જામજોધપુર યાર્ડમાં થયેલી ૨૦ લાખની ચિલઝડપમાં ત્રીજો આરોપી પકડાયો

  • August 28, 2023 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ પાસેથી એક વેપારીની રૂપિયા ૨૦ લાખની રોકડ રકમની ચિલઝડપ કરવા અંગેના પ્રકરણમાં જામજોધપુર પોલીસે નાસ્તા ફરતા ત્રીજા આરોપીને પકડવા માટે સતાધાર સુધી તપાસનો દોર લંબાવ્યો હતો, અને ત્યાંથી આરોપીને ઝડપી લીધો છે.
જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ ના એક વેપારી પાસેથી રૂપિયા ૨૦ લાખની રોકડ રકમ ભરેલો થેલો આંચકી લેવા અંગેના ચકચારી પ્રકરણમાં જામજોધપુર પોલીસે અગાઉ બે આરોપીઓ મુસ્તકીમ શેખ તેમજ ધવલ પટેલ નામના બે શખ્સોની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસેથી રૂપિયા ૧૮ લાખની રોકડ રકમ કબજે કરી લીધી હતી.
 જ્યારે આ પ્રકરણમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના દિલીપ ઉર્ફે મુનો ઉર્ફે નુરી વિઠ્ઠલભાઈ કાંજિયા નામના પટેલ શખ્સની પણ સંડોવણી હોવાથી જામજોધપુર પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી.
 દરમિયાન જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય. જે. વાઘેલા તેમજ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ ગાગિયા, ભગીરથ સિંહ જાડેજા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિમુબેન ચિત્રોડા વગેરે ની ટીમ દ્વારા આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી, અને ત્રીજો આરોપી દિલીપભાઈ ઉર્ફે નુરી વિઠ્ઠલભાઈ કાંજિયા કે જે મોટી પાનેલી ઉપલેટા નો વતની છે, અને હાલમાં સતાધારમાં સંતાયો છે, તેવી બાતમીના આધારે તપાસ હાથ ધરી આરોપીને સતાધાર માંથી ઉપાડી લીધો હતો. જેને જામજોધપુર લઈ આવ્યા પછી તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application