તમામ યોજનાઓનો લાભ પહોચે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ: કૃષિમંત્રી

  • May 12, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર ખાતે કેબીનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ મત્સ્યોદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક

મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના માછીમારો સ્વસ્થ રીતે માછીમારી કરી શકે અને માછીમારી કરીને આર્થિક રીતે સધ્ધર થાય તેમજ રાજયના મત્સ્ય ઉત્પાદન વધારો થાય તેવા નેક ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓનો લાભ લઇ આજે રાજ્યના અનેક માછીમારો આત્મનિર્ભર બન્યા છે. રાજ્યના વધુમાં વધુ માછીમારો સુધી રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ પહોચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી મત્સ્યોદ્યોગ ખાતા સાથે જોડાયેલા દરેક વ્યક્તિની છે.
ગાંધીનગર ખાતે કૃષિ અને પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મત્સ્યોદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી વિભાગ દ્વારા થતી વિશેષ કામગીરી, માછીમારો માટેની કલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી, સિદ્ધિઓ અને આગામી વર્ષના આયોજન અંગે મંત્રીને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લામાંથી ઉપસ્થિત મત્સ્યોદ્યોગ ખાતાના અધિકારીઓ દ્વારા તેમના જિલ્લામાં વિવિધ યોજનાના અમલીકરણ સંબંધિત કેટલાક પ્રશ્નો રજૂ કરી તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિભાગના અધિકારીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાખો માછીમાર ભાઈઓ-બહેનોનું જીવન ધોરણ ઊંચું લાવવા રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓના લાભ તેમના સુધી સત્વરે પહોંચાડવા માટે મત્સ્યોદ્યોગ વિભાગ સતત પ્રયત્નશીલ છે. મત્સ્યોદ્યોગ ક્ષેત્રે લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે લાભ મળી રહે તે માટે વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓએ ટીમ સ્પીરીટ સાથે કામ કરવું જરૂરી છે.
મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, રાજ્યના પ્રત્યેક માછીમારોને મદદરૂપ થવા અને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ વિભાગ માટે ચાલુ વર્ષના નાણાકીય બજેટમાં ૬૧ ટકાના વધારા સાથે કુલ રૂ.૧૪૧૮ કરોડથી વધુની જોગવાઈ કરી છે. યાંત્રિક હોડીમાં વપરાતા હાઈ સ્પીડ ડીઝલ ઓઈલ પર વેરા રાહત માટે જ રાજ્ય સરકારે રૂ.૪૪૩ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો લાભ પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવા માટે રૂ.૧૫૫ કરોડની જોગવાઈ કરી છે. રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ અને તેની સાથે સંકળાયેલા લાભાર્થીઓ માટેની પ્રત્યેક યોજનાના લાભ દરેક માછીમાર ભાઈ-બહેન સુધી પહોંચાડવા સૌ અધિકારી ઓને મંત્રીએ અનુરોધ કર્યો હતો. આ સમીક્ષા બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવ કે. એમ. ભીમજીયાણી, મત્સ્યોદ્યોગ નિયામક નીતિન સંગવાન સહિત મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application