આને કહેવાય હળાહળ અન્યાય

  • November 10, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લામાં સૌથી ઓછા તલાટી જામજોધપુર તાલુકામાં: ધારાસભ્ય હેમંત ખવા આકરા પાણીએ

તા.૬-૧૧-૨૩ના રોજ જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નવ નિયુકત તલાટી કમ મંત્રીઓની નિયુકિતના ઓર્ડર કરવામાં આવેલ છે. જેમાં જામનગર જિલ્લામાં કુલ ૧૩૬ નવા તલાટીઓની નિમણુંક કરવામાં આવેલછે. નવનિયુકત તલાટીઓની સંખ્યા જામનગર-૩૫, કાલાવડ-૩૨, જોડિયા-૨૪, લાલપુર-૧૯, ધ્રોલ-૧૫, જામજોધપુર-૧૧, ઉપરોકત વિગતો મુજબ અન્ય તાલુકાઓની સરખામણીએ જામજોધપુર તાલુકાને ૭૪ ગામડાઓમાં સૌથી ઓછા માત્ર ૧૧ જ નવા તલાટીઓની નિયુકિત આપવામાં આવી છે, તેમજ લાલપુર તાલુકામાં ૭૭ ગામડાઓમાં માત્ર ૧૯ જ નવા તલાટીઓની નિયુકિત આપવામાં આવી છે જે ખરેખર જામજોધપુર અને લાલપુર તાલુકાના લોકો સાથે અન્યાય થયો છે, જયારે જિલ્લા પંચાયત પ્રમુખ જામજોધપુર તાલુકામાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રતિનિધિત્વ કરતા હોય અને જામજોધપુર તાલુકાને તેમના સેટઅપ મહેકમના ૫૦ ટકા જેટલો પણ તલાટી મંત્રીઓનો સ્ટાફ ફાળવવામાં ન આવે તે ખરેખર દુ:ખની બાબત છે જામનગર જિલ્લાનાં દરેક તાલુકામાં તલાટીઓની ઘટની સંખ્યા સરખી રહેવી જોઇએ.
નવી નિમણુંક પહેલા પણ જામજોધપુર લાલપુરમાં અનુક્રમે ૨૧ અને ૨૦ જ તલાટીઓની સંખ્યા હતી. વધુમાં હાલ ગ્રામપંચાયતોની ચુંટણી મોડી થવાના કારણે જામજોધપુર લાલપુરમાં અનુક્રમે ૩૪ અને ૪૭ ગામોમાં પંચાયતોની મુદત પુર્ણ થઇ ગયેલ હોવાના લીધે છેલ્લા સાત-આઠ મહિનાઓથી વહીવટદારો દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે તેમાં પણ તલાટીઓને વહીવટદાર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામા આવેલ છે.
આથી જામનગર જિલ્લાનાં અન્ય તાલુકાઓની સરખામણીએ જામજોધપુર અને લાલપુર તાલુકાને આવનાર દસ દિવસોમાં પૂરતા તલાટી મંત્રીઓ નહિ ફાળવવામાં આવે તો ગ્રામ પંચાયતોના સરપંચઓને સાથે રાખી ધારાસભ્ય દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે આંદોલન કરવા ફરજ પડશે, જે અંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી ભલામણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application