંગમતી ૧૫, ફુલઝર કો.બા. ૨૫, સસોઇ-૨માં ૧૫, બાલંભડી ૧૦ અને ઉંડ-૪માં ૧૫ મીમી વરસાદ પડયો છે.
ઉપરવાસ ભારે વરસાદને કારણે જયાં વરસાદ નથી છતાં પણ ડેમમાં પાણીની સારી એવી આવક થઇ છે, જેમાં સસોઇ ૦.૫૦ ફુટ, ઘી ૧.૫૦, વર્તુ-૧માં ૨.૬૨, વર્તુ-૨માં ૪.૪૩, સોનમતી ૨.૬૨, શેઢાભાડથરી ૩.૭૭, વેરાડી-૧માં ૦.૬૬, કબરકા ૧.૬૪, વેરાડી-૩માં ૧.૧૫, ડાયમીણસર ૦.૯૮, સસોઇ ૧.૨૫, પન્ના ૦.૮૯, ફુલઝર-૨માં ૪.૪૩, ઉંડ-૩માં  ૧.૪૩, ઉંડ-૧માં ૦.૧૬, રુપાવટી ૦.૯૮ અને વિજરખીમાં ૦.૨૦ ફુટ પાણી આવ્યું છે, ઉમીયાસાગરના ૫ દરવાજા ખોલવામાં આવ્યા છે.
ગ્રામ્ય વિસ્તારમાં અન્યત્ર વરસાદની વાત લઇએ તો બાલંભા ૧૦, ખરેડી ૧૦, સમાણા ૩૩, શેઠવડાળા ૫૨, જામવાડી ૮, વાંસજાળીયા ૧૪, પરડવા ૩૦, પીપરટોડા ૩૦, પડાણા ૫, ભણગોર ૨, મોટાખડબા ૮, ધ્રોલ ૪ અને કાલાવડમાં ૨ મીમી વરસાદ પડયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application