મ્યુનિ.કમિશનરે સીસી ટીવી કેમેરા મારફતે કચરો સળગાવતા સફાઇ કામદારોને પકડયા

  • October 30, 2023 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ તાજેતરમાં આઇવે પ્રોજેક્ટના સીસી ટીવી કેમરા મારફતે શહેરની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તે દરમિયાન જાહેરમાં કચરો સળગાવતા તેમજ સોસાયટી વિસ્તારની શેરીઓમાંથી કાઢેલા કચરાને જાહેર માર્ગ ઉપર ફેંકતા સફાઈ કામદારોને પકડી પાડી તેમને દંડ ફટકાર્યો હતો.વિશેષમાં મ્યુનિ.કમિશનર આનંદ પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળના સીસીટીવી સર્વેલન્સ નેટવર્કના 950થી વધુ કેમેરાની મદદથી શહેરની જાહેર સ્વચ્છતા ઉપર ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફત સતત નિરીક્ષણ કરી જાહેરમાં ગંદકી કરનાર લોકો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. વધુમાં કમિશનરએ ઉમેર્યું હતું કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા તા.16-10-2023થી તા.22-10-2023 દરમ્યાન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા 79 સ્થળ ખાતે સ્વચ્છતા બાબતે નિરીક્ષણ કરી વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર પાસેથી વિગતો મેળવી 24 કલાકમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તથા 35 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા પકડી તેઓને ઇ-ચલણ દ્વારા દંડ કરવામાં આવ્યો હતો. 1152 સફાઈ કામદારોની સફાઇ કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું જેમાં ચાર સફાઇ કામદારો જાહેરમાં કચરો ફેકતા તેમજ સળગાવતા પકડાતા તેમની પાસેથી કુલ રૂ.800નો દંડ વસુલાયો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો ફેકતા બે આસામીઓ પાસેથી રૂ. 500 તેમજ જાહેરમાં કચરો સળગાવતા બે આસામીઓ પાસેથી રૂ. 500નો હાજર દંડ વસુલાયો હતો. આમ સોલીડ વેસ્ટ શાખાની કામગીરી મારફત કુલ રૂપિયા 3450નો દંડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફત કરાયો હતો.ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર અનિલ ધમેલીયાની સુચનાથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી કરાઇ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application