ત્રંબામાં દંપતીને સ્પ્રે છાંટી ઘરમાંથી આઠ તોલા સોનું, રૂા.૫૦ હજાર રોકડની ચોરી

  • September 25, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ નજીક ભાવનગર હાઈ–વે પરના ત્રંબા (કસ્તુરબા ધામ) ગામે રહેતા પટેલ પરિવારના ઘરમાં મધરાત્રે ત્રાટકેલા તસ્કરોએ દંપતીને સ્પ્રે છાંટી અર્ધબેભાન બનાવી કબાટમાંથી આઠ તોલા સોનુ અને ૫૦ હજારની રોકડની ચોરી કર્યાનો બનાવ આજીડેમ પોલીસ મથકે નોંધાયો છે. તસ્કર ચોરી કરીને ભાગવા જતાં ઘરમાં જ સેટી સાથે ભટકાયો હતો. અવાજ થતાં જાગી ગયેેલા આધેડે તસ્કરને પકડવા માટે દોટ મુકી પણ હાથ લાગ્યો ન હતો.
જાણવા મળતી વિગતો મુજબ ત્રંબામાં રહેતા અને ખેતીકામ કરતા હરેશભાઈ જાદવભાઈ રૈયાણીના ઘરમાં ગતરાત્રે અઢી વાગ્યાના અરસામાં તસ્કર ખાબકયા હતા. હરેશભાઈ તેમના પત્ની રૂમમાં દરવાજો ખુલ્લ ો રાખીને સુતા હતા. બન્ને પર સ્પ્રે જેવું કાંઈ છાંટતા બન્ને અર્ધબેભાન થઈ ગયા હતા. તસ્કરોએ ઓસરીમાં પડેલો કબાટ ફંફોળ્યો હતો અને રૂમમાં રહેલા કબાટમાંથી સોનાના ઘરેણા અને તાજેતરમાં ગાય વેચી હતી તેની ૫૦ હજારની રોકડ ચોરી ગયા હતા. તસ્કર રૂમ બહાર નીકળવા જતાં રૂમમાં જ પડેલી સેટી સાથે ભટકાયો હતો. જેથી અવાજ થતાં દંપતી જાગી ગયું હતું. એક શખસને રૂમ બહાર નીકળતો જોતા દંપતીએ તેને પકડવા દોટ મુકી હતી. જો કે, તસ્કર દિવાલ ઠેકીને નાસી ગયો હતો. હો–હા દેકારો થતાં રાત્રીના પાડોશમાં રહેતા ભાઈ તેના પરિવારજનો તેમજ આસપાસના પાડોશીઓ એકઠા થઈ ગયા હતા. રાત્રીના જ ગામમાં બાઈક, વાહન દોડાવી તસ્કરને શોધવા કવાયત કરી હતી પરંતુ તસ્કરના સગડ મળ્યા ન હતા.
ગામના અગ્રણીઓ તાલુકા પંચાયતના સદસ્ય નીશીતભાઈ ખુંટ સહિતના પણ દોડી ગયા હતા અને પોલીસને જાણ કરાઈ હતી. આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી તસ્કરના સુરાગ મેળવવા સીસીટીવી તેમજ અન્ય હૃયુમન સોર્સનો સહારો લીધો છે. ત્રંબા ગામમાં અગાઉ પણ રાત્રીના ઘરફોડીના કિસ્સાઓ બની ચુકયા છે. જેને લઈને ગ્રામજનોમાં રોષ દેખાયો છે. ગામમાં પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગણી ઉઠાવી છે.


રાત્રે બે વાગ્યા સુધી તો જાગતા હતા સુતાને અર્ધેા કલાકમાં ચોરી થઈ
ખેડૂત પરિવાર રાત્રે બે વાગ્યા સુધી જાગતો હતો. હરેશભાઈ ગામમાંથી ૧૨ વાગ્યે આવ્યા હતા અને એકાદ દોઢ વાગ્યે સુતા હતા. હરેશભાઈનો પુત્ર રાજકોટમાં કપડાની દુકાન ધરાવે છે તે ગત રાત્રે ગામમાંથી બે વાગ્યા આસપાસ ઘરે પહોંચ્યો હતો. આમ રાત્રે બે વાગ્યા સુધી ઘરમાં ચહલપહલ હતી. માત્ર અર્ધેા કલાક બાદ જ તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા. નીંદ્રાધીન પરિવાર અવાજ થાય અને જાગી ન જાય તે માટે અર્ધબેભાન બનાવવા માટેનો તસ્કર સ્પ્રે સાથે લાવ્યાનું અને સ્પ્રે છાંટીને ચોરી કરી હોવાનું અનુમાન છે. આસપાસમાં રહેતા પરપ્રાંતીયો ક આવા કોઈ ઈસમોનું કૃત્ય હોઈ શકે તેવી આશંકાએ પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News