જામનગર શહેરમાં રિવરફ્રન્ટ થયા બાદ નકશો બદલાઈ જશે

  • November 01, 2023 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે રુા.૬૦૦ કરોડનો પ્રોજેકટ શરુ કરવા માટે ૮ કિલોમીટર નદીના રુટ પર થશે માપણી: ડીએલઆરના ચાર સર્વેયરો અને કોર્પોરેશનના બે ઈજનેરો કામગીરીમાં જોડાયા: કેટલાંક ગેરકાયદે બાંધકામો પણ હટાવવા પડશે

જામનગર શહેરનો વિકાસ કૂદકે-ભૂસકે વધતો જાય છે, ર૦૦પની સાલથી જામનગરમાં રિવરફ્રન્ટ બનાવવા માટે રંગમતી-નાગમતીનો સર્વે પણ કરાયો હતો, પરંતુ ત્યારના સમયમાં કોણ જાણે કેમ આ પ્રોજેકટ ઓચિંતો પડતો મૂકી દેવાયો હતો! જામ્યુકોના પદાધિકારીઓને કમિશનર, ડીએમસી સહિતના અધિકારીઓએ આ પ્રોજેકટમાં રસ દાખવીને હવે ૮ કિલોમીટર નદીના રુટનો સર્વે કરવાનું શરુ કર્યું છે. માર્કિંગની  કામગીરી શરુ થઈ ચૂકી છે, હજુ આખરી ડીપીઆર બન્યો નથી, પરંતુ હવે લાગે છે કે શહેરને રંગમતી-નાગમતી ઉપર અમદાવાદ જેવો જ અત્યાધુનિક રિવરફ્રન્ટ મળશે.
ડીએલઆરના અધિકારીઓ દ્વારા શહેરમાં બન્ને કાંઠે રિવરફ્રન્ટ બનાવવા માટે માર્કિંગ શરુ કરી દેવાયું છે, ખાસ કરીને લાલપુર બાયપાસથી શહેરની પટેલ પાર્ક પાછળ, મણી કંકેશ્ર્વર, ટીટોડી વાડી, ઘાંચીની ખડકી, કાલાવડ ગેઈટ બહારના વિસ્તારોમાં મટન માર્કેટ, પટ્ટણીવાડ, ગુજરાતી વાડથી ધૂંવાવ નાકા, બચુનગરથી સુભાષ બ્રીજ નીચે, વ્હોરાના હજીરા, સ્મશાન થઈને નવાગામ (ઘેડ)થી દરિયા સુધીના વિસ્તારને આવરી લેવા પણ ગહન ચર્ચા શરુ થઈ છે.
અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પણ જામનગરનો રિવરફ્રન્ટ બને તે માટે રજૂઆત થઈ હતી. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ મહાપાલિકાના પૂર્વ પદાધિકારીઓ અને હાલના મેયર, ડે.મેયર, ચેરમેન, નેતા અને દંડક સહિતના પદાધિકારીઓએ જામનગરને એક આકર્ષક રિવરફ્રન્ટ મળે તે માટે પૉઝિટીવ પ્રયાસો શરુ કર્યા છે જે ખૂબ જ આવકારદાયક છે. સરકાર સમક્ષ આ પ્રોજેકટ માટે તબક્કા દીઠ ગ્રાન્ટ ફાળવવા પણ રજૂઆત કરવામાં આવી છે અને રાજ્યના મુખ્યમંત્રીએ પણ જામનગરના પદાધિકારીઓને ખાતરી આપી છે કે, સરકાર રિવરફ્રન્ટ માટે જરુરી રકમ ફાળવશે.
જિલ્લા કલેકટર બીજલ શાહ, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડીએમસી ભાવેશ જાનીની ટીમ તેમજ ડીએલઆરના અધિકારીઓ અને કોર્પોરેશનના બે અધિકારીઓ રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે હવે સાબદા થયાં છે. રિવરફ્રન્ટ કેવી રીતે બનાવવું? તે અંગેનું પ્રોજેકશન શરુ થયું છે અને યોગ્ય ડીપીઆર બનાવવાની કામગીરી શરુ થઈ છે. કદાચ આ પ્રોજેકટમાં ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવે  તેવી શક્યતા છે ત્યારે ૮ કિમીના આ પ્રથમ તબક્કાની સર્વેની કામગીરી કદાચ તા.પ સુધીમાં પૂરી થવાની શક્યતા છે.
ફાઈનલ ડીપીઆર સરકારમાં માકલાયા બાદ મંજૂરી મળે એટલે તરત જ રિવરફ્રન્ટની કામગીરી શરુ થાય તેવી આશા અત્યારે તો જાગી છે. રંગમતી-નાગમતીમાં જે રીતે ગંદકી ઠલાવવામાં આવે છે તે પણ બંધ કરવું પડશે અને યોગ્ય રીતે રિવરફ્રન્ટ થાય તે માટે સૌ કોઈએ પ્રયાસો કરવા પડશે.
**
રિવરફ્રન્ટને નડતરરુપ તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરાશે
જામનગરની રંગમતી-નાગમતી નદી પર આકર્ષક રિવરફ્રન્ટ બનાવવા માટે ૬૦૦ કરોડનો મહત્વનો પ્રોજેકટ શરુ થવાની તૈયારીમાં છે, માર્કિંગ શરુ થઈ ચૂક્યું છે. પરંતુ આ પ્રોજેકટનો ડીપીઆર ફાઈનલ થાય તે પહેલાં આ ફ્રન્ટની જમીન પર આવતાં તમામ ગેરકાયદે બાંધકામો કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત રાખીને દૂર કરવા પડશે, વર્ષોથી રહેતાં હોય તેમને આવાસમાં જગ્યા ફાળવવા પણ પ્રયાસો કરવા પડશે. સ્ટે. કમિટિએ રિવરફ્રન્ટનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યા બાદ આ પ્રોજેકેટે ગતી પકડી છે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ સતત પ્રયાસો કરી રહ્યાં છે તે પણ આવકારદાયક છે અને આ પ્રોજેકટ માટે જરુરી ગ્રાન્ટ ઝડપથી મળે અને આ કામ દિવાળી બાદ શરુ થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application