વાડીનાર નજીક કાર તથા રિવોલ્વરને મૂકી પોલીસ કર્મી નાસી ગયો

  • December 04, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસને ન છાજે એવું વર્તન કરતાં ગુનો નોંધાયો : સધન તપાસ

ખંભાળિયાના પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલને વાડીનાર નજીક મોટરકારમાં ગફલતભરી રીતે નીકળતા પોલીસ કાર્યવાહી પૂર્વે તે કાર અને તેની સાથેની રિવોલ્વર મૂકીને નાસી જતા આ અંગે વાડીનાર પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને અન્ય જિલ્લામાંથી અત્રે આવેલા સંજયભાઈ ભીમાભાઈ આહીર ગઈકાલે રવિવારે બપોરના સમયે ખંભાળિયા તાલુકાના વાડીનાર પાસેના ભરાણા ગામ નજીક આવેલી ધીંગેશ્વર ચેકપોસ્ટ પાસેથી તેમની જી.જે. ૦૩ એફ. ૬૨૧૫ નંબરની ક્રેટા મોટરકાર લઈને ગફલતભરી અને જોખમી રીતે નીકળતા બાદમાં પોલીસ કર્મી સંજયભાઈ આ સ્થળે પોતાની કાર રેઢી મૂકીને નાસી ગયો હતો. ૧૨ લાખની કિંમતની આ કારનું પોલીસે ચેકીંગ કરતાં તેમાં રૂપિયા એક લાખની કિંમતની રિવોલ્વર ઉપરાંત રૂપિયા ૫૦૦ની કિંમતના પાંચ કાર્ટિજ પણ મળી આવ્યા હતા. આમ, કુલ રૂપિયા ૧૩,૦૦,૫૦૦ નો મુદ્દામાલ મૂકી અને નાસી ગયેલા પોલીસ કર્મી સંજયભાઈ આહીર સામે વાડીનાર મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. એ.બી. જાડેજાએ ફરિયાદી બની અને આઈ.પી.સી. કલમ ૨૭૯ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે. એક પોલીસ મેનને ન શોભે તેવું વર્તન કરતા આ પોલીસ કર્મીની અટકાયત સહિતની આગળની તપાસ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application